સ્ત્રીઓ સાથેનો વહેવાર
અને સંસ્કૃતિનો સંબંધ
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
ઘર, પરિવાર, ઓફિસ કે પછી જાહેરજીવનમાં
તમે સ્ત્રીઓ સાથે કેવો વહેવાર કરો છો
તેના પર કદીય વિચાર કર્યો છે ખરો
એક વખત બગીચામાં ફરતાં ફરતાં બાદશાહ અકબરને બીરબલે કહ્યું કે, "બાદશાહ તમને ખબર છે એકવીસમી સદીમાં સ્ત્રીઓનું રાજ હશે."
પલકવાર અટકીને બાદશાહે બીરબલને કહ્યું, "એમ, એકવીસમી સદીમાં પણ!"
જે ઘરમાં સ્ત્રીઓનું જોર હોય કે સ્ત્રીઓને પૂછયા વગર કંઈ થતું ન હોય ત્યાં આ વાત અને આ જોકનો ઉપયોગ બહુ છૂટથી થાય છે. બહુ બહુ તો વિમેન્સ ડેના આ વાતને યાદ કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ બનેલા અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ સ્ત્રીઓ સાથેના વ્યવહારની વાત કરી હતી.
ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપવાથી માંડીને રાજપથ પર યોજાયેલી પરેડમાં સ્ત્રી સૈનિકોની ટુકડીએ આગેવાની કરી હતી. આ ઘટનાઓ જોયા બાદ અમેરિકી પ્રેસિડેન્ટે એક વાત કહી કે, મારી ભારતની ટ્રિપમાં સૌથી વધુ યાદગાર વાત રહી હોય તો એ ગાર્ડ ઓફ ઓનરની કમાન્ડિંગ ઓફિસર કોઈ સ્ત્રી હતી. ભારતમાં સરકારી ક્ષેત્રોથી માંડીને અનેક જાહેર ક્ષેત્રોમાં સ્ત્રીઓ દેખાય છે. જે દેશની સ્ત્રીઓ પ્રગતિ કરે છે, જે દેશમાં છોકરીઓ શાળાએ ભણવા જાય છે એ દેશની પ્રગતિ પરફેક્ટ થાય છે. છોકરીઓને ભણવાની તક મળે એ જોવાની જવાબદારી એના પરિવારજનોની છે. કોઈ પણ દેશમાં સ્ત્રીઓ સાથે કેવો વર્તાવ કરવામાં આવે છે તેના પર દેશની પ્રગતિનો આધાર છે.
જે વાત દેશ માટે લાગુ પડે છે એ નાનકડાં ઘરને પણ એટલી જ લાગુ થાય છે. નાની-નાની વાતોથી જ કોઈ ચિનગારી કે ક્રાંતિ થતી હોય છે. કોઈ પણ ઘરની વ્યવસ્થાની માંડીને તમામ ચીજો, પરિવારજનોના ટાઇમિંગ્સ, બધાંની ખાણી-પીણીનો સમય સાચવવા જેવી અનેક નાની ગણાતી વાતોનો આધાર પરિવારની મેઇન સ્ત્રી પર રહેલો છે. જરા તમારી આસપાસનાં ઘરોનો કે પછી તમારા ઘરમાં તમારી સાથે જીવતી સ્ત્રીઓનું તમારી જિંદગીમાં શું મહત્ત્વ છે એનો જરા એક વખત વિચાર કરજો. ઘણું બધું સમજાઈ જશે. મોટાભાગના લોકો કંઈકેટલીય વખત પરિવારની દરેક ઉંમરની અને અલગ અલગ સંબંધોમાં જોડાયેલી સ્ત્રીઓને ટેકન ફોર ગ્રાન્ડેટ લઈ લેતાં હોય છે. વાસ્તવિકતા ત્યારે સમજાય છે જ્યારે એ સ્ત્રીપાત્રો તમારાથી દૂર થઈ ગયાં હોય છે. કોઈ વખત તો એટલી દૂરી થઈ ગઈ હોય છે કે એ સ્ત્રીને તમે થેંક યુ કે સોરીના બે શબ્દો પણ વ્યક્ત કરી શકવાની પરિસ્થિતિમાં નથી હોતા.
ઘર-પરિવારની બહાર ઓફિસમાં પણ સાથે કામ કરતી સ્ત્રીઓ સાથે પણ તમે કેવી રીતે વર્તો છો એનો પણ કોઈ વખત વિચાર કરવો જોઈએ. કેટલાંય કિસ્સાઓમાં તો એવું બને છે કે, ઘરમાં સાથે જીવતી સ્ત્રીઓ સાથે ખરાબ રીતે વર્તો પણ ઓફિસમાં બહુ સજ્જનતાથી પેશ આવો છો. સ્ત્રીઓ સાથેના વર્તનમાં જ સંસ્કાર-સંસ્કૃતિની છબી પ્રતિબિંબિત થતી હોય છે.
કહેવાનો મતલબ એ જ છે કે, તમારી કે તમારા દેશની પ્રગતિ તમારા વ્યક્તિત્વ અને તમારા બીજા લોકો સાથેના વહેવાર સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન તો છે જ. આપણને એવું થાય કે દેશ માટે મારો કોઈની સાથેનો વહેવાર કેવી રીતે જવાબદાર હોય, પણ નાની નાની વાતોથી જ કોઈ મોટી ક્રાંતિને આકાર મળતો હોય છે. ઓબામાએ કહ્યું કે, "મારી પ્રગતિમાં મારી પત્ની મિશેલનો હાથ છે. મારી જીવનસંગિની બહુ સ્ટ્રોંગ મહિલા છે. મારા પરિવારની સ્ત્રી સશક્ત છે એ જ મારી તાકાત છે."
જે વાત મહાસત્તાના મોભી માટે સાચી છે એ જ વાત દરેક વ્યક્તિને પણ એટલી જ અસર કરે છે. ફરક માત્ર એટલો છે કે, એ સચ્ચાઈ આપણને બહુ જલદીથી સમજાતી નથી અને સમજાય છે તો પચતી નથી. મારા એકના વહેવાર કે વર્તનથી શું ફેર પડવાનો છે એ વાતનો વિચાર કરવા કરતાં એવો વિચાર ન કરી શકીએ કે મારા એકના વહેવાર કે વર્તનથી કોઈ એક વ્યક્તિને તો ખરેખર ફરક પડે છે!
(તા. 04 ફેબ્રુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
