Saturday, 27 October 2012


 શક્તિ વગર દરેક શિવ ‘શવ’ સમાન છે...
 
 

શક્તિ અને ભક્તિના પર્વની આરાધના ચાલી રહી છે. નોરતાં એટલે યુવા હૈયાઓ હેલે ચડે. નવરાત્રીમાં આપણે માતાજીની આરાધના કરીએ છીએ. સુખ-શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

મજાની વાત તો એ છે કે, આપણે આપણી અંદર રહેલી કે આપણી આજુબાજુ જીવતી જાગતી શક્તિને ભૂલી જઈએ છીએ. 365માંથી નવરાત્રી શક્તિની આરાધના કરીએ પણ બાકીના 356 દિવસોનું શું? આ દિવસોમાં આપણે કેમ આપણી શક્તિને ભૂલી જઈએ છીએ?

સ્ત્રી શક્તિ વિશેની વાત કરતી વખતે હંમેશાં એક મિત્રની દીકરીની વાત યાદ આવે છે. એ મિત્રને ત્યાં દીકરીનો જન્મ થયો. ત્રણ પેઢીથી પરિવારમાં દીકરી નહોતી જન્મી. આ નાનકડી દીકરીના આવવાથી આખો પરિવાર બહુ રાજી થયો. બાળકોના ડોક્ટરે એ દીકરીને તપાસી. ખબર પડી કે, એની શ્વાસનળી અને અન્નનળીની દીવાલ જોડાયેલી છે. એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બધાના જીવ અદ્ધર થઈ ગયા.
બાળકોના ડોક્ટરે ત્યારે એક અદભુત વાત કરી. એમણે કહ્યું કે, દીકરો હોત તો ઓપરેશન પછી એના બચવાના સાંઠ ટકા ચાન્સ હોત પણ આ દીકરી છે એટલે હું એમાં વીસ ટકા વધારી દઉં છું. એનાં બચવાના ચાન્સીસ એંસી ટકા છે. કેમકે એ દીકરી છે, એને ભગવાને પહેલેથી જ એટલી સશક્ત બનાવી છે કે, એ સંજોગો સામે, ઓપરેશન વખતે લડી લેશે. એ દીકરી ઉપર સફળ ઓપરેશન થયું અને આજે એ દીકરી બહુ નોર્મલ એની જિંદગી જીવે છે.

કુદરતી રીતે જ સ્ત્રીમાં મલ્ટિ ટાસ્કિંગ એબિલિટી છુપાયેલી છે. એક સાથે અનેક કામો પાર પાડી શકે છે. ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય, ઘરે શાકભાજી મંગાવવાના હોય, બાળકોની સ્કૂલમાં એન્યુઅલ ડેનું ફંકશન હોય, સાસુનું 'ની' રિપ્લેસમેન્ટ ઓપરેશન હોય, પિયરમાં કોઈ લગ્નપ્રસંગ સાચવવાનો હોય કે પછી સંજોગો સાથે તાલમેલ કરીને જીવનને આગળ ધપાવવાનું હોય. દરેક સ્ત્રી બહુ સહજતાથી આ બધાં જ કામો પાર પાડી શકે છે.

ઓફિસ અને ઘર સંભાળતી સ્ત્રી કરતાં પરિવારને સંભાળતી હોમ મેકર સ્ત્રી વધુ પ્રેશર નીચે રહીને કામ કરતી હોય છે. ઘણી વખત સાથે જીવતાં લોકો એમની કદર નથી કરતાં કે, એમનાં કામને ગંભીરતાથી નથી લેતાં. પણ એ સ્ત્રી જ્યારે બહારગામ ગઈ હોય કે એ બીમાર પડી હોય ત્યારે ઘરની હાલત અને તમારાં શિડ્યુલ્સ કેવાં વિખેરાઈ જાય છે એનો જરા વિચાર કરજો. જો આ વાત તમને રિયલાઈઝ થતી હોય તો સાથે જીવતી એ સ્ત્રીને એપ્રિશિયેટ જરૂર કરજો.

જગદ્દગુરુ આદિ શંકરાચાર્યએ પણ સ્ત્રીના મહત્વ માટે એવું કહ્યું છે કે, સ્ત્રી શક્તિ વિના દરેક પુરુષ ‘શવ’ સમાન છે મતલબ કે સ્ત્રી શક્તિ છે,  અને એ જ શક્તિના કારણે એ સ્વરૂપ સંપૂર્ણ છે. સ્ત્રી વિનાનો દરેક પુરુષ નિર્જીવ છે.

આ વાતથી પુરુષ સાથે જોડાયેલા તમામ સંબંધોને જરા સાંકળી જુઓ. જન્મથી માંડીને જીવન ચાલે ત્યાં સુધી કોઈને કોઈ સ્વરૂપે, સંબંધે અને પ્રકારે સ્ત્રી સાથે પુરુષ જોડાયેલો જ છે. મા, બહેન, પત્ની, દીકરી, પુત્રવધૂ, પૌત્રીથી માંડીને કોઈને કોઈ રીતે સ્ત્રી શક્તિ પુરુષ સાથે જોડાયેલી છે.

ભગવાનનાં સ્વરૂપોમાં પણ અર્ધનારીશ્વર શિવ અને પાર્વતીના સ્વરૂપને સંપૂર્ણ ગણવામાં આવે છે.

સંબંધોની બાબત તો સ્ત્રી હોય કે પુરુષ અરસ-પરસ જોડાયેલી જ રહેવાની છે.

સવાલ માત્ર એટલો જ છે કે, સ્ત્રી ઘણી વખત પોતાના સ્વરૂપને બહુ જ અન્ડરએસ્ટિમેટ કરે છે. પોતાની અંદર રહેલી શક્તિ કે આવડતને પિછાણ્યા વગર પોતાની જાતને સેકન્ડ સિટીઝન ગણીને જીવ્યે જાય છે. નવરાત્રીમાં માતાજીની પૂજા કરતી વખતે જરા પોતાની અંદર પણ નજર નાખવાની જરૂર છે. તમારી અંદર રહેલી શક્તિને એક વરદાન સમજી એને તમારી આવડત સાથે સહજ ગણવા માંડો દરેક મુશ્કેલ રાહ, મુશ્કેલી થોડી સરળ લાગશે. કોઠાસૂઝ, સિક્સસ્થ સેન્સ કે શક્તિનું સ્વરૂપ વગેરે શબ્દો સ્ત્રી સાથે એમ જ નથી વણાઈ ગયાં.

આ દિવસોમાં તમારી જાતને પ્રોમિસ આપો કે, તમારી સાથે જીવતાં દરેક સંબંધને તમે સજીવન રાખશો અને નોરતાંની નવ રાતો જ નહીં પણ વરસના 365 દિવસ તમારી જાતને હંમેશાં સબળ અને સશક્ત માનશો, જીવશો. જીવનના દરેક તબક્કે તમારી સાથે જોડાયેલાં શિવના સ્વરૂપ-સંબંધને શવ નહીં હંમેશાં સજીવન રાખશો.

Wednesday, 17 October 2012


         શું તમે હેલિકોપ્ટર પેરેન્ટસ છો?


  ‘મોમ, વ્હોટ ઈઝ યોર પ્રોબ્લેમ. મને કેમ સતત ફોલો કર્યાં કરે છે ? હું કંઈ નાની કીકલી નથી રહી. મારી પણ પર્સનલ લાઈફ છે, મને પણ પ્રાઈવસી જોઈએ છે. પ્લીઝ, મારી આગળ-પાછળ હેલિકોપ્ટરની જેમ નહીં ફર. મને ઈઝી નથી લાગતું.’ ટીનએઈજ દીકરીની ડીંકીની વાત સાંભળીને મમતા ડઘાઈ ગઈ.

એણે તરત જવાબ આપ્યો,` હું તારી આગળ-પાછળ ફરતી નથી. હું તારું ધ્યાન રાખું છું. જો હું ધ્યાન ન રાખું તો તારું શું થાય? મારાં કેરિંગને તું હેલિકોપ્ટર પેરેન્ટ્સ સાથે ન સરખાવ. તું મને બહુ વહાલી છે એટલે તારાં પ્રત્યે થોડી વધુ સજાગ છું. મારી જિંદગીમાં તું અને તારા પપ્પા સિવાય બીજું કોણ છે? જો હું તમારાં લોકોનું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે?
   `ઓકે, ફાઈન મોમ. બટ, દરેક વ્યક્તિને એની સ્પેસ જોઈતી હોય છે. તારું સતત ધ્યાન રાખવું ઘણી વખત ગૂંગણામણ જેવું લાગે છે. મને તું તારાથી જરાપણ છૂટી નથી પાડતી. હું ક્યાંય બહાર ગઈ હોઉં તો પણ તું કેટલી બધી વાર મને ફોન કરે છે. ક્યાં છે, શું કરે છે, સ્કૂટર સરખું ચલાવજે, ધ્યાન રાખજે તારી રોજ રોજની એકની એક વાતો, સલાહો અને સૂચનો.....ઈટ્સ બોરિંગ. મહેરબાની કરીને તું મને સમજવાની કોશિશ કર. તું તો એવી રીતે વર્તે છે જાણે આખી જિંદગી તું મને પાલવથી બાંધી રાખવાની છે!’

એકધ્યાને મમ્મીને વાત સાંભળતી જોઈ ડીંકીએ કહેવાનું બંધ ન કર્યું. `મોમ, તને ખબર છે મારી બધી જ ફ્રેન્ડ્ઝ મારી મજાક ઉડાવે છે કે, તારી મમ્મી હજુ તને સ્પૂન ફીડિંગ કરાવે છે, કોઈની મમ્મીનો ફોન આવે કે ન આવે તારો ફોન તો હોય જ. જો મોમ, મને તારો ફોન આવે છે એની સામે વાંધો નથી. પણ તું થોડી વધુ પડતી ચિંતાઓ કરે રાખે છે. જસ્ટ ચિલ મોમ, હું મારું ધ્યાન રાખી શકું એમ છું. મને ખબર પડે છે કે, મારે બાઈક કેટલી સ્પીડે ચલાવવું અને ક્યાં જવું-ક્યાં આવવું મને બધી ખબર પડે છે. તું જ કહે, નાનીમા તને આટલું બધું એટેન્શન આપતાં હતાં?
   ટીનએઈજ દીકરીની મેચ્યોરિટી સાથેની વાત સાંભળતી મમતાએ કહ્યું, `અમે તો ત્રણ બહેન અને એક ભાઈ એમ મળી ને ચાર ભાંડરડા હતાં. હું જેવું ધ્યાન રાખું છું એવું ધ્યાન તો મમ્મી ન રાખી શકતી. કેમકે એ નોકરી કરતી હતી. એટલે અમે બધાં જરૂર કરતાં વહેલાં જવાબદાર થઈ ગયાં. તું ભલેને ગમે એવડી મોટી થાય પણ તું હંમેશાં મારા માટે વહાલી-મીઠડી દીકરી જ રહેવાની છે.’

જો કે, આ ચર્ચા પછી મમતાએ પોતાના વર્તનનો વિચાર કર્યો. દીકરીની ગેરહાજરીમાં પતિ સાથે ચર્ચા કરી. નેટ ઉપર હેલિકોપ્ટર પેરેન્ટ્સ વિશે વાંચ્યુ. મમતા કહે છે, એ પછી મેં મારા જ વર્તનનું એનાલિસીસ કર્યું. મહદ્અંશે મને દીકરીની વાત સાચી લાગી. તમારો પ્રેમ કોઈના માટે ગૂંગળામણ બની જાય એ પણ વધુ પડતું છે. પોતાની જ વ્યક્તિનું ધ્યાન રાખવામાં એટલા ખોવાઈ જાવ કે સામેવાળી વ્યક્તિને એની જાત સાથે રહેવાની પણ સ્પેસ ન મળે એ વળી કેવો પ્રેમ?

ઘર સંભાળતી સ્ત્રી હોય કે નોકરી કરતી સ્ત્રી, પોતાનાં બાળકોની હંમેશાં એકસરખી જ ચિંતા રહેવાની છે. ધ્યાન રાખો અને સતત બાળકના સંપર્કમાં રહો તો જ તમે સારાં મા-બાપ છો એવું નથી. બાળક પણ સતત મોટું અને સમજદાર થતું હોય છે. એની ઉંમર વધે એ સાથે મા-બાપ તરીકે તમારું લેવલ પણ ઉપર આવવું જોઈએ. સતત અને એકધારું હંમેશાં કંટાળાજનક બની રહે છે. પોતાની આસપાસની વ્યક્તિઓ કે પોતાની સાથે જોડાયેલી વ્યક્તિઓની જિંદગીમાં કેટલું પરોવાવું એ તમારે જ નક્કી કરવાનું છે.

બાળકોના પ્રોગ્રેસમાં કે એમની દિનચર્યામાં સતત પડછાયાની માફક ઘૂમતાં મા-બાપ એટલે હેલિકોપ્ટર પેરેન્ટ્સ. આજના જમાનામાં એક જ પરિવારમાં બાળકોની સંખ્યા સતત ઓછી થતી રહી છે. એક યુગલ એક બાળક જેવી પરિસ્થિતિ છે. વળી, શહેરીકરણ અને નોકરી કરતાં દંપતીઓની સંખ્યા પણ વધવા માંડી છે. ઘરમાં સાથે રહેવાનું ઓછું બને એટલે મા-બાપ અને બાળકો સૌથી વધુ મોબાઈલ પર કમ્યુનિકેશન કરે છે. આ સંજોગોમાં બાળકને સતત ફોલો કરવા કરતાં જરૂર છે એની સાથે ક્વોલિટી ટાઈમ કાઢવાની.

જરા વિચારજો, તમે ક્યાંક હેલિકોપ્ટર પેરેન્ટ્સ તો નથી ને?

 

Friday, 12 October 2012

My column on Global Gujarat News


દિલ અને દિમાગ.......... સાચું કોણ?




http://www.globalgujaratnews.com/article/jyoti-unadkat-article-about-live-inn-relationship/

જીવનમાં અનેક વખત નિર્ણયાત્મક ઘડી હોય ત્યારે આપણું મગજ અને મન લડવા માંડે છે. એ બંનેની લડાઈમાં આપણે તો પીલાતાં જ હોઈએ છીએ. દિલ અને દિમાગમાંથી કોણ સાચું એ નક્કી કરવું અઘરું થઈ પડે ત્યારે જીવનને કઈ તરફ લઈ જવું એ જ નથી સમજાતું હોતું.

બેંગલૂરુમાં રહેતી કેયા પણ આવા જ એક કશ્મકશભર્યાં સવાલોમાંથી પસાર થઈ રહી છે. શું કરવું જોઈએ એ કરતાં શું કરું તો મને મજા આવે એ વિચારોમાં અટવાઈ ગયેલી કેયાની વાત જરા વિગતે કરીએ.

કમ્પ્યૂટર એન્જિનિયર થયેલી કેયા મૂળ તો અમદાવાદ શહેરની. ભણીને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં એને બેંગલૂરુ નોકરી મળી. પરિવારજનોની સંમતિ સાથે એ તો સપનાંને સાકાર કરવા નીકળી પડી. શરૂઆતમાં વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બાદમાં પેઈંગ ગેસ્ટ અને એ પછી સરસ મજાના નાનકડા ફલેટમાં એ શિફ્ટ થઈ. નોકરીમાં પ્રગતિની સાથોસાથ એની ફાઈનાન્શિયલ કન્ડિશન પણ સાઉન્ડ થઈ.

કેયા અને સેમ કોઈની પરવા કર્યા વિના લીવ ઈન રિલેશનશિપમાં રહેવા માંડ્યાં. બંને કમાઈને લાવે અને સહિયારો ખર્ચ ભોગવે. ઘરની દરેક જરૂરિયાતોમાં ફિફ્ટી ફિફટી પાર્ટનરશિપ રહે. બંને એમાં ખુશ પણ હતાં.

યુવાન અને સુંદર દેખાતી કેયાને એક ઈતરજ્ઞાતિના યુવાન સેમ સાથે પ્રેમ થયો. પ્રોબ્લેમ એ હતો કે, સેમનો ડિવોર્સનો કેસ કોર્ટમાં ચાલતો હતો. કેયા અને સેમ કોઈની પરવા કર્યા વિના લીવ ઈન રિલેશનશિપમાં રહેવા માંડ્યાં. બંને કમાઈને લાવે અને સહિયારો ખર્ચ ભોગવે. ઘરની દરેક જરૂરિયાતોમાં ફિફ્ટી ફિફટી પાર્ટનરશિપ રહે. બંને એમાં ખુશ પણ હતાં.

આમને આમ પાંચેક વર્ષ વીતી ગયાં. સેમના કેસનો કેમેય નીવેડો આવતો ન હતો. હકીકતે સેમની પત્નીને પતિ કરતાં એની મિલકતમાં વધુ રસ હતો. કોઈ પણ કારણોસર સેમ એ મિલકત પત્નીને આપવા રાજી ન હતો. વળી કેયા તરફથી પણ ડિવોર્સ માટે એવું કંઈ ખાસ દબાણ થતું ન હતું. મોર્ડન જમાનાની કેયાને જે પરિસ્થિતિમાં જિંદગી વહી જતી હતી એમાં પણ કોઈ વાંધો ન હતો.

બેંગલૂરુમાં નોકરી કરતી અને પોતાની રીતે જીવતી કેયાના શિરે કોઈ આર્થિક બોજ ન હતો. પોતાની રીતે કમાઈ લેતી હતી અને જીવતી હતી. પરણેલાં સેમ સાથે એને સંબંધ છે એની સાથે એ રહે છે એ વાતની કેયાનાં મા-બાપને ખબર હતી. શરૂઆતમાં થોડો વિરોધ અને પછી આર્થિક પગભર દીકરી એની જાતે સમજશે એમ માનીને મા-બાપે પણ એની સાથે દલીલ કરવાનું છોડી દીધું હતું. અલબત્ત આ સંબંધ એમને સ્વીકાર્ય તો નહોતો જ.

કદીય આ રીતે જુદાં પણ પડી જવાય એવું કેયાએ સપનામાં પણ નહોતું વિચારેલું. આખી દુનિયામાં જાણે એકલી પડી ગઈ હોય એવું એને લાગવા માંડ્યુ. સેમની અંતિમ પળોમાં કેયા એની પાસે ન હતી.

કેયાને સેમ સાથેની લીવ ઈન રિલેશનશિપમાં પણ કોઈ ખટરાગ ન હતો. કુદરતને આવી સીધી લીટીમાં જતી જિદંગી કદાચ પસંદ ન પડી. એક દિવસ અચાનક સેમને હાર્ટ-એટેક આવ્યો અને એ કેયાને છોડીને ચાલી નીકળ્યો.

કદીય આ રીતે જુદાં પણ પડી જવાય એવું કેયાએ સપનામાં પણ નહોતું વિચારેલું. આખી દુનિયામાં જાણે એકલી પડી ગઈ હોય એવું એને લાગવા માંડ્યુ. સેમની અંતિમ પળોમાં કેયા એની પાસે ન હતી. સેમ એનાં મા-બાપ સાથે રજાઓ ગાળવા ગયેલો અને કેયા પોતાના પપ્પાના ઘરે આવેલી. એમ જ રૂટિન વાતચીત કરવા માટે કેયાએ સેમના મોબાઈલ પર ફોન જોડ્યો અને એને ન સાંભળવાના શબ્દો સાંભળવા મળ્યા.

તારે સેમને જોવો હોય તો ત્રણ કલાકમાં પહોંચી જા. અમદાવાદથી બેંગલૂરુ ત્રણ કલાકમાં તો કેવી રીતે પહોંચી શકાય. કેયા એનાં પ્રિયતમને અંતિમ સમયે પણ ન જોઈ શકી. જેની સાથે પાંચ વર્ષથી પ્રેમથી રહેતી હતી એ વ્યક્તિ આમ અચાનક ચાલી નીકળશે એવી કલ્પના પણ કેયાએ નહોતી કરી. હકીકત એ છે કે, કેયા હવે એકલી છે.

મા-બાપ સાથે છે પણ સાથે નથી. એ ફરી અમદાવાદ આવીને રહી શકે એમ નથી. બેંગલૂરુમાં ફરી એ જ ઘરમાં રહેવું એના માટે બહુ આકરું બની ગયું છે. એણે થોડા જ દિવસોમાં સેમ સાથે જ્યાં જીવન વીતાવેલું એ નાનકડો ફલેટ છોડીને બીજી જગ્યાએ રહેવાનું પસંદ કર્યું.

કોઈને કેયાની ગણતરીઓ અને વર્તન સ્વાર્થી લાગશે પણ દિલ જે–તે વખતે આપણને સાચી સલાહ આપતું હશે પણ આખરે તો હકીકત સ્વીકારીને પ્રેક્ટિકલ હોય એ જ રસ્તો અપનાવવામાં જ શાણપણ છે.

કેયાને એક મોટો ભાઈ અને નાનીબહેન છે. પપ્પાના પેન્શન ઉપર ઘર ચાલે છે. ભાઈ-ભાભી અલગ રહે છે. નાનીબહેનનું ભણવાનું તેમ જ લગ્ન બાકી છે. વળી કેયાની લીવ ઈન રિલેશનશિપની વાત ઘરના લોકો સિવાય કોઈને ખબર પણ ન હતી. કેયાની ઈચ્છા એવી હતી કે, હવે એ અમદાવાદમાં કોઈ નોકરી લઈને મા-બાપ સાથે રહે. પણ કોલેજકાળથી પોતાની રીતે જીવવા ટેવાયેલી કેયાને હવે પોતાની આઝાદી માફક આવી ગઈ હતી. વળી, સેમના ઘરમાં કેયાનો અસ્વીકાર અને કેયાના પરિવારજનોમાં સેમને નહીં આવકારવો આ કઠિન લાગણીઓ પણ એણે પચાવી લીધી હતી. સંજોગો એ એને પ્રેક્ટિકલ બનાવી દીધી.

દિલ અને દિમાગ વચ્ચેના યુદ્ધમાં એનું દિલ હારી ગયું. એનું મન એમ કહેતું હતું કે મા-બાપની હૂંફમાં એ હવેની જિંદગી વીતાવે પણ એનું દિમાગ અને કરિયર એને બેંગલૂરુ બોલાવતા હતા. પોતાની રીતે જીવવાની મજા અને કરિયર એ પણ બહુ જ મહત્વ ધરાવે છે કેયા આ વાતને બખૂબી સમજે છે. એટલે જ એણે મનને આ પરિસ્થિતિ માટે સજ્જ કર્યું અને બહુ જ પ્રેમથી મા-બાપની રજા લઈને બેંગલૂરુ આવી ગઈ છે.

કોઈને કેયાની ગણતરીઓ અને વર્તન સ્વાર્થી લાગશે પણ દિલ જે–તે વખતે આપણને સાચી સલાહ આપતું હશે પણ આખરે તો હકીકત સ્વીકારીને પ્રેક્ટિકલ હોય એ જ રસ્તો અપનાવવામાં જ શાણપણ છે.