Friday, 27 May 2011



ગૃહસ્થી કેવી રીતે બચાવવી? 



      લગ્નજીવન બચાવવાનો કોઈ રસ્તો મને સૂઝતો નથી. કોઈ વખત એવું લાગે છે કે, હું કોઈ અજાણી વ્યક્તિ સાથે જિંદગી પસાર કરી રહી છું અને કોઈ વખત એમ લાગે છે કે, બધું મૂકીને ક્યાંક ભાગી જાઉં. ઓમાનથી એક વામાએ ઈમેઈલ કર્યો છે. 
     મીના સોફ્ટવેર એન્જિનીયર છે. એ સાતેક વરસથી પતિ જીગર સાથે વિદેશ સ્થાયી થઈ છે. પતિ સાથેનું સહજીવન ખોરંભે ચડી ગયું હોય એવું એને લાગે છે. 
     મીના લખે છે, આઠ વરસ અગાઉ જીગર સાથે મારાં એરેન્જડ મેરેજ થયાં. જીગર ભણીને વિદેશ સેટલ થયાં. લગ્ન ભારતીય યુવતી સાથે જ કરવા એ હેતુથી અમારાં બંનેના માબાપના પ્રયત્નોથી મુલાકાત ગોઠવાઈ. બહુ થોડાં જ સમયમાં અમારાં લગ્ન લેવાયાં. લગ્ન બાદ અમે બંને ફક્ત એક અઠવાડિયું સાથે રહ્યાં હોઈશું. જીગર ફરી એમનાં કામે વિદેશ ચાલ્યા ગયા.  
     જીગર પાસે જવા માટે મારાં વિઝા હજુ તૈયાર નહોતા થયાં. એ દિવસોમાં હું  મારાં માબાપ સાથે રહેતી. પતિ પાસે જવાનું નક્કી થાય એ પહેલાં હું બીમાર પડી. મારે મેજર ઓપરેશન કરાવવું પડ્યું. જીગર મારું ધ્યાન રાખવા માટે ભારત આવી ગયાં. 
     મીના એનાં સાસરિયાની વાત લખે છે કે, ‘ઓપરેશન પછી તબિયત થોડી સરખી થઈ એટલે અમે થોડાં દિવસ મારાં સાસરે રહેવા આવ્યાં. સાસુસસરા, જેઠજેઠાણી, અપરણિત નણંદ એમ અમારો સંયુક્ત પરિવાર. જીગરની હાજરીમાં એક વખત મારાં સસરા અને જેઠ વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઈ. એ સમયે મારાં જેઠે એમનાં પિતા મતલબ કે મારાં સસરા ઉપર હાથ ઉપાડ્યો. જીગરની સામે આ ઝઘડો થતો હતો એટલે એ વચ્ચે પડ્યાં અને બધાંને છોડાવ્યાં. આ બધી બબાલમાં જીગર એમનાં સ્વભાવ પ્રમાણે વધુ હાઈપર થઈ ગયા. ગુસ્સો કર્યાં પછી જીગર એમની જાત ઉપરનો કાબુ ખોઈ બેસે.’ 
     મીના લખે છે કે, જીગર તો ભારતમાં સેટ થવાનું નક્કી કરીને આવેલાં. પણ રોજબરોજના ઝઘડાંથી કંટાળીને અમે ઓમાન રહેવા આવી ગયાં. પરિવારના ઝઘડાં અને મનભેદમાંથી બહાર આવતાં જીગરને બહુ સમય લાગ્યો. સમય પસાર થતો ગયો તેમ તેમ અમારી જિંદગી પણ સેટ થતી ગઈ.’
મીના મુદાની વાત ઉપર આવે છે. એ કહે છે, ‘ સોફ્ટવેર એન્જિનીયરીંગ કર્યુઁ હોવાથી મને બહુ આસાનીથી નોકરી મળી ગઈ. એ સમયે મારી નોકરી કે બહાર જવા સામે જીગરને કોઈ વાંધો ન હતો. ઓફિસેથી આવીને ઘણી વખત બહુ સહજતાથી પતિ સાથે બધી વાતો કરતી. એ મને મારાં બોસ તેમજ ઓફિસના પુરુષ સહકર્મચારી સાથે કેવી રીતે વર્તવું એનું લેક્ચર આપે. જાણે હું કોઈ બાળક હોય એ રીતે કોની સાથે કેવી રીતે વાત કરવી એ શીખવે.’
     ‘થોડાં દિવસો સુધી તો મેં સહન કર્યું. જો કે એ બાદ જીગર દ્વારા મારી વધુ અને કડક પૂછપરછ થવા લાગી. વાતે વાતે મને રોકવાટોકવામાં આવે. હું મુક્ત વાતાવરણમાં ઉછરેલી છું એટલે આ દબાણ સહન કરવું મારાં માટે સહેલું ન હતું. પતિના મિત્રો સિવાયના કોઈ જણીતાં કે અજાણ્યાં પુરુષ સાથે વાત કરતી એ પણ એમનાથી ન સહન થાય. આ ચર્ચાઓ ક્યારે ઝઘડાંનું સ્વરુપ લઈ લેતી એનો અમને બંનેને ક્યારેય અંદાજ ન રહેતો. આ બધી વાત પરથી એટલી સમજ પડી કે અમારાં બંનેના વિચારો અને સમજ અલગ અલગ દિશામાં ગતિ કરે છે.’
     મીનાના ઈમેઈલમાં આવેલાં શબ્દો જ ટાંકુ તો એ કહે છે, ‘હજુ કંઈ થાળે પડે એ પહેલાં ખબર પડી કે હું પ્રેગનેન્ટ છું. ડીલીવરી કરવા માટે હું ભારત આવી. અમે એક દીકરાના માબાપ બન્યાં. જો કે થોડો સમય એકબીજાંથી દૂર રહ્યાં એમાં અમારાં બંનેનાં સંબંધમાં આવી ગયેલી તાણ થોડે અંશે ઓછી થઈ. ’ 
દીકરાને લઈને એ પતિ સાથે ઓમાન રહેવા આવી. મીનાની મૂંઝવણ એ છે કે એનો દીકરો મોટો થઈ રહ્યો છે. એની નજર સામે માબાપના ઝઘડાં જોઈને ઘણી વખત એ હેબતાઈ જાય છે. એ કહે છે, દીકરો હજુ બે વરસનો માંડ થયો છે. વિદેશની ભૂમિ ઉપર એનાં માબાપને આ રીતે ઝઘડતાં જોઈને એના મન ઉપર શું અસર આવશે? 
     મીના સાથે બે વખત ઈમેઈલથી વાત થઈ. મીનાની વાત ઉપરથી એવું લાગે છે કે, જીગર ટીપીકલ ભારતીય માનસિકતા ધરાવતો પુરુષ છે. કોઈ પરપુરુષ સાથે પત્નીનું હળવું મળવું એને ગમતું નથી. પોતાનો કક્કો જ ખરો એ વાતને જીગર અનુસરે છે. 
     ઘણી વખત બે અજાણી વ્યક્તિઓ ભવોભવનાં સાથીઓ હોય એમ રહે છે તો કોઈ વાર વરસો સુધી એક છત નીચે સાથે રહેતી વ્યક્તિ પણ અજાણી લાગતી હોય છે. એક બાળકના જન્મ બાદ ગૃહસ્થીને ટકાવી રાખવી દરેક સ્ત્રી માટે જીવનનું બહુ મહત્વનું પાસું બની રહે છે. મીના પણ એ જ કરવા માગે છે. એ કરિયર વુમન છે જલદીથી કોઈની દાદાગીરી સહન કરી શકે એવી સ્ત્રી નથી. બીજી બાજુ થોડાંક જ મતભેદ થવાથી પતિથી છૂટાં થઈ જવાનો તો એને વિચાર પણ નથી આવતો. 
     મીનાને એટલી જ વાત કરવાની કે, સંબંધને થોડી સ્પેસ અને થોડો સમય આપવાની જરૂર છે. જીવનસાથીને કોઈ સલાહ આપતી હોય એ રીતે નહીં પણ બંનેને એકબીજાં સાથે થતાં સવાલોને સાથે મળીને, વાતચીત કરીને કોઈ નીવેડો લાવવો જોઈએ. તમે તમારાં જીવનસાથીના વ્યક્તિત્વને સારી રીતે સમજતા હોવ ત્યારે તેની અપેક્ષા મુજબ નાનાનાના વર્તન પણ ઘણીવખત જિંદગી અને ગૃહસ્થીને સરળ અને સહજ બનાવવામાં મદદરૂપ થતાં હોય છે. 

1 comment:

  1. sachi vat jyotiben..
    કોઇ પણ સંબંધ સ્પેસ અને સમય બંને માગે છે..

    નીલમ દોશી

    ReplyDelete