Tuesday 26 July 2022

કેમિકલ, દેશી દારુ, લઠ્ઠાકાંડ અને દારુબંધી!

 ગાંધીના ગુજરાતમાં દારુબંધી અને લઠ્ઠાકાંડ, થોડાં દિવસોનો ધમધમાટ ફરી એનું એ જ...


ગઈકાલ સાંજ પહેલા કોઈએ રોજિદ, ચદરવા, દેવગણા, આકરુ, ઉંચડી, વેજળકા, પોલારપુર, રાણપરા, ખડ, વહિયા, ભીમનાથ, નભોઈ, ચોકડી, કોરડા, બરવાળા આ નામ ખાસ નહોતા સાંભળ્યા. આ અલગ-અલગ ગામના નામો છે જેમાં કુલ મળીને 31 લોકોના મોત થયા છે. ગઈકાલે બપોરે ત્રણના મોતની વાત આવી. બીજે દિવસે સવાર સુધીમાં આ આંકડો 31 પર પહોંચી ગયો. હજુ ધંધૂકા અને અમદાવાદની હૉસ્પિટલમાં કેટલાંક લોકો ગંભીર હાલતમાં છે જેમની સારવાર ચાલી રહી છે. સૌથી પહેલાં બહાર આવ્યું કે, દેશી દારુ પીધો છે. પછી આવ્યું કે લઠ્ઠો પીધો છે. આજે સવારે આવ્યું કે મિથાઈલ આલ્કોહોલ- મિથેનોલ ડાયરેક્ટ પીવાથી ઝેરી અસર થઈ અને લોકો મોતને ભેટ્યા. મીડિયાનો કાફલો દરેક ગામમાં રિપોર્ટર અને કેમેરામેનના ધાડાં સાથે ઉતરી ગયો છે. નેશનલ ચેનલથી માંડીને દરેક લોકલ ચેનલ પર અને ન્યૂઝ વેબસાઈટમાં એકસામટાં મોતના સમાચારો ફલેશ થયે રાખે છે.  

પોલીસ સફાળી જાગી અને દેશી દારુના અડ્ડા ઉપર ધડાધડ તૂટી પડી. ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી અને દેશી દારુના વ્યવસાયીઓની ધરપકડ થવા માંડી. રોજિદ ગામના યુવાન સરપંચ જિગરે કહ્યું કે, હું ફરિયાદ કરું તો મારી ફરિયાદ કોઈ સાંભળતું નથી. દારુ પીધેલા લોકોને પકડીને પોલીસ પાસે લઈ જાઉં છું તો એને પોલીસ છોડી દે છે.  

એકસાથે મોત થયાં અને તંત્ર દોડવા લાગ્યું. તપાસની સાથોસાથ રાજકારણ પણ ખેલાવા લાગ્યું. આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે બધાંને પોતાની વોટબેંકથી માંડીને મતોને અંકે કરી લેવા છે. આ સામાન્ય ચલણ રહ્યું છે અને આ જ રહેવાનું છે. થોડાં દિવસો તપાસનો ધમધમાટ ચાલશે. ધરપકડ થશે. તંત્રના કરડી નજર રહેશે એટલો સમય બધું બંધ રહેશે. પછી બધું જ રાબેતા મુજબ ચાલુ થઈ જવાનું છે. આપણને આ રાબેતા મુજબની એટલી આદત લાગી ગઈ છે કે, ગેરકાયદે હોય એની પણ આપણને પરવા નથી હોતી. આટલી મોટી ખુવારી થઈ પછી જો તંત્ર બધું જો શોધી લેતું હોય, કેમિકલના મૂળ અને કૂળ સુધી પહોંચી જતું હોય તો આ બધું થાય એ પહેલા બધા ક્યાં હતા?  

ગેરકાયદે બિઝનેસ ચાલતો હોય કે ગેરકાયદે દારુનું વેચાણ ચાલતું હોય કોઈ તંત્રને જાણ કરે તો ભાગ્યે જ એની સલામતી જોવામાં આવે છે. એ વ્યક્તિની સલામતી જોખમાય તો પણ એ વિનંતી કરીને થાકી જાય તો નથી એ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાતાં કે નથી એ વ્યક્તિની સલામતી કરી શકાતી. સરવાળે જાગૃત્ત નાગરિક આંખ આડા કાન કરીને પોતાની જિંદગીની રફતાર ચલાવે છે.  

ગયા અઠવાડિયે જ ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું કે, ન્યાયાધીશ એની કારકિર્દીમાં ગુનેગારોને આકરી સજા ફરમાવે. કાયદાની દ્રષ્ટિએ યોગ્ય પગલાં લઈ ગુનેગારોને જેલમાં ધકેલે છે. પરંતુ, રિટાયરમેન્ટ પછી જે તે જજને રક્ષણ મળતું નથી. આપણી લોકશાહીની આ કેવી irony છે જે સચ્ચાઈ બયાન કરે છે.  

જે મરી ગયા છે એમના પરિવારજનો પ્રત્યે રાજકારણીઓ સહાનુભૂતિ વ્યક્ત કરશે, આપણને પણ એ પરિવારજનો પ્રત્યે સંવેદના થઈ આવે. આ પરિવારજનોની નજીકના લોકો સાંત્વના આપશે. બધું જ થશે. પણ ફરી એનું એ જ ચક્કર રાબેતા મુજબ.... 

આ સમયે એક કિસ્સો યાદ આવે છે. એક મિનિસ્ટર હતા. એમને એસિડીટીની સમસ્યા હતી. ગાંધીનગરમાં એમણે પોતાના કર્મચારીને કહ્યું કે, થેલી લઈ આવી દે. થોડીવારમાં પેલો માણસ આવ્યો અને સાહેબના ટેબલ પર પોટલી મૂકી. પેલા મિનિસ્ટરે પૂછ્યું કે, આ શું છે? તો પેલા કર્મચારીએ નિખાલસતાપૂર્વક કહ્યું તમે કહેલું ને કે થેલી લઈ આવી દે... આ રહી થેલી. પેલા સિનિયર મિનિસ્ટરે કહ્યું, ભાઈ મારે દૂધની થેલી જોઈએ છે. એસિડીટી થઈ છે એટલે દૂધ પીવું છે. આ વાસ મારતી થેલીને તું અહીંથી લઈ જા.  

ગુજરાતમાં દારુબંધી ખરી. પણ કહેવા પૂરતી છે એ વાત એક ઓપન સિક્રેટ છે. અહીં કટાણે તમને દૂધની થેલી જોઈએ તો રુબરુ લેવા જવું પડે પણ લિકરની હોમ ડિલીવરી થાય છે. નીચેથી માંડીને ઉપર સુધી હપ્તાનું તંત્ર એટલું વ્યવસ્થિત છે કે, કોઈ કંઈ કરી શકે એમ નથી. આ વાત પણ સર્વવિદિત્ છે. ડાયમંડ અને ટેક્સટાઈલની નગરીમાં સૌને ખબર છે કે, એક વિસ્તાર છે જ્યાં છૂટથી વિદેશી-દેશી શરાબનું વિતરણ થાય છે. કોઈ ચમરબંધી નથી જે આ બંધ કરાવી શકે. હવે આ બધું એટલું સર્વસ્વીકાર્ય બની ગયું છે કે, આ પ્રકારનો લઠ્ઠાકાંડ થાય ત્યારે જ તંત્ર સફાળું જાગે છે.  

મને યાદ છે, દક્ષિણ ગુજરાતમાં એક ઝુંબેશ ચાલી હતી. અનેક ગામોમાં વિધવા સ્ત્રીઓની સંખ્યા વધી રહી હતી. મોટાભાગના કિસ્સાઓમાં દેશી દારુને કારણે મોત થતાં હતાં. આ ઝુંબેશમાં ગામેગામની સ્ત્રીઓ જ એકઠી થઈને તંત્રની મદદ વગર દેશી દારુની ભઠ્ઠીઓ પર રેડ પાડતી. એ દારુને વહાવી દેતી અને ભઠ્ઠી તોડી પાડતી. આ લેખ કરવા માટે હું ગયેલી ત્યારે એક ગામના નદીના પટમાં પડેલી રેડની હું સાક્ષી રહી હતી.  

અગાઉ પણ ગુજરાતમાં એક લઠ્ઠાકાંડ થયેલો. એક સાપ્તાહિકના કવર ઉપર મુંડન કરેલા પચાસ માથાં જોઈને ભલભલાં લોકો થીજી ગયા હતા. એ પછી પણ આ બે દિવસમાં બનેલી ઘટના શું સૂચવે છે? વાંચનારાઓ કદાચ વધુ સમજુ છે....   
jyotiu@gmail.com

સ્ત્રીના ચારિત્ર્યનો માપદંડ એના કપડાં અને પુરુષ નગ્ન ફોટોગ્રાફ પડાવે તો!

            કલીવેજ, સ્કર્ટની લંબાઈ અને ન્યૂડ ફોટોશૂટ... 

              બધું જ ચારિત્ર્ય સાથે જોડવું જ જોઈએ?


આપણે સહુ એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીના ચારિત્ર્યના માપદંડો એટલે એની નેકલાઈન કેટલી ડીપ છે અને એની હેમલાઈન કેટલી લાંબી છે એના પરથી માપવામાં આવે છે. જો સિગરેટ પીતી હોય અને શરાબનો ગ્લાસ હાથમાં રાખે તો બોલ્ડ. પીંક ફિલ્મમાં બહુ સરસ રીતે કહેવાયું છે કે, શરાબ અને સિગરેટ હાથમાં હોય એટલે એ સ્ત્રી અવેલેબલ છે એ માનવું જ ઘૃણાસ્પદ છે. સ્ત્રીના મોઢેથી નો મીન્સ નો...નીકળે અને એને સામેનો પુરુષ સમજે એ વાતને હજુ સદીઓ થઈ જવાની છે.  

વાત ભલે વાંચવામાં આકરી લાગે પણ હકીકત એ જ છે કે, સ્ત્રીઓની કપડાંની પસંદગી તમારા કેરેક્ટરનું સર્ટિફિકેટ છે. જ્યારે પુરુષ નગ્ન થઈને ફરે કે ફોટોગ્રાફી કરે પણ એના કેરેક્ટર અંગે સ્ત્રીઓ જેટલી ચર્ચા નથી થતી. ભારતીય સમાજ આ રીતે જ જીવવા ટેવાયેલો છે. સમય પ્રમાણે થોડા વર્ગમાં કદાચ બદલાવ આવ્યો હશે. પરંતુ, થોડોકેય ઉઘાડો ડ્રેસ પહેરીને કોઈ યુવતી કે બાળકી જતી હોય તો એની સામે આંખો ફાડીફાડીને જોનારા લોકોની કમી નથી. એવા કેટલાંય મિત્રો છે જે એમની દીકરીઓને ઘરેથી ફુલ ડ્રેસમાં મોકલે છે અને પાર્ટીમાં જાય ત્યારે એને કહે છે કે, તને ગમતાં કપડાં પહેરી આવ. એક બહેનપણીએ તો નિખાલતાપૂર્વક કહેલું કે, મારી દીકરી ટૂંકા કપડાં પહેરીને કાર સુધી જાય અને વોચમેન એને ભૂખાળવી નજરે જોતો હોય કે સોસાયટીમાં બેઠેલાં કે અવર જવર કરતાં લોકો એને ટીકીટીકીને જુવે એના કરતાં થોડું ધ્યાન રાખવું સારું. આ ધ્યાન રાખવું એટલે સ્પષ્ટપણે દીકરી એકલી ઘરે હોય તો કોઈ જાણીતું કે અજાણ્યું વ્યક્તિ એને ખોટી રીતે સ્પર્શ ન કરી જાય કે કંઈ અણછાજતું એની સાથે ન બને એની તકેદારી.  

કોઈ સ્ત્રી કરિયરમાં કોઈ ગોડફાધર વગર આગળ આવી હોય કે ઉચ્ચ સ્થાને પહોંચી હોય તો પણ એના માટે ઘસાતું બોલનારાઓની કમી નથી. દરેક વ્યક્તિની મંઝિલે પહોંચવાની સફર એ વ્યક્તિ પોતે પસંદ કરતી હોય છે. એમાં તમે બોલવાવાળા કોણ? કોઈની ટીકા કરવા માટે કે નીચા પાડવા માટે કેરેક્ટર એસેસિનેશન સૌથી બેસ્ટ હથિયાર છે. આ હથિયાર બિન્ધાસ્ત વાપરવામાં આવે છે. પુરુષને ખુલ્લે આમ એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ હોય તો પણ એના વિશે વાત કરીને લોકો ભૂલી જશે. પણ સ્ત્રી નજરમાં રહેશે એને લોકો રાખશે.  

રણવીરસિંહનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ થયું એ પછી ટીના નંદિની શાહ નામના વાચકે એક તસવીર મોકલી. સોશિયલ મીડિયા પર આવેલી આ તસવીરમાં દીપિકા પાદુકોણની ક્લીવેજ અને ટૂંકો ડ્રેસ છે એને બીજી તરફ રણવીરસિંહનો ન્યૂડ ફોટો. જેમાં લખ્યું છે, સ્ત્રીની નેકલાઈન અને હેમલાઈન સામે લોકોને સવાલો થાય છે પણ પુરુષ કંઈ પહેર્યા વગર બેઠો હોય તો પણ એની સામે કોઈને કંઈ વાંધો નથી પડતો.  

આપણે આ સમાજ રચનામાં જીવીએ છીએ અને એને સ્વીકારીને રહીએ છીએ. મૂળ પ્રોબ્લેમ આપણી અંદર રોપવામાં આવેલી માનસિકતાનો છે. તમે સેલિબ્રિટી છો, તમે એક્ટ્રેસ છો, તમે ધનવાન છો તો કેટલાંક ટૂંકા કપડાં અને ઉઘાડા ડ્રેસ લોકો સ્વીકારી લે છે. પરંતુ, તમે સિમ્પલ હોટેલમાં સહેજ પણ ટૂંકી ચડ્ડી કે ટ્યૂબ ટોપ પહેરીને જાવ તો લોકો જોવાના જ છે. આ માનસિકતા મુંબઈ કે બીજા મેટ્રો સિટીઝમાં ઓછી જોવા મળે છે. પણ સર્વસામાન્ય રીતે ભારતમાં આ રીતે જ લોકો જોવે છે અને કમેન્ટ કરે છે.  

આનો ઉકેલ શું? આનો ઉકેલ એક જ છે આજની પેઢીને શિક્ષણ આપો ત્યારે દીકરાઓને ખાસ સમજાવો કે, બાળકી, યુવતી કે સ્ત્રી એક વ્યક્તિ છે. એને ફક્ત ને ફક્ત જેન્ડર અલગ છે એ કારણે જુદી રીતે ન જુઓ. નજર સાફ રહે એવા સંસ્કારો આપવામાં આવે તો ઘણું બધું અટકી જાય. આપણે ત્યાં દીકરી મોટી થાય એટલે તરત જ એના ઉપર બહાર આવવા જવાના સમયથી માંડીને અમુક પ્રકારના કપડાં પહેરવાની પાબંદીઓ આવી જાય છે. અલબત્ત આ સર્વસામાન્ય પરિવારોની વાત છે. કેટલાંક અપવાદો જોવા મળે છે. દીકરીને પ્રતિબંધો આવે છે પણ સામી બાજુ એવા કેટલા દીકરા છે જેને મા-બાપ બાજુમાં બેસાડીને એવું શીખવે છે કે, કોઈની દીકરી સામે ગંદી નજરે જોવું એ સારા સંસ્કાર નથી. કેટલા મા-બાપ સ્ત્રીઓને માન આપવું કે સન્માન જાળવવું જોઈએ એવું શીખવે છે? દીકરીને મર્યાદામાં રહેવાનું શીખવવામાં આવે છે તો દીકરાને પણ કેટલીક વાતો શીખવવી જરુરી છે. દીકરીને જ સંસ્કારી નથી બનાવવાની હોતી દીકરો પણ સંસ્કારી હોવો એટલો જ જરુરી છે.
jyotiu@gmail.com

Monday 25 July 2022

મિલકતમાં સરખો ભાગ, તો જવાબદારીમાં કેમ નહીં?


 

કાયદાકીય રીતે મા-બાપની મિલકતમાં દીકરીઓનો હિસ્સો સરખે ભાગે હોય છે, પણ વૃદ્ધ મા-બાપની સેવા કરવાની વાત આવે ત્યારે કેમ દીકરાને જ ફરજની યાદ અપાવવામાં આવે છે?
---------------------------------------------------------
વાત એક બહુ જ ખમતીધર અને ખાનદાની પરિવારની છે. આ પરિવારના દીકરા આનંદે પોતાની વાત અહીં વ્યક્ત કરવા કહ્યું છે.
આઝાદી પછી સમયાંતરે અનેક કાયદાઓમાં ફેરફાર થતો આવ્યો છે. હજુ પણ જમાના પ્રમાણે અનેક કાયદાનાં સ્વરૂપ બદલાઈ રહ્યાં છે. આવો જ એક કાયદો મા-બાપની મિલકત વિશેનો છે. આપણે એ કાયદા વિશે બહુ વાત નથી કરવી, પણ સામાન્ય ભાષામાં સમજવું હોય તો મા-બાપની મિલકતમાં દીકરાઓની સાથોસાથ દીકરીઓને પણ સમાન અધિકાર છે એવું કાયદાકીય રીતે લોકોને સમજાવી શકાય.
આનંદને આ કાયદા સામે કોઈ વાંધો નથી. એને સવાલો છે ફરજ વિશે. આનંદ કહે છે, ‘અમે બે બહેનો અને હું એક ભાઈ એમ ત્રણ ભાંડરડાંઓ અને મમ્મી-પપ્પાનો પરિવાર. પપ્પાએ બહુ નાના પાયેથી મશીનટૂલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. એમને ધારી સફળતા મળી અને પરિવાર બેપાંદડે થયો. પપ્પાનો બિઝનેસ શરૂ થયો ત્યારે અમે ત્રણેય ભાઈ-બહેન ગુજરાતી માધ્યમની શાળામાં ભણતાં હતાં. પપ્પા થોડા રૂપિયાવાળા થયા કે અમને ત્રણેયને સારી અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવ્યાં. સુષમા અને રેણુ બંને મારી મોટી બહેનો પણ હાયર એજ્યુકેશન લઈને સારા પરિવારમાં પરણી છે. બંને બહેનોનું સાસરું અમારા કરતાં પણ પૈસેટકે સુખી છે. આમ જોવા જઈએ તો કોઈને કંઈ કમી નથી.’
‘હું એન્જિનિયર બનીને પપ્પાના વ્યવસાયમાં જોડાઈ ગયો છું. અત્યારે અમે બંને બાપ-દીકરો સાથે ઓફિસે જઈએ છીએ અને કામ કરીએ છીએ. મારાં લગ્ન થઈ ગયાં છે. એક દીકરો છે. મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પત્ની રીટા પણ અમારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરે છે.
ગયા ઉનાળાના વેકેશનની વાત છે. મારી બંને બહેનો વેકેશન ગાળવા અમારા ઘરે આવી હતી. મોટી બહેન અમેરિકા સાસરે છે અને બીજી બહેન મુંબઈ. બહુ સુખરૂપ પસાર થતા હતાં વેકેશનના દિવસો. રોજ અવનવી વાનગીઓ બને અને બધા હસી મજાકના માહોલમાં એન્જોય કરતા હતા. એક રવિવારની સાંજની વાત છે.
પપ્પાએ વાત છેડી કે, ‘હવે મારી ઉંમર થઈ છે. અમે બંને તો ખર્યું પાન કહેવાઈએ. વિચારું છું કે મેં જે બચત અને નાનકડો વ્યવસાય ઊભો કર્યો છે. એનું કંઈક તમારા ત્રણેયના ભાગે વહેંચી દઉં. બિઝનેસ ભલે આનંદ સંભાળે પણ હાલની માર્કેટ પ્રમાણે બિઝનેસની વેલ્યુ ગણી અને બંને દીકરીઓને એનો હિસ્સો આપી દેવા ઈચ્છું છું. અમે લોકો જીવીએ ત્યાં સુધી દીકરા સાથે રહીશું. અમારા ગયા પછી ન તો તમને કોઈ તકલીફ પડે કે ન તમારાં ત્રણેય ભાઈ-બહેન વચ્ચે કોઈ ખટરાગ જાગે એટલે મારે સૌ-સૌને એનો હિસ્સો આપી દેવો છે.’
બચપણથી ત્રણેય ભાઈ-બહેનને એકબીજા સાથે બહુ બને. પણ જમાનાના અનુભવો અને તેમના જીવનમાં આવેલા જીવનસાથીની અસર એમનાં વર્તન અને વાણીમાં તેમ જ વિચારોમાં ચોક્કસ ઝળકી આવે. આવું જ કંઈક આ કિસ્સામાં પણ થયું.
અમેરિકામાં રહેતી સુષમાએ શરૂઆતમાં આનાકાની કરી પણ પછી ભાગ લેવા માટે હા પાડી દીધી. જ્યારે મુંબઈ રહેતી રેણુએ તો એવું કહ્યું કે પપ્પા, આવી જવાની અને હિસ્સો કરવાની વાત જ શા માટે વિચારો છો. તમને કંઈ નથી થવાનું. અને જો તમે ત્રણ હિસ્સા કરવા માગતા હો તો એ ખોટું છે. હજુ તમે અને મમ્મી બંને જીવો છો એટલે તમારે ત્રણ નહીં પણ પાંચ હિસ્સા કરવા જોઈએ. કાલે સવારે તમારા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ એકલી પડી જશે તો? આનંદ સારો દીકરો અને ભાઈ છે પણ સંજોગોની કોઈને ખબર નથી હોતી આથી તમે કે મમ્મી એકલાં થઈ ગયાં તો આર્થિક રીતે તમે કોઈના ઉપર આધારિત ન રહો એટલા માટે પણ તમારે પાંચ હિસ્સા કરવા જરૂરી છે. દીદીની વાત સાથે સહમત થતો આનંદ બોલ્યો કે, બહુ સારી વાત કરી દીદી તમે. પિતાના જીવતેજીવ બધું ક્લિયર થઈ જાય એમાં આનંદને પણ કંઈ વાંધો ન હતો.
એ પછી પાંચ હિસ્સા થયા અને બધાને ભાગે અંદાજે પાંચ-પાંચ કરોડ આવ્યા બધા બહુ રાજી પણ થયા. પણ સમય થોડો પલટાયો. આનંદના પપ્પાની તબિયત લથડી ગઈ અને એ પથારીવશ થઈ ગયા. એવામાં આનંદની પત્ની રીટા અને આનંદની મમ્મીને કોઈ વાતે વાંધો પડ્યો. વાત બહુ બગડી ગઈ એટલે આનંદે બંને બહેનો સાથે ચર્ચા કરી. બંને બહેનોને કોન્ફરન્સ લાઈનમાં લઈને આખી પરિસ્થિતિ સમજાવી.
બંને બહેનોએ બહુ શાંતિથી વાત સાંભળી અને એવું કહ્યું કે, ‘તું રીટાને સમજાવ કે મમ્મીનું જતું કરી દે. આનંદ કહે છે, બંને દીદીને મેં કહ્યું કે, વાત કોમ્પ્રોમાઈઝ લેવલથી ઉપર ચાલી ગઈ છે. વળી, સમાજમાં ખરાબ ન લાગે એ માટે હું અને રીટા યુકેમાં એક કોર્સ કરવા એક વર્ષ માટે જતાં રહેશું. બધાને એકબીજામાંથી થોડા સમય માટે મુક્તિ મળશે એટલે વાત થોડી સહેલાઈથી બની પણ જશે. સમાજમાં ખરાબ પણ નહીં લાગે અને રસ્તો પણ નીકળી જશે. એટલે મારી તમને બંને બહેનોને વિનંતી છે કે, તમે છ-છ મહિના મમ્મી-પપ્પાને સાચવો તો અમને થોડો બ્રેક મળે અને આ થોડો ઘણો મનમેળ બગડી ગયો છે એને ભૂલવાનો થોડો સમય મળે.’
આનંદ કહે છે, ‘મારો પ્રસ્તાવ સાંભળીને બંને બહેનો ગલ્લાં-તલ્લાં કરવા લાગી. અમે તો બંને સાસરવાણી કહેવાઈએ. અમારા ઘરે અમારાં મા-બાપને કેવી રીતે રાખી શકીએ? વળી, એ લોકોને કેવી રીતે ફાવશે... વગેરે વગેરે વાતો કરીને વાત ટાળી દીધી.
આનંદ કહે છે, મેં છેવટે એવું કહ્યું કે, તમે બંને છ-છ મહિના અમારા ઘરે આવીને પપ્પા-મમ્મીનું ધ્યાન રાખો. તો વળી પાછી નવી વાત કરી કે, એક-બે અઠવાડિયાંની વાત હોય તો ઠીક છે પણ સિક્સ મન્થ, ઈઝ સચ અ લોંગ પિરિયડ.’
રીટા અને મમ્મીને બનતું હોત તો પણ આનંદ એનાં વૃદ્ધ મા-બાપને એકલા મૂકીને એક વર્ષના કોર્સ માટે ન જાત. આનંદ કહે છે, મારી વાત ઘણા બધા વાચકનો સેલ્ફિશ લાગશે. પણ સાચી વાત સાથે ઘણા લોકો સંમત પણ થશે. આ એ જ બહેનો છે જેણે પપ્પાની મિલકતમાંથી હોંશ હોંશે પોતપોતાનો હિસ્સો લઈ લીધો હતો. પણ મા-બાપને સાચવવાની વાત આવે અને એ પણ એક વરસ માટે ત્યારે હાથ ઊંચા કરી દીધા? એવું તો કેમ ચાલે?
અધિકાર હોય ત્યાં સરખો હિસ્સો હોય તો મા-બાપને સાચવવામાં કેમ દીકરાના માથે જ ફરજ ઠોકી બેસાડવામાં આવે? હું ક્યાં આખી જિંદગી એમને સાચવવાની વાત કરું છું. થોડા સમયની જ ગોઠવણ છેને? છતાંય બેમાંથી એકેય બહેન ન એની પાસે મા-બાપને રાખવા તૈયાર છે કે ન અમારા ઘરે આવીને એમનું ધ્યાન રાખવા રાજી છે. સામી બાજુ હું નથી મમ્મીને કંઈ કહી શકતો કે નથી રીટાને સમજાવી શકતો. પપ્પા બધું સમજે છે પણ હવે એમનું શરીર સાથ નથી દેતું કે એ પોતાની રીતે બધું મેનેજ કરી શકે.
હા, ઘણા લોકો એવું પણ સજેસ્ટ કરશે કે, કામવાળા બાંધી દો પછી કોઈ ચિંતા નહીં રહે. પણ દીકરી કે દીકરો જે મા-બાપનું ધ્યાન રાખી શકે કે કેર કરી શકે એ પગારદાર માણસ કેવી રીતે કરવાનો?
ફાયદો હોય કે ગેરફાયદો, મિલકત હોય કે જવાબદારી, કેટલી બહેન પોતાના ભાઈને કહે છે, બાંટ લેંગે હમ આધા આધા.

સંતાનોનો ઉછેર ખરેખર પડકારજનક બની ગયો છે?

 




સંતાનો અને મા-બાપ વચ્ચેનો સંબંધ દરેક સમયે સતત બદલાતો રહે છે. એક સમયે પોતાનો જીવ લાગતી મા આકરી લાગવા માંડે તો આપણાં માટે જીવ આપવા તૈયાર હોય એવા પિતા આપણને દીઠાં નથી ગમતાં હોતાં. હજુ બે દિવસ પહેલા અમદાવાદમાં એક કિસ્સો બન્યો 65 વર્ષના પિતાએ એના 21 વર્ષના સગા દીકરાને મારી નાખ્યો. ગયા અઠવાડિયે એક કિસ્સો એવો બન્યો કે, પિતાએ એની પુત્રીને ભરણ પોષણ નહોતું આપ્યું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, દીકરી ભણી રહી છે એની માતા અવસાન પામી છે તમારે એને ભરણ પોષણ આપવું પડશે. જેથી એ પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકે. કોર્ટે આ પિતાને એવું પણ કહ્યું કે, તમે દીકરી સાથે સંવાદ નથી કરતા. તમારે વાતચીત કરવી જોઈએ. આખરે એ તમારું સંતાન છે.  

સંતાન અને મા-બાપ વિશે લખવાનું એટલે સૂઝ્યું કે, ગઈકાલે ભાગ્યે જ કોઈને ખબર હતી કે, પેરન્ટ્સ ડે હતો. 8મી મે, 1973ની સાલથી  દક્ષિણ કોરિયામાં પેરેન્ટ્સ ડેની ઉજવણી શરુ કરાઈ હતી. એ બાદ આ ઉજવણી આઠ જુલાઈએ કરાતી હતી. અમેરિકામાં આ ઉજવણીની શરુઆત થઈ 1994ની સાલથી. ભારતમાં પણ જુલાઈ મહિનાના ચોથા રવિવારે પેરેન્ટ્સ ડેની ઉજવણી થાય છે. ફિલીપાઈન્સમાં ડિસેમ્બર મહિનામાં પેરેન્ટ્સ ડેની ઉજવણી થાય છે તો, શ્રીલંકા અને રશિયામાં પહેલી જૂને ગ્લોબલ પેરેન્ટ્સ ડેની ઉજવાય છે. વિયેતનામમાં સાત જુલાઈના રોજ માતા-પિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

પેરેન્ટ્સ ડે. આ દિવસ ખરેખર ઉજવવાનો હોય? 

ભારતની વાત છે ત્યાં સુધી મા-બાપ અને સંતાનો એક એવો સંબંધ છે જે મા-બાપ જીવે ત્યાં સુધી જીવાતો રહ્યો છે. ખાસ દિવસ ઉજવીને પોતાના લોકો માટે લાગણી વ્યક્ત કરવા માટે આપણે ત્યાં રક્ષાબંધન, ભાઈબીજ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. ભારતના કેટલાય હિસ્સાઓમાં મા-બાપ સાથે જીવવું અને રહેવું એ પરંપરા છે. એ વાત સાચી છે કે,  શહેરોમાં વિભક્ત કુટુંબોની સંખ્યા વધી છે. વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા પણ વધી છે. કેટલાંક આશ્રમોમાં વેઈટીંગ લિસ્ટ છે. ક્યાંક મા-બાપને સંતાનો ઘરની બહાર કાઢી મૂકે છે. ક્યાંક મા-બાપ અને સંતાનો એકબીજાંની સામે કોર્ટે ચડેલાં હોય છે. કોઈવાર સંતાનો મા-બાપ માટે ક્રૂર બને એના સમાચારો આપણને વિચારતા કરી મૂકે એવા છે તેની સાથે મા-બાપ પણ સંતાનોનો જીવ લઈ લે કે એમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તે ત્યારે અરેરાટી થઈ જાય છે. તેમ છતાં ભારતમાં મહદ્અંશે મા-બાપ સાથે જીવવાની પરંપરા જળવાઈ રહી છે.  

આજના સમયને જોતાં એક સવાલ થઈ આવે કે, શું ખરેખર મા-બાપ બનવું પડકારજનક થયું છે? 

આજની generation અને એનું Exposure જોતાં એવું લાગે કે,  મા-બાપ તરીકે પેશ આવવું, સંતાનનો ઉછેર કરવો એ ખરેખર ચેલેન્જિંગ છે. એક યુગલ છે એ સ્પષ્ટપણે કહે છે, અમારા મા-બાપ અમારી પાસેથી એવી આશા રાખે છે  કે, એમણે અમને જન્મ આપ્યો છે એટલે અમારે એમનું ધ્યાન રાખવાનું. એમની કેર કરવાની અને એમનો ખર્ચ ઉપાડવાનો. અમે બંને અમારાં મા-બાપના એકના એક સંતાનો છીએ. આથી એમની જવાબદારી સ્વભાવિક રીતે અમારી જ હોય. પરંતુ, અમારું પોતાનું એક સંતાન અને બંનેના મા-બાપ આ બધામાં અમે આર્થિક રીતે નહીં બીજી બધી રીતે બહુ ખેંચાઈ રહીએ છીએ. ઘણી વખત તો એવું લાગે છે કે, નથી પહોંચી વળાતું પણ અમારી પાસે કોઈ રસ્તો નથી. સાથોસાથ એમનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. સો કોલ્ડ સોસાયટીના લોકો પણ ટીકા કરવાનું નથી ચૂકતાં. આ બધું જોઈને અમે બંનેએ લગ્નના થોડાં જ સમયમાં નક્કી કર્યું કે, અમે બાળક કરીશું પણ એ અમારા આનંદ માટે. અમારી લાગણી માટે. બુઢાપાના સહારા તરીકે અમે સંતાનને નહીં ઉછેરીએ. બને ત્યાં સુધી એને સ્વતંત્ર રાખીશું. એની ઉપર આધારિત ઓછા રહીએ એ રીતે અમે ઈન્વેસ્ટમેન્ટથી માંડીને તમામ વાતોનું પ્લાનિંગ કર્યું છે.  

સંતાન હોય એટલે મા-બાપ તરીકે આશા રાખે કે, એ ઘરડે ઘડપણ એમનું ધ્યાન રાખે. ભારતમાં મોટાભાગે બાળકોનો જન્મ અને ઉછેર આજની તારીખે આ લાગણીને કારણે જ થાય છે. વૃદ્ધાવસ્થામાં સ્વતંત્ર રહેવું એ દરેકને આર્થિક રીતે ન પોસાય ત્યારે દીકરો વહુ ગમે તેવા સ્વભાવના હોય ઘણું બધું જતું કરીને મા-બાપ એમની સાથે રહેતાં હોય છે. માત્ર સંતાનોનો જ સ્વભાવ ખરાબ હોય અને મા-બાપ સહન કરે છે એવું નથી હોતું. દરેક વૃદ્ધાશ્રમમાં ગયેલા વડીલો કે પછી ઘરમાં ડસ્ટબીન તરીકે ઓળખાતાં મા-બાપનો પણ ક્યાંક વાંક હોય છે. જો કે, એ વાંક પોતે જજ બને ત્યારે એમને દેખાતો નથી હોતો. કોઈ મોઢામોઢ કહે તો એમનાથી સહન પણ નથી થતું હોતું.  

તેમ છતાં, મોટાભાગના ભારતીય પરિવારોમાં જીવતાંજાગતાં ભગવાન એટલે મા-બાપ એવું માનનારો વર્ગ ઓછો નથી. આપણું મન ખિન્ન ત્યારે થઈ જાય છે જ્યારે કેટલાંક કિસ્સાઓ ગળે ઉતરે એવા નથી હોતાં. આપણાં મોઢામાંથી હાયકારો નીકળી જાય છે. તેમ છતાં આજે મા-બાપ બનવું એ પડકારજનક છે. વર્કિંગ મધર-ફાધર અને વધી રહેલી મોંઘવારીથી માંડીને દેખાદેખીની દુનિયામાં સંતાનને સંસ્કાર આપવા છતાં સંતાન કેવું થશે એનું ભાવિ ક્યારેય કોઈ ભાખી શક્યું નથી. મા-બાપ કે પેરેન્ટ્સ ડે એ ઉજવવાનો દિવસ નથી હોતો, એ અનુભૂતિ છે. જે તમે જીવો ત્યાં સુધી તમારી સાથે જ રહેવાની છે. 

Wednesday 4 January 2017

'સર્જકના સાથીદાર'- www.khabarchhe.com વેબસાઈટ પર આવતીકાલથી એક જુદો જ પ્રયોગ શરુ થઈ રહ્યો છે. શબ્દોનું સર્જન કરતા ક્રિએટીવ લોકોની ક્રિએટીવીટીમાં એમના સાથીદાર-પરિવારજનોનો કેટલો ફાળો, કેટલો સાથ, કેટલો સહકાર, કેટલો હિસ્સો? દર અઠવાડિયે એક નવા સર્જક અને એમની નહીં વાંચેલી વાતો એ પણ એમની લેખન પ્રક્રિયા વિશે.
પહેલા જ લેખમાં નલિની વિનોદ ભટ્ટ સાથેની મુલાકાત. આવતી કાલે ક્લિક કરવાનું ન ચૂકશો... વિનોદ ભટ્ટનો લેખ સૌથી પહેલાં કોણ વાંચે? એમની લેખન પ્રક્રિયાના નિયમો કેવા અને કેટલા કડક છે ? આ વિશે મજ્જાની વાતો વાંચવી ગમશે જ...

Friday 30 December 2016