કાયદાકીય રીતે મા-બાપની મિલકતમાં દીકરીઓનો હિસ્સો સરખે ભાગે હોય છે, પણ વૃદ્ધ મા-બાપની સેવા કરવાની વાત આવે ત્યારે કેમ દીકરાને જ ફરજની યાદ અપાવવામાં આવે છે?
---------------------------------------------------------
વાત એક બહુ જ ખમતીધર અને ખાનદાની પરિવારની છે. આ પરિવારના દીકરા આનંદે પોતાની વાત અહીં વ્યક્ત કરવા કહ્યું છે.
આઝાદી પછી સમયાંતરે અનેક કાયદાઓમાં ફેરફાર થતો આવ્યો છે. હજુ પણ જમાના પ્રમાણે અનેક કાયદાનાં સ્વરૂપ બદલાઈ રહ્યાં છે. આવો જ એક કાયદો મા-બાપની મિલકત વિશેનો છે. આપણે એ કાયદા વિશે બહુ વાત નથી કરવી, પણ સામાન્ય ભાષામાં સમજવું હોય તો મા-બાપની મિલકતમાં દીકરાઓની સાથોસાથ દીકરીઓને પણ સમાન અધિકાર છે એવું કાયદાકીય રીતે લોકોને સમજાવી શકાય.
આનંદને આ કાયદા સામે કોઈ વાંધો નથી. એને સવાલો છે ફરજ વિશે. આનંદ કહે છે, ‘અમે બે બહેનો અને હું એક ભાઈ એમ ત્રણ ભાંડરડાંઓ અને મમ્મી-પપ્પાનો પરિવાર. પપ્પાએ બહુ નાના પાયેથી મશીનટૂલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. એમને ધારી સફળતા મળી અને પરિવાર બેપાંદડે થયો. પપ્પાનો બિઝનેસ શરૂ થયો ત્યારે અમે ત્રણેય ભાઈ-બહેન ગુજરાતી માધ્યમની શાળામાં ભણતાં હતાં. પપ્પા થોડા રૂપિયાવાળા થયા કે અમને ત્રણેયને સારી અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવ્યાં. સુષમા અને રેણુ બંને મારી મોટી બહેનો પણ હાયર એજ્યુકેશન લઈને સારા પરિવારમાં પરણી છે. બંને બહેનોનું સાસરું અમારા કરતાં પણ પૈસેટકે સુખી છે. આમ જોવા જઈએ તો કોઈને કંઈ કમી નથી.’
‘હું એન્જિનિયર બનીને પપ્પાના વ્યવસાયમાં જોડાઈ ગયો છું. અત્યારે અમે બંને બાપ-દીકરો સાથે ઓફિસે જઈએ છીએ અને કામ કરીએ છીએ. મારાં લગ્ન થઈ ગયાં છે. એક દીકરો છે. મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પત્ની રીટા પણ અમારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરે છે.
ગયા ઉનાળાના વેકેશનની વાત છે. મારી બંને બહેનો વેકેશન ગાળવા અમારા ઘરે આવી હતી. મોટી બહેન અમેરિકા સાસરે છે અને બીજી બહેન મુંબઈ. બહુ સુખરૂપ પસાર થતા હતાં વેકેશનના દિવસો. રોજ અવનવી વાનગીઓ બને અને બધા હસી મજાકના માહોલમાં એન્જોય કરતા હતા. એક રવિવારની સાંજની વાત છે.
પપ્પાએ વાત છેડી કે, ‘હવે મારી ઉંમર થઈ છે. અમે બંને તો ખર્યું પાન કહેવાઈએ. વિચારું છું કે મેં જે બચત અને નાનકડો વ્યવસાય ઊભો કર્યો છે. એનું કંઈક તમારા ત્રણેયના ભાગે વહેંચી દઉં. બિઝનેસ ભલે આનંદ સંભાળે પણ હાલની માર્કેટ પ્રમાણે બિઝનેસની વેલ્યુ ગણી અને બંને દીકરીઓને એનો હિસ્સો આપી દેવા ઈચ્છું છું. અમે લોકો જીવીએ ત્યાં સુધી દીકરા સાથે રહીશું. અમારા ગયા પછી ન તો તમને કોઈ તકલીફ પડે કે ન તમારાં ત્રણેય ભાઈ-બહેન વચ્ચે કોઈ ખટરાગ જાગે એટલે મારે સૌ-સૌને એનો હિસ્સો આપી દેવો છે.’
બચપણથી ત્રણેય ભાઈ-બહેનને એકબીજા સાથે બહુ બને. પણ જમાનાના અનુભવો અને તેમના જીવનમાં આવેલા જીવનસાથીની અસર એમનાં વર્તન અને વાણીમાં તેમ જ વિચારોમાં ચોક્કસ ઝળકી આવે. આવું જ કંઈક આ કિસ્સામાં પણ થયું.
અમેરિકામાં રહેતી સુષમાએ શરૂઆતમાં આનાકાની કરી પણ પછી ભાગ લેવા માટે હા પાડી દીધી. જ્યારે મુંબઈ રહેતી રેણુએ તો એવું કહ્યું કે પપ્પા, આવી જવાની અને હિસ્સો કરવાની વાત જ શા માટે વિચારો છો. તમને કંઈ નથી થવાનું. અને જો તમે ત્રણ હિસ્સા કરવા માગતા હો તો એ ખોટું છે. હજુ તમે અને મમ્મી બંને જીવો છો એટલે તમારે ત્રણ નહીં પણ પાંચ હિસ્સા કરવા જોઈએ. કાલે સવારે તમારા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ એકલી પડી જશે તો? આનંદ સારો દીકરો અને ભાઈ છે પણ સંજોગોની કોઈને ખબર નથી હોતી આથી તમે કે મમ્મી એકલાં થઈ ગયાં તો આર્થિક રીતે તમે કોઈના ઉપર આધારિત ન રહો એટલા માટે પણ તમારે પાંચ હિસ્સા કરવા જરૂરી છે. દીદીની વાત સાથે સહમત થતો આનંદ બોલ્યો કે, બહુ સારી વાત કરી દીદી તમે. પિતાના જીવતેજીવ બધું ક્લિયર થઈ જાય એમાં આનંદને પણ કંઈ વાંધો ન હતો.
એ પછી પાંચ હિસ્સા થયા અને બધાને ભાગે અંદાજે પાંચ-પાંચ કરોડ આવ્યા બધા બહુ રાજી પણ થયા. પણ સમય થોડો પલટાયો. આનંદના પપ્પાની તબિયત લથડી ગઈ અને એ પથારીવશ થઈ ગયા. એવામાં આનંદની પત્ની રીટા અને આનંદની મમ્મીને કોઈ વાતે વાંધો પડ્યો. વાત બહુ બગડી ગઈ એટલે આનંદે બંને બહેનો સાથે ચર્ચા કરી. બંને બહેનોને કોન્ફરન્સ લાઈનમાં લઈને આખી પરિસ્થિતિ સમજાવી.
બંને બહેનોએ બહુ શાંતિથી વાત સાંભળી અને એવું કહ્યું કે, ‘તું રીટાને સમજાવ કે મમ્મીનું જતું કરી દે. આનંદ કહે છે, બંને દીદીને મેં કહ્યું કે, વાત કોમ્પ્રોમાઈઝ લેવલથી ઉપર ચાલી ગઈ છે. વળી, સમાજમાં ખરાબ ન લાગે એ માટે હું અને રીટા યુકેમાં એક કોર્સ કરવા એક વર્ષ માટે જતાં રહેશું. બધાને એકબીજામાંથી થોડા સમય માટે મુક્તિ મળશે એટલે વાત થોડી સહેલાઈથી બની પણ જશે. સમાજમાં ખરાબ પણ નહીં લાગે અને રસ્તો પણ નીકળી જશે. એટલે મારી તમને બંને બહેનોને વિનંતી છે કે, તમે છ-છ મહિના મમ્મી-પપ્પાને સાચવો તો અમને થોડો બ્રેક મળે અને આ થોડો ઘણો મનમેળ બગડી ગયો છે એને ભૂલવાનો થોડો સમય મળે.’
આનંદ કહે છે, ‘મારો પ્રસ્તાવ સાંભળીને બંને બહેનો ગલ્લાં-તલ્લાં કરવા લાગી. અમે તો બંને સાસરવાણી કહેવાઈએ. અમારા ઘરે અમારાં મા-બાપને કેવી રીતે રાખી શકીએ? વળી, એ લોકોને કેવી રીતે ફાવશે... વગેરે વગેરે વાતો કરીને વાત ટાળી દીધી.
આનંદ કહે છે, મેં છેવટે એવું કહ્યું કે, તમે બંને છ-છ મહિના અમારા ઘરે આવીને પપ્પા-મમ્મીનું ધ્યાન રાખો. તો વળી પાછી નવી વાત કરી કે, એક-બે અઠવાડિયાંની વાત હોય તો ઠીક છે પણ સિક્સ મન્થ, ઈઝ સચ અ લોંગ પિરિયડ.’
રીટા અને મમ્મીને બનતું હોત તો પણ આનંદ એનાં વૃદ્ધ મા-બાપને એકલા મૂકીને એક વર્ષના કોર્સ માટે ન જાત. આનંદ કહે છે, મારી વાત ઘણા બધા વાચકનો સેલ્ફિશ લાગશે. પણ સાચી વાત સાથે ઘણા લોકો સંમત પણ થશે. આ એ જ બહેનો છે જેણે પપ્પાની મિલકતમાંથી હોંશ હોંશે પોતપોતાનો હિસ્સો લઈ લીધો હતો. પણ મા-બાપને સાચવવાની વાત આવે અને એ પણ એક વરસ માટે ત્યારે હાથ ઊંચા કરી દીધા? એવું તો કેમ ચાલે?
અધિકાર હોય ત્યાં સરખો હિસ્સો હોય તો મા-બાપને સાચવવામાં કેમ દીકરાના માથે જ ફરજ ઠોકી બેસાડવામાં આવે? હું ક્યાં આખી જિંદગી એમને સાચવવાની વાત કરું છું. થોડા સમયની જ ગોઠવણ છેને? છતાંય બેમાંથી એકેય બહેન ન એની પાસે મા-બાપને રાખવા તૈયાર છે કે ન અમારા ઘરે આવીને એમનું ધ્યાન રાખવા રાજી છે. સામી બાજુ હું નથી મમ્મીને કંઈ કહી શકતો કે નથી રીટાને સમજાવી શકતો. પપ્પા બધું સમજે છે પણ હવે એમનું શરીર સાથ નથી દેતું કે એ પોતાની રીતે બધું મેનેજ કરી શકે.
હા, ઘણા લોકો એવું પણ સજેસ્ટ કરશે કે, કામવાળા બાંધી દો પછી કોઈ ચિંતા નહીં રહે. પણ દીકરી કે દીકરો જે મા-બાપનું ધ્યાન રાખી શકે કે કેર કરી શકે એ પગારદાર માણસ કેવી રીતે કરવાનો?
ફાયદો હોય કે ગેરફાયદો, મિલકત હોય કે જવાબદારી, કેટલી બહેન પોતાના ભાઈને કહે છે, બાંટ લેંગે હમ આધા આધા.

No comments:
Post a Comment