Saturday, 3 November 2012


          વજન ઉતાર તો જ તને પરણું…!!!


          http://www.globalgujaratnews.com/uploads/news/10_2012/1351321357_Loose_Weight.jpg





કોઈ પણ માનવી માટે દેખાવ બહુ મહત્વનો છે. પોતાનો હોય કે સાથે જીવતી વ્યક્તિનો દેખાવ હોય. પહેલી નજરે કોઈ વ્યક્તિને જોઈએ તો હંમેશાં આપણે એને એના દેખાવથી જ માપીએ છીએ. દેખાવ અને બોડી લેંગ્વેજ પરથી તેને જજ કરીએ છીએ.

એરેન્જ મેરેજમાં પણ દેખાવને સૌથી પહેલાં જોવામાં આવે છે. જોવા આવેલી વ્યક્તિ પહેલી નજરમાં ગમી જાય એવી છે કે નહીં? ગમે તો એ સામેના પાત્રની સાથે શોભશે કે નહીં એ પણ વિચારવામાં આવે છે. થોડી ઘણી પળો વાતો કરીને લગ્ન કરવા કે નહીં તે નક્કી થાય છે.

લવમેરેજ કે પ્રેમમાં પડનારા લોકોની વાત પણ આમ તો દેખાવ ઉપરથી નક્કી થતી હોય છે. સરવાળે એક વાત તો નક્કી કે, દેખાવ મહત્વનો છે.

ઓકે, ઓકે, એગ્રીડ..... ફક્ત દેખાવ જ મહત્વનો નથી, બીજું ઘણું બધું મહત્વનું હોય છે.

શું ફક્ત બાહ્યદેખાવ જ મહત્વનો છે.? શું એ વ્યક્તિ કેવી છે એ મહત્વનું નથી? એ વ્યક્તિનો સ્વભાવ, વર્તન કે રીતભાત, આદતો વગેરે કેવાં છે એ મહત્વનું નથી? એ વ્યક્તિ દેખાવમાં સારી હોય પણ સ્વભાવમાં સારી ન હોય તો તેને કોઈ પસંદ નહીં કરે. અલબત્ત એ વાત સાચી છે કે, કોઈ વ્યક્તિની મુલાકાત ઘણી વખત તેના દેખાવના કારણે યાદ રહી જતી હોય છે. પણ એ વાતેય એટલી જ સાચી કે, દેખાવ પરથી કોઈ વ્યક્તિ કેવી હશે એનું અનુમાન કદીય નથી લગાવી શકાતું.

દેખાવ અને વ્યક્તિના સ્વભાવની વાતો એટલે કરવાનું મન થયું કે, જીમમાં સાથે આવતી એક બહેનપણીની વ્યથા દિલને સ્પર્શી ગઈ. રોજ વજનના કાંટા ઉપર પ્લસ-માઈનસ થતો આંકડો એના દિવસને સુધારે છે કે બગાડે છે. એ બહેનપણીનું નામ માયા. એનું વજન છે પંચોતેર કિલો. માયાને વજન કરવું છે સાંઠ કિલો.

માયાને તેના વધતાં વજનથી કંઈ પ્રોબ્લેમ નથી. તેનાં મા-બાપ કે પરિવારજનોને પણ કોઈ સવાલ નથી. પણ તેને જોવા આવેલા એક છોકરાએ એવું કહ્યું કે, તું વજન ઓછું કર તો હું તને પરણું.

વાત જાણે એમ બની કે, માયાને થોડા મહિનાઓ પહેલાં એના નજીકના પરિવારજનોની ઓળખાણથી પરાગ જોવા આવેલો. પરિવાર સાથે આવેલા પરાગને સુંદર મજાની માયા બહુ ગમી ગઈ. પરાગે પહેલી જ મુલાકાતમાં માયાને કહી દીધું કે મને તું બહુ ગમે છે, પણ તારું વજન થોડું વધારે છે. માયાને વેલસેટલ્ડ લાઈફ જીવતો પરાગ ગમી ગયેલો. તું જો થોડું વજન ઉતારે તો આપણી વાત આગળ ચાલે.

માયા પરણવા માટે એવી ડેસ્પરેટ નહોતી થઈ છતાં પણ એ પરાગ માટે વજન ઉતારવા તૈયાર થઈ ગયેલી કેમ કે અત્યાર સુધી જોયેલા મુરતિયાઓમાં પરાગ તેને સૌથી વધુ ગમી ગયેલો.

માયાએ કસરત કરતાં કરતાં પોતાનો વજન ઉતારવાનો પર્પઝ કહ્યો. વજન નહીં ઊતરે તો શું પરાગ તને નહીં પરણે?

માયાએ તરત જવાબ આપ્યો કે, કેમ નહીં ઊતરે? નવ કિલો તો ઉતારી નાખ્યું.  બસ છ કિલો ઉતારું એટલે અમારી સગાઈ થઈ જશે.
માયાની વાત સાંભળીને મેં તરત પૂછયું કે, લગ્ન કે બાળકોના જન્મ પછી વજન વધી જશે તો શું પરાગ તને છોડી દેશે? આપણી ભારતીય સ્ત્રીઓમાં લગ્ન પછી વજન વધવું બહુ સ્વાભાવિક છે. લગ્ન પહેલાં પરિવારજનો અને નજીકના મિત્રોને ત્યાં જમવાનું અને લગ્ન પછી પણ સજોડે બધાંના ઘરે જમવાનું થાય. લગ્ન પછી લગભગ એંસી ટકા સ્ત્રીઓના વજનમાં વધારો જોવા મળે છે. એક-બે વર્ષ પછી બ્લાઉઝ કે ડ્રેસની અંદરની સિલાઈ કાઢવાનું બહુ સહજ બની જતું હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન વજન વધવું અને બાળકના જન્મ પછી ખાણી-પીણી રીતભાતો બદલાઈ જતાં પણ વજન વધે છે. શું તને આ ભવિષ્યની વાતોની કંઈ ખબર છે ખરી?

માયાએ વાત સાંભળી અને જવાબ આપ્યો, હા મને બધી જ ખબર છે. પણ હું ધ્યાન રાખીશ.

એને અડધેથી જ અટકાવીને મેં કહ્યું, માયા, તને એવું નથી લાગતું કે, તારી અંદરની સ્ત્રીને ઓળખવાને બદલે પરાગ તને દેખાવથી જ તોલી રહ્યો છે. દેખાવ મહત્વનો છે પણ એ દેખાવ જો તમારી રોજબરોજની જિંદગીના સહજીવનમાં હાવી થઈ જાય તો જરા વિચારવું રહ્યું.

શું તે એને કદીય પૂછ્યું છે કે, જો હું જાડી થઈ જઈશ તો તું મને પ્રેમ નહીં કરે? જો લગ્ન પછી વજન વધશે, બેડોળ થઈ જઈશ તો શું તું છૂટાછેડા લઈ લઈશ? માનો કે ઊંધું થયું કે પરાગ જાડો થઈ ગયો કે કોઈ કારણોથી એના દેખાવમાં ફેરફારો થયા તો શું તું એને ફકત આ જ કારણોથી છોડી દઈશ? જીવન આગળ વધશે એમ ઉંમરની અસર બાહ્ય દેખાવ ઉપર પડવાની છે. કોઈ આખી જિદંગી સ્વરૂપવાન કે યુવાન નથી  રહેવાનું. દેખાવ મહત્વનો છે પણ જ્યારે બે વ્યક્તિઓ સાથે રહે છે, એક છત નીચે જિંદગી શેર કરે છે ત્યારે દેખાવની સાથોસાથ એ વ્યક્તિના જીવનની દરેક ક્ષણ તમે એની સાથે જીવતાં હોવ છો. એવી અનેક પળો આવશે જ્યારે દેખાવ બહુ ગૌણ બની જાય છે. લગ્નજીવન અને સહજીવનમાં દેખાવનો મોહ ધીમે ધીમે પ્રેમ અને સંભાળમાં પરાવર્તિત થવો જોઈએ.

ફિટ રહેવું અને વજન ન વધે એ વાતનું ધ્યાન રાખવું એ સારી વાત છે. પણ એ વાત લગ્નની શરત બની જાય તો?

તમે શું માનો છો, શું વજન ઊતરે પછી જ લગ્ન કરવાનો પરાગનો આગ્રહ સાચો છે?






Saturday, 27 October 2012


 શક્તિ વગર દરેક શિવ ‘શવ’ સમાન છે...
 
 

શક્તિ અને ભક્તિના પર્વની આરાધના ચાલી રહી છે. નોરતાં એટલે યુવા હૈયાઓ હેલે ચડે. નવરાત્રીમાં આપણે માતાજીની આરાધના કરીએ છીએ. સુખ-શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

મજાની વાત તો એ છે કે, આપણે આપણી અંદર રહેલી કે આપણી આજુબાજુ જીવતી જાગતી શક્તિને ભૂલી જઈએ છીએ. 365માંથી નવરાત્રી શક્તિની આરાધના કરીએ પણ બાકીના 356 દિવસોનું શું? આ દિવસોમાં આપણે કેમ આપણી શક્તિને ભૂલી જઈએ છીએ?

સ્ત્રી શક્તિ વિશેની વાત કરતી વખતે હંમેશાં એક મિત્રની દીકરીની વાત યાદ આવે છે. એ મિત્રને ત્યાં દીકરીનો જન્મ થયો. ત્રણ પેઢીથી પરિવારમાં દીકરી નહોતી જન્મી. આ નાનકડી દીકરીના આવવાથી આખો પરિવાર બહુ રાજી થયો. બાળકોના ડોક્ટરે એ દીકરીને તપાસી. ખબર પડી કે, એની શ્વાસનળી અને અન્નનળીની દીવાલ જોડાયેલી છે. એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બધાના જીવ અદ્ધર થઈ ગયા.
બાળકોના ડોક્ટરે ત્યારે એક અદભુત વાત કરી. એમણે કહ્યું કે, દીકરો હોત તો ઓપરેશન પછી એના બચવાના સાંઠ ટકા ચાન્સ હોત પણ આ દીકરી છે એટલે હું એમાં વીસ ટકા વધારી દઉં છું. એનાં બચવાના ચાન્સીસ એંસી ટકા છે. કેમકે એ દીકરી છે, એને ભગવાને પહેલેથી જ એટલી સશક્ત બનાવી છે કે, એ સંજોગો સામે, ઓપરેશન વખતે લડી લેશે. એ દીકરી ઉપર સફળ ઓપરેશન થયું અને આજે એ દીકરી બહુ નોર્મલ એની જિંદગી જીવે છે.

કુદરતી રીતે જ સ્ત્રીમાં મલ્ટિ ટાસ્કિંગ એબિલિટી છુપાયેલી છે. એક સાથે અનેક કામો પાર પાડી શકે છે. ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય, ઘરે શાકભાજી મંગાવવાના હોય, બાળકોની સ્કૂલમાં એન્યુઅલ ડેનું ફંકશન હોય, સાસુનું 'ની' રિપ્લેસમેન્ટ ઓપરેશન હોય, પિયરમાં કોઈ લગ્નપ્રસંગ સાચવવાનો હોય કે પછી સંજોગો સાથે તાલમેલ કરીને જીવનને આગળ ધપાવવાનું હોય. દરેક સ્ત્રી બહુ સહજતાથી આ બધાં જ કામો પાર પાડી શકે છે.

ઓફિસ અને ઘર સંભાળતી સ્ત્રી કરતાં પરિવારને સંભાળતી હોમ મેકર સ્ત્રી વધુ પ્રેશર નીચે રહીને કામ કરતી હોય છે. ઘણી વખત સાથે જીવતાં લોકો એમની કદર નથી કરતાં કે, એમનાં કામને ગંભીરતાથી નથી લેતાં. પણ એ સ્ત્રી જ્યારે બહારગામ ગઈ હોય કે એ બીમાર પડી હોય ત્યારે ઘરની હાલત અને તમારાં શિડ્યુલ્સ કેવાં વિખેરાઈ જાય છે એનો જરા વિચાર કરજો. જો આ વાત તમને રિયલાઈઝ થતી હોય તો સાથે જીવતી એ સ્ત્રીને એપ્રિશિયેટ જરૂર કરજો.

જગદ્દગુરુ આદિ શંકરાચાર્યએ પણ સ્ત્રીના મહત્વ માટે એવું કહ્યું છે કે, સ્ત્રી શક્તિ વિના દરેક પુરુષ ‘શવ’ સમાન છે મતલબ કે સ્ત્રી શક્તિ છે,  અને એ જ શક્તિના કારણે એ સ્વરૂપ સંપૂર્ણ છે. સ્ત્રી વિનાનો દરેક પુરુષ નિર્જીવ છે.

આ વાતથી પુરુષ સાથે જોડાયેલા તમામ સંબંધોને જરા સાંકળી જુઓ. જન્મથી માંડીને જીવન ચાલે ત્યાં સુધી કોઈને કોઈ સ્વરૂપે, સંબંધે અને પ્રકારે સ્ત્રી સાથે પુરુષ જોડાયેલો જ છે. મા, બહેન, પત્ની, દીકરી, પુત્રવધૂ, પૌત્રીથી માંડીને કોઈને કોઈ રીતે સ્ત્રી શક્તિ પુરુષ સાથે જોડાયેલી છે.

ભગવાનનાં સ્વરૂપોમાં પણ અર્ધનારીશ્વર શિવ અને પાર્વતીના સ્વરૂપને સંપૂર્ણ ગણવામાં આવે છે.

સંબંધોની બાબત તો સ્ત્રી હોય કે પુરુષ અરસ-પરસ જોડાયેલી જ રહેવાની છે.

સવાલ માત્ર એટલો જ છે કે, સ્ત્રી ઘણી વખત પોતાના સ્વરૂપને બહુ જ અન્ડરએસ્ટિમેટ કરે છે. પોતાની અંદર રહેલી શક્તિ કે આવડતને પિછાણ્યા વગર પોતાની જાતને સેકન્ડ સિટીઝન ગણીને જીવ્યે જાય છે. નવરાત્રીમાં માતાજીની પૂજા કરતી વખતે જરા પોતાની અંદર પણ નજર નાખવાની જરૂર છે. તમારી અંદર રહેલી શક્તિને એક વરદાન સમજી એને તમારી આવડત સાથે સહજ ગણવા માંડો દરેક મુશ્કેલ રાહ, મુશ્કેલી થોડી સરળ લાગશે. કોઠાસૂઝ, સિક્સસ્થ સેન્સ કે શક્તિનું સ્વરૂપ વગેરે શબ્દો સ્ત્રી સાથે એમ જ નથી વણાઈ ગયાં.

આ દિવસોમાં તમારી જાતને પ્રોમિસ આપો કે, તમારી સાથે જીવતાં દરેક સંબંધને તમે સજીવન રાખશો અને નોરતાંની નવ રાતો જ નહીં પણ વરસના 365 દિવસ તમારી જાતને હંમેશાં સબળ અને સશક્ત માનશો, જીવશો. જીવનના દરેક તબક્કે તમારી સાથે જોડાયેલાં શિવના સ્વરૂપ-સંબંધને શવ નહીં હંમેશાં સજીવન રાખશો.

Wednesday, 17 October 2012


         શું તમે હેલિકોપ્ટર પેરેન્ટસ છો?


  ‘મોમ, વ્હોટ ઈઝ યોર પ્રોબ્લેમ. મને કેમ સતત ફોલો કર્યાં કરે છે ? હું કંઈ નાની કીકલી નથી રહી. મારી પણ પર્સનલ લાઈફ છે, મને પણ પ્રાઈવસી જોઈએ છે. પ્લીઝ, મારી આગળ-પાછળ હેલિકોપ્ટરની જેમ નહીં ફર. મને ઈઝી નથી લાગતું.’ ટીનએઈજ દીકરીની ડીંકીની વાત સાંભળીને મમતા ડઘાઈ ગઈ.

એણે તરત જવાબ આપ્યો,` હું તારી આગળ-પાછળ ફરતી નથી. હું તારું ધ્યાન રાખું છું. જો હું ધ્યાન ન રાખું તો તારું શું થાય? મારાં કેરિંગને તું હેલિકોપ્ટર પેરેન્ટ્સ સાથે ન સરખાવ. તું મને બહુ વહાલી છે એટલે તારાં પ્રત્યે થોડી વધુ સજાગ છું. મારી જિંદગીમાં તું અને તારા પપ્પા સિવાય બીજું કોણ છે? જો હું તમારાં લોકોનું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે?
   `ઓકે, ફાઈન મોમ. બટ, દરેક વ્યક્તિને એની સ્પેસ જોઈતી હોય છે. તારું સતત ધ્યાન રાખવું ઘણી વખત ગૂંગણામણ જેવું લાગે છે. મને તું તારાથી જરાપણ છૂટી નથી પાડતી. હું ક્યાંય બહાર ગઈ હોઉં તો પણ તું કેટલી બધી વાર મને ફોન કરે છે. ક્યાં છે, શું કરે છે, સ્કૂટર સરખું ચલાવજે, ધ્યાન રાખજે તારી રોજ રોજની એકની એક વાતો, સલાહો અને સૂચનો.....ઈટ્સ બોરિંગ. મહેરબાની કરીને તું મને સમજવાની કોશિશ કર. તું તો એવી રીતે વર્તે છે જાણે આખી જિંદગી તું મને પાલવથી બાંધી રાખવાની છે!’

એકધ્યાને મમ્મીને વાત સાંભળતી જોઈ ડીંકીએ કહેવાનું બંધ ન કર્યું. `મોમ, તને ખબર છે મારી બધી જ ફ્રેન્ડ્ઝ મારી મજાક ઉડાવે છે કે, તારી મમ્મી હજુ તને સ્પૂન ફીડિંગ કરાવે છે, કોઈની મમ્મીનો ફોન આવે કે ન આવે તારો ફોન તો હોય જ. જો મોમ, મને તારો ફોન આવે છે એની સામે વાંધો નથી. પણ તું થોડી વધુ પડતી ચિંતાઓ કરે રાખે છે. જસ્ટ ચિલ મોમ, હું મારું ધ્યાન રાખી શકું એમ છું. મને ખબર પડે છે કે, મારે બાઈક કેટલી સ્પીડે ચલાવવું અને ક્યાં જવું-ક્યાં આવવું મને બધી ખબર પડે છે. તું જ કહે, નાનીમા તને આટલું બધું એટેન્શન આપતાં હતાં?
   ટીનએઈજ દીકરીની મેચ્યોરિટી સાથેની વાત સાંભળતી મમતાએ કહ્યું, `અમે તો ત્રણ બહેન અને એક ભાઈ એમ મળી ને ચાર ભાંડરડા હતાં. હું જેવું ધ્યાન રાખું છું એવું ધ્યાન તો મમ્મી ન રાખી શકતી. કેમકે એ નોકરી કરતી હતી. એટલે અમે બધાં જરૂર કરતાં વહેલાં જવાબદાર થઈ ગયાં. તું ભલેને ગમે એવડી મોટી થાય પણ તું હંમેશાં મારા માટે વહાલી-મીઠડી દીકરી જ રહેવાની છે.’

જો કે, આ ચર્ચા પછી મમતાએ પોતાના વર્તનનો વિચાર કર્યો. દીકરીની ગેરહાજરીમાં પતિ સાથે ચર્ચા કરી. નેટ ઉપર હેલિકોપ્ટર પેરેન્ટ્સ વિશે વાંચ્યુ. મમતા કહે છે, એ પછી મેં મારા જ વર્તનનું એનાલિસીસ કર્યું. મહદ્અંશે મને દીકરીની વાત સાચી લાગી. તમારો પ્રેમ કોઈના માટે ગૂંગળામણ બની જાય એ પણ વધુ પડતું છે. પોતાની જ વ્યક્તિનું ધ્યાન રાખવામાં એટલા ખોવાઈ જાવ કે સામેવાળી વ્યક્તિને એની જાત સાથે રહેવાની પણ સ્પેસ ન મળે એ વળી કેવો પ્રેમ?

ઘર સંભાળતી સ્ત્રી હોય કે નોકરી કરતી સ્ત્રી, પોતાનાં બાળકોની હંમેશાં એકસરખી જ ચિંતા રહેવાની છે. ધ્યાન રાખો અને સતત બાળકના સંપર્કમાં રહો તો જ તમે સારાં મા-બાપ છો એવું નથી. બાળક પણ સતત મોટું અને સમજદાર થતું હોય છે. એની ઉંમર વધે એ સાથે મા-બાપ તરીકે તમારું લેવલ પણ ઉપર આવવું જોઈએ. સતત અને એકધારું હંમેશાં કંટાળાજનક બની રહે છે. પોતાની આસપાસની વ્યક્તિઓ કે પોતાની સાથે જોડાયેલી વ્યક્તિઓની જિંદગીમાં કેટલું પરોવાવું એ તમારે જ નક્કી કરવાનું છે.

બાળકોના પ્રોગ્રેસમાં કે એમની દિનચર્યામાં સતત પડછાયાની માફક ઘૂમતાં મા-બાપ એટલે હેલિકોપ્ટર પેરેન્ટ્સ. આજના જમાનામાં એક જ પરિવારમાં બાળકોની સંખ્યા સતત ઓછી થતી રહી છે. એક યુગલ એક બાળક જેવી પરિસ્થિતિ છે. વળી, શહેરીકરણ અને નોકરી કરતાં દંપતીઓની સંખ્યા પણ વધવા માંડી છે. ઘરમાં સાથે રહેવાનું ઓછું બને એટલે મા-બાપ અને બાળકો સૌથી વધુ મોબાઈલ પર કમ્યુનિકેશન કરે છે. આ સંજોગોમાં બાળકને સતત ફોલો કરવા કરતાં જરૂર છે એની સાથે ક્વોલિટી ટાઈમ કાઢવાની.

જરા વિચારજો, તમે ક્યાંક હેલિકોપ્ટર પેરેન્ટ્સ તો નથી ને?

 

Friday, 12 October 2012

My column on Global Gujarat News


દિલ અને દિમાગ.......... સાચું કોણ?




http://www.globalgujaratnews.com/article/jyoti-unadkat-article-about-live-inn-relationship/

જીવનમાં અનેક વખત નિર્ણયાત્મક ઘડી હોય ત્યારે આપણું મગજ અને મન લડવા માંડે છે. એ બંનેની લડાઈમાં આપણે તો પીલાતાં જ હોઈએ છીએ. દિલ અને દિમાગમાંથી કોણ સાચું એ નક્કી કરવું અઘરું થઈ પડે ત્યારે જીવનને કઈ તરફ લઈ જવું એ જ નથી સમજાતું હોતું.

બેંગલૂરુમાં રહેતી કેયા પણ આવા જ એક કશ્મકશભર્યાં સવાલોમાંથી પસાર થઈ રહી છે. શું કરવું જોઈએ એ કરતાં શું કરું તો મને મજા આવે એ વિચારોમાં અટવાઈ ગયેલી કેયાની વાત જરા વિગતે કરીએ.

કમ્પ્યૂટર એન્જિનિયર થયેલી કેયા મૂળ તો અમદાવાદ શહેરની. ભણીને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં એને બેંગલૂરુ નોકરી મળી. પરિવારજનોની સંમતિ સાથે એ તો સપનાંને સાકાર કરવા નીકળી પડી. શરૂઆતમાં વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બાદમાં પેઈંગ ગેસ્ટ અને એ પછી સરસ મજાના નાનકડા ફલેટમાં એ શિફ્ટ થઈ. નોકરીમાં પ્રગતિની સાથોસાથ એની ફાઈનાન્શિયલ કન્ડિશન પણ સાઉન્ડ થઈ.

કેયા અને સેમ કોઈની પરવા કર્યા વિના લીવ ઈન રિલેશનશિપમાં રહેવા માંડ્યાં. બંને કમાઈને લાવે અને સહિયારો ખર્ચ ભોગવે. ઘરની દરેક જરૂરિયાતોમાં ફિફ્ટી ફિફટી પાર્ટનરશિપ રહે. બંને એમાં ખુશ પણ હતાં.

યુવાન અને સુંદર દેખાતી કેયાને એક ઈતરજ્ઞાતિના યુવાન સેમ સાથે પ્રેમ થયો. પ્રોબ્લેમ એ હતો કે, સેમનો ડિવોર્સનો કેસ કોર્ટમાં ચાલતો હતો. કેયા અને સેમ કોઈની પરવા કર્યા વિના લીવ ઈન રિલેશનશિપમાં રહેવા માંડ્યાં. બંને કમાઈને લાવે અને સહિયારો ખર્ચ ભોગવે. ઘરની દરેક જરૂરિયાતોમાં ફિફ્ટી ફિફટી પાર્ટનરશિપ રહે. બંને એમાં ખુશ પણ હતાં.

આમને આમ પાંચેક વર્ષ વીતી ગયાં. સેમના કેસનો કેમેય નીવેડો આવતો ન હતો. હકીકતે સેમની પત્નીને પતિ કરતાં એની મિલકતમાં વધુ રસ હતો. કોઈ પણ કારણોસર સેમ એ મિલકત પત્નીને આપવા રાજી ન હતો. વળી કેયા તરફથી પણ ડિવોર્સ માટે એવું કંઈ ખાસ દબાણ થતું ન હતું. મોર્ડન જમાનાની કેયાને જે પરિસ્થિતિમાં જિંદગી વહી જતી હતી એમાં પણ કોઈ વાંધો ન હતો.

બેંગલૂરુમાં નોકરી કરતી અને પોતાની રીતે જીવતી કેયાના શિરે કોઈ આર્થિક બોજ ન હતો. પોતાની રીતે કમાઈ લેતી હતી અને જીવતી હતી. પરણેલાં સેમ સાથે એને સંબંધ છે એની સાથે એ રહે છે એ વાતની કેયાનાં મા-બાપને ખબર હતી. શરૂઆતમાં થોડો વિરોધ અને પછી આર્થિક પગભર દીકરી એની જાતે સમજશે એમ માનીને મા-બાપે પણ એની સાથે દલીલ કરવાનું છોડી દીધું હતું. અલબત્ત આ સંબંધ એમને સ્વીકાર્ય તો નહોતો જ.

કદીય આ રીતે જુદાં પણ પડી જવાય એવું કેયાએ સપનામાં પણ નહોતું વિચારેલું. આખી દુનિયામાં જાણે એકલી પડી ગઈ હોય એવું એને લાગવા માંડ્યુ. સેમની અંતિમ પળોમાં કેયા એની પાસે ન હતી.

કેયાને સેમ સાથેની લીવ ઈન રિલેશનશિપમાં પણ કોઈ ખટરાગ ન હતો. કુદરતને આવી સીધી લીટીમાં જતી જિદંગી કદાચ પસંદ ન પડી. એક દિવસ અચાનક સેમને હાર્ટ-એટેક આવ્યો અને એ કેયાને છોડીને ચાલી નીકળ્યો.

કદીય આ રીતે જુદાં પણ પડી જવાય એવું કેયાએ સપનામાં પણ નહોતું વિચારેલું. આખી દુનિયામાં જાણે એકલી પડી ગઈ હોય એવું એને લાગવા માંડ્યુ. સેમની અંતિમ પળોમાં કેયા એની પાસે ન હતી. સેમ એનાં મા-બાપ સાથે રજાઓ ગાળવા ગયેલો અને કેયા પોતાના પપ્પાના ઘરે આવેલી. એમ જ રૂટિન વાતચીત કરવા માટે કેયાએ સેમના મોબાઈલ પર ફોન જોડ્યો અને એને ન સાંભળવાના શબ્દો સાંભળવા મળ્યા.

તારે સેમને જોવો હોય તો ત્રણ કલાકમાં પહોંચી જા. અમદાવાદથી બેંગલૂરુ ત્રણ કલાકમાં તો કેવી રીતે પહોંચી શકાય. કેયા એનાં પ્રિયતમને અંતિમ સમયે પણ ન જોઈ શકી. જેની સાથે પાંચ વર્ષથી પ્રેમથી રહેતી હતી એ વ્યક્તિ આમ અચાનક ચાલી નીકળશે એવી કલ્પના પણ કેયાએ નહોતી કરી. હકીકત એ છે કે, કેયા હવે એકલી છે.

મા-બાપ સાથે છે પણ સાથે નથી. એ ફરી અમદાવાદ આવીને રહી શકે એમ નથી. બેંગલૂરુમાં ફરી એ જ ઘરમાં રહેવું એના માટે બહુ આકરું બની ગયું છે. એણે થોડા જ દિવસોમાં સેમ સાથે જ્યાં જીવન વીતાવેલું એ નાનકડો ફલેટ છોડીને બીજી જગ્યાએ રહેવાનું પસંદ કર્યું.

કોઈને કેયાની ગણતરીઓ અને વર્તન સ્વાર્થી લાગશે પણ દિલ જે–તે વખતે આપણને સાચી સલાહ આપતું હશે પણ આખરે તો હકીકત સ્વીકારીને પ્રેક્ટિકલ હોય એ જ રસ્તો અપનાવવામાં જ શાણપણ છે.

કેયાને એક મોટો ભાઈ અને નાનીબહેન છે. પપ્પાના પેન્શન ઉપર ઘર ચાલે છે. ભાઈ-ભાભી અલગ રહે છે. નાનીબહેનનું ભણવાનું તેમ જ લગ્ન બાકી છે. વળી કેયાની લીવ ઈન રિલેશનશિપની વાત ઘરના લોકો સિવાય કોઈને ખબર પણ ન હતી. કેયાની ઈચ્છા એવી હતી કે, હવે એ અમદાવાદમાં કોઈ નોકરી લઈને મા-બાપ સાથે રહે. પણ કોલેજકાળથી પોતાની રીતે જીવવા ટેવાયેલી કેયાને હવે પોતાની આઝાદી માફક આવી ગઈ હતી. વળી, સેમના ઘરમાં કેયાનો અસ્વીકાર અને કેયાના પરિવારજનોમાં સેમને નહીં આવકારવો આ કઠિન લાગણીઓ પણ એણે પચાવી લીધી હતી. સંજોગો એ એને પ્રેક્ટિકલ બનાવી દીધી.

દિલ અને દિમાગ વચ્ચેના યુદ્ધમાં એનું દિલ હારી ગયું. એનું મન એમ કહેતું હતું કે મા-બાપની હૂંફમાં એ હવેની જિંદગી વીતાવે પણ એનું દિમાગ અને કરિયર એને બેંગલૂરુ બોલાવતા હતા. પોતાની રીતે જીવવાની મજા અને કરિયર એ પણ બહુ જ મહત્વ ધરાવે છે કેયા આ વાતને બખૂબી સમજે છે. એટલે જ એણે મનને આ પરિસ્થિતિ માટે સજ્જ કર્યું અને બહુ જ પ્રેમથી મા-બાપની રજા લઈને બેંગલૂરુ આવી ગઈ છે.

કોઈને કેયાની ગણતરીઓ અને વર્તન સ્વાર્થી લાગશે પણ દિલ જે–તે વખતે આપણને સાચી સલાહ આપતું હશે પણ આખરે તો હકીકત સ્વીકારીને પ્રેક્ટિકલ હોય એ જ રસ્તો અપનાવવામાં જ શાણપણ છે.

Tuesday, 28 February 2012


ગોધરાઃ બળેલાં જીવોની સાક્ષી હોવાની વેદના

- જ્યોતિ ઉનડકટ

27મી ફેબ્રુઆરી, 2012ના દિવસે દસ વર્ષ પહેલાં લખેલી રોજનીશી બહાર કાઢી. પાના ઉપરના અક્ષરો ઉપર નજર ફેરવી કે દસ વર્ષ પહેલાંની યાદો તાજી થઈ અને એક વેદના જગાડી ગઈ.
27મી ફેબ્રુઆરી,2002ના રોજ અમે બપોરે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. વાત એમ હતી કે, અમે નવી કાર લીધી હતી. પડોશમાં રહેતાં બે પરિવારો સાથે અમે બહાર જમવા જવાનું નક્કી કર્યું હતું. ત્યાં તો ગોધરાના સમાચારો આવવા લાગ્યા. પાર્ટીને પડતી મૂકીને હું ગોધરા ચાલી અને જીવનસાથી કૃષ્ણકાંત એની ઓફિસે.
 ચિત્રલેખાનો અંક પૂરો થઈ ગયો હતો. છતાં એડિટર ભરતભાઈ ઘેલાણી સાથે વાત કરીને ગોધરા જવાનું નક્કી કર્યું. ઘરે ટેક્સી બોલાવી. આદત પ્રમાણે ગાડીમાં બેસતાવેંત જ ડ્રાઈવરને નામ પૂછ્યું. એણે જવાબ આપ્યો, ઈમ્તિયાઝ.
 તરત જ વિચાર આવ્યો કે, ઓહ, ગોડ હવે આને કેમ કહેવું કે આપણે ક્યાં અને શા માટે જઈએ છીએ.  
ફોટોગ્રાફર કમલેશ ત્રિવેદી સાથે ગોધરા જવા નીકળી ગઈ. સવા કલાકે ગોધરા આવ્યું. શહેરમાં પ્રવેશતાવેંત જ પોલીસે રોકી. રેલવે સ્ટેશને જવા જેવી હાલત નથી. તમે પાછાં વળી જાવ. પણ પત્રકારનો જીવ પાછો શેનો વળે. માથાકૂટ કરીને રેલવે સ્ટેશન જવા નીકળ્યાં.
ગોધરાના રસ્તાઓથી જરાપણ પરિચિત ન હતી. રેલવે સ્ટેશન પહોંચ્યા એ પહેલાં સંવેદનશીલ એરિયામાંથી પસાર થયાં. એ સમયે અંદાઝસુદ્ધાં ન હતો કે, આ સેન્સેટીવ એરિયા છે. પોલન બજારનો એક રસ્તો ભેંકાર ભાસતો હતો. એ રોડ જોઈને એવું લાગ્યું કે, ઈંટના ટુકડા, પથ્થરો અને સોડા બાટલીના કાચનો બનેલો રસ્તો છે કે, ડામરની સડક
હું સ્ટેશને પહોંચી ત્યારે સાબરમતી એક્સપ્રેસના એ એસ-6 કોચને અલગ કરી ટ્રેનને આગળ રવાના કરી દેવાઈ હતી. ઉતરતી વખતે ડ્રાઈવર ઈમ્તિયાઝભાઈને સૂચના આપી કે, ગાડીમાં જ બેસી રહેજો. અને કોઈ નામ પૂછેને તો બને ત્યાં સુધી જવાબ આપવાનું ટાળજો. તમારું ધ્યાન રાખજો, કંઈ ચિંતા કરતાં નહીં હું થોડીવારમાં આવું છું. ભયનું લખલખું ઈમ્તિયાઝભાઈની આંખમાં દેખાયું. આછી ધ્રૂજારી સાથે એ બોલ્યાં, ભલે બહેન.
એસ-6 કોચ એકલો અટૂલો ધૂમાડાના ડૂસકાં ભરતો પડ્યો હતો. કંઈ જ વિચાર્યા વિના સીધી ડબ્બા પાસે પહોંચી ગઈ. બે પગથિયાં ચડવા ગઈ તો એ પગથિયાં પણ બળી ગયા હતાં. માંડ માંડ ચડી શકી.
ડબ્બામાં જઈને જે દ્રશ્ય જોયું એ આજે દસ વર્ષે પણ આંખ સામેથી હટતું નથી. ડબ્બાની છત સુધી એક લાશનો ઢગલો હતો. સૌથી ઉપર બળેલું એક શરીર કોઈના લાડકવાયા નાનકડાં બાળકનું હતું. ત્રીજી સીટ ઉપર એક સ્ત્રીનું શરીર બેઠેલી અવસ્થામાં સળગેલું દેખાતું હતું. એમાંથી હજુ ધૂમાડાં નીકળતાં દેખાતાં હતાં. એ શરીરને કેટલી વેદના થઈ હશે એ વિચારે ધ્રૂજી ઉઠી.
ડબ્બામાં ઠેર ઠેર બચવા માટે દોડાદોડી કરીને થાકી ગયેલાં શરીરો બળીને રાખ થતાં દેખાતાં હતાં. મારાં ચંપલની નીચે કોઈની રસની બંગડી ચોંટી ગઈ. મારાં મોઢામાંથી એક આહ નીકળી ગઈ.
ડબ્બામાં જોયેલી એક એક લાશ અને બચવા મથેલાં શરીરો પરથી ઉઠતાં ધૂમાડાં, ફાયર બ્રિગેડની ઘંટી અને પત્રકારોની ફોજ. માહિતી માટે આમતેમ દોડતાં પત્રકારો અને બહુ  જ થોડી સંખ્યામાં પોલીસ એવી કંઈક પરિસ્થિતિમાં રેલવે સ્ટેશને એક અજબનો અજંપો અનુભવાતો હતો.
મારી પાછળ જ ફોટોગ્રાફર કમલેશ ચડ્યો. એને કહ્યું કે, ભાઈ ફોટાં બહુ જ ધ્યાનથી પાડજો અને વધુ એંગલ મળે એ રીતે પાડજો અને કોઈ કચાશ ન રાખતાં ભલે આપણે વધુ સંખ્યામાં તસવીરો ડેવલપ કરાવવી પડે.
એ સમયે ડબ્બામાં હું, કમલેશ અને અસંખ્ય બળેલાં જીવ જ હતાં. અને મારો પત્રકાર જીવ ગણતરીઓ કરવા માંડેલો કે, હવે સ્ટોરીની શરુઆત ક્યાંથી કરવી, માહિતી કઈ રીતે અને ક્યાંથી મેળવીશ. ડબ્બાની હાલત, રેલવે સ્ટેશનનો માહોલ અનુભવીને સીધી સરકારી દવાખાને પહોંચી.
અંધાધૂધી અને લોકોની દિશા શૂન્ય હાલત જોઈને હૈયું કકળી ગયું. પણ અહીં ડિસ્ટર્બ થઈ જવું પાલવે એમ હતું નહીં અને હું ડિસ્ટર્બ થઈ પણ ન હતી. ત્યારે તો મારી ફરજ એકદમ સંવેદનશીલ વાતો લોકો પાસેથી કઢાવવાની હતી. હોસ્પિટલેથી ડીસ્ટ્રીક્ટ પોલીસ હેડ કવાર્ટર ગઈ ત્યાં ઓફિશીયલ કવોટસ લીધાં.
જમવાની પાર્ટી પડતી મૂકીને આવેલી હતી પણ જમવાનો સમય થયો ત્યારે જરાય ભૂખ નહોતી લાગી. સંવેદનશીલ અને બેસ્ટ રિર્પોટીંગની ભૂખ ઉઘડી ગઈ હતી. મન એટલું જાણતું હતું કે, બહુ જ મેજર ઘટના છે જેના પડઘાં વરસો સુધી ભૂલાવાના નથી.
આખો પાંચ-છ કલાક કામ કરીને ફરી રેલવે સ્ટેશને ગઈ. એસ -6 કોચમાંથી ધૂમાડાં નીકળતાં તો બંધ થઈ ગયેલાં પણ એટલું ફીલ થયું કે, હવેની આગ વધુ દઝાડવાની છે.
ડબ્બામાંથી ડેડ બોડીઝ કાઢતાં બ્લ્યુ ડ્રેસવાળા ફાયરમેનને પૂછ્યું કે, કેટલી લાશ કાઢી
એણે કહ્યું, બેન, હજુ લાશો કાઢવામાંથી નવરાં જ ક્યાં થયાં છીએ તો ગણવા બેસીએ.
રેલવે સ્ટેશને બહુ જ ઓછી સંખ્યામાં સ્ત્રી દેખાતી હતી. મહિલા પત્રકાર મારા સિવાય કોઈ ખાસ દેખાઈ ન હતી. જો કે, આવો વિચાર ત્યારે નહોતો આવ્ય.
 ગૂમ થયેલાં પરિવારજનો બળેલી લાશમાંથી પોતાની વ્યક્તિની ઓળખ માટે મથતાં લોકોને જોઈ એમની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ત્યારે કોઈ કોમી લાગણીઓ ન હતી. એ  સમયે ફક્ત પરિવારજનને ગૂમાવ્યાનું દુઃખ જ એ લોકોના ચહેરા પર દેખાતું હતું અને વાતોમાં પણ.
ફાયરમેન બિઝી હતાં. લાશની પાંચ લાઈનોમાંથી ત્રણ અને બે લાઈનની વચ્ચે હું રીતસર ઊભી રહી. આગળ રહેલી ત્રણ લાઈનો અને પાછળ ફરીને બાકીની પાંચ લાઈનો ગણી. પૂરી સતાવન લાશ મેં સગી આંખે જોઈ અને ગણી.
તરત જ એડિટર ભરતભાઈને ફોન કર્યો. કહ્યું, મેં સતાવન લાશ ગણી છે. બીજી બધી ગંભીર બાબતો અને સંવેદનશીલ વાતો મળી એનો રિપોર્ટ ફોન ઉપર એમને આપ્યો. ભરતભાઈએ તરત જ કહ્યું કે, આપણો અંક પ્રિન્ટીંગમાં ચાલ્યો ગયો છે. પણ હું સ્ટોપ પ્રેસ કરાવું છું. તું જલદી બરોડા પહોંચ. ફોટા ડેવલપ કરાવ અને કવર સ્ટોરી માટે ફક્ત ત્રણ ફોટા સિલેક્ટ કરીને પહેલાં મોકલી દે. રાત્રે 11 વાગા પહેલાં સ્ટોરી મળી જાય એવું કર.
ગોધરા છોડીને વડોદરા પહોંચવાનું હતું. છતાંય છેલ્લે હોસ્પિટલે ગઈ. સાબરમતી એક્સપ્રેસના ઈજાગ્રસ્ત મુસાફર મહેસાણાના વિહિપ અગ્રણી પ્રહલાદભાઈનો ઈન્ટરવ્યુ લીધો. અને ગોઝારી ઘટનાની યાદ લઈને વડોદરા જવા નીકળી ગઈ.
વડોદરા પહોંચી એ પહેલાં જ ગોધરાના લોકલ પત્રકાર નીલમ સોનીનો ફોન આવ્યો કે બહેન તમે પ્રહલાદભાઈને મળેલાંને એ પણ ગૂજરી ગયાં. અને કુલ બળેલાં જીવોનો સરવાળો 58 પર પહોંચ્યો.
બસ એ પછી મારાં ફોનની બેટરી લો થઈ ગઈ. ફોન સ્વીચ્ડઓફ થઈ ગયો. વડોદરા પહોંચી ત્યાં રસ્તાઓ સૂમસામ થઈ ગયાં હતાં. કમલેશે એનાં એક-બે મિત્રોની મદદથી એક બેઝમેન્ટમાં આવેલું સાયબર કેફે ખુલ્લું રખાવેલું અને એક કલર લેબ.
ઈમ્તિયાઝભાઈને કહ્યું, તમે તમારાં ઘરે પહોંચીને ગમે ત્યાંથી ફોન કરીને મને કહી દેજો કે, તમે હેમખેમ પહોંચી ગયા છો.
દોઢેક કલાકમાં ઘરે બેસીને સ્ટોરી લખી નાખી. ત્યાં તો કમલેશ પણ તસવીરો ડેવલપ કરાવીને આવી ગયો. ચાર રોલની તસવીરોમાંથી ફક્ત બાર તસવીરો પસંદ કરી અને સ્કેન કરીને ભરતભાઈને ઈ-મેઈલથી રવાના કરી.
ઘરે ફેક્સ હતો નહીં પડોશમાં રહેતાં રાકેશભાઈ શાહનું ફેક્સ મશીન લાવી અને સ્ટોરી મોકલી. વહેલી સવારે સાડા પાંચે ભરતભાઈનો એસએમએસ આવ્યો કે, વેલ ડન. બેસ્ટ રિપોર્ટ.
જ્યારે રેલવે સ્ટેશન હતી અને એ ઘટનાઓની સાક્ષી બનીને એ પળોમાંથી હું પસાર થતી હતી ત્યારે મારું રિપોર્ટર મન જ કામ કરતું હતું. બીજા દિવસની સવારે બધું આંખો સામેથી પસાર થયું ત્યારે મન વિચારે ચડી ગયું.
પછીના દિવસો પણ બહુ કપરાં ગયાં. કરફ્યુ અને કોમી રમખાણોના સમાચારો. જીવને હલાવી દે એવો અજંપો. પડોશમાં રહેતાં હિન્દુ-મુસ્લીમ લોકોનું ધ્યાન રાખવાનું. જીવનસાથી કૃષ્ણકાંત ત્યારે ગુજરાત સમચારની વડોદરા આવૃત્તિના તંત્રી હતા. એ બપોરના ઓફિસે નીકળી જાય તો  છેક વહેલી સવારે છાપું પૂરું કરીને ઘરે આવતાં.
ફતેગંજમાં અમારું ઘર-એપાર્ટમેન્ટ- વામા ટાવર. સામે જ મુસ્લીમ મેજોરીટીવાળો હેમ્પટન સ્કવેર. બધાં જ લોકોને સાથે રાખીને શાંતિપૂર્વક એ દિવસો પસાર કરેલાં. અનેક સમસ્યાઓને ઠેકાણે પાડી. રિપોર્ટીંગમાંથી આવું કે, એપાર્ટમેન્ટની નીચે બેઠેલાં ભાઈઓને સાચાં સમાચાર આપું. પછી મારાં કરફ્યુ પાસની મદદથી ગાડીમાં સમાય એટલાં ભાઈઓને લઈને  આખા એપાર્ટમેન્ટના પરિવારજનો માટે શાકા-ભાજી અને દૂધની વ્યવસ્થા કરવા નીકળી પડું.
ઓફિસ બંધ હતી. કોમી રમખાણોના કારણે કામવાળા તો આવતાં નહીં, હું ઘરે રસોઈ બનાવતી. સામે શાક ઉકળતું હોય તો મને એમાંથી બળેલાં શરીરની જ વાસ અનુભવાય. કૃષ્ણકાંતના રિપોર્ટર હિરેન અંતાણી એની પત્ની ખ્યાતિ સાથે અમારી ઘરે રહેવા આવી ગયેલાં. હિરેનનું ઘર સંવેદનશીલ વિસ્તારમાં હતું અને એનાં લગ્નને હજુ ત્રણ જ મહિના થયેલાં. ખ્યાતિને એકલી રખાય નહીં એટલે અમે જ એમને અમારે ઘરે બોલાવી લીધાં.( હિરેન અંતાણી અત્યારે દિવ્ય ભાસ્કર સુરત આવૃતિના તંત્રી છે)  રસોઈ બનાવતી વખતે પાસે ઉભેલી ખ્યાતિને પૂછતી કે, તું જરા આ શાકને સ્મેલ કર, એમાં મેં મસાલો કર્યો છે કે નહીં. (મને કંઈક જુદી જ સ્મેલ- બળેલાં મડદાંની) એ કહેતી હા, બરાબર છે.
મારી આંખો ભરાઈ આવતી. એ પરિસ્થિતિમાં હિંમતભેર કામ કરેલું પણ એ અનુભૂતિ અને વેદના દિલોદિમાગ પર સતત સવાર રહેતી હતી. પછી એક જ પ્રાર્થના સરી પડતી, કે કદી કોઈને આવા દિવસો કદી કોઈને ન જોવા પડે. આજે દસ વર્ષ થયાં છે ત્યારે એ બળેલાં જીવોની સાક્ષી બન્યાની વેદના એક ટીસ સાથે ધસી આવી છે.
સાબરમતી એક્સપ્રેસ - ગોધરા કાંડ પછી ઘણું રાજકારણ ખેલાઈ ગયું અને ખેલાઈ રહ્યું છે. એ રાજકારણ કે હિન્દુ –મુસ્લીમના દંગલ કે કોણ સાચું અને કોણ ખોટું એમાં નથી પડવું..... દસ વર્ષ- 3650 દિવસ – એક દાયકો પત્રકાર તરીકેની કેટલીક ઘટનાઓ ક્યારેય નથી ભૂલાતી.