Tuesday, 25 November 2014

સંબંધો અને સમજણમાં 

આપણે કેટલા નિખાલસ હોઈએ છીએ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
આપણે ઘણી વખત અનેક લોકોને એવું કહેતાં સાંભળીએ છીએ કે, એ તો તમારા માથે પડેને તો ખબર પડે. આવું કોઈ બોલે ત્યારે ઘડી વાર એમ થઈ આવે કે આવું શા માટે બોલતા હશે? જેની માથે જેવું પડશે એવું એ દેશે.
ખરી વાત તો એ છે કે, માથે પડે ત્યારે જ ગ્રાઉન્ડ રિયાલિટીની ખબર પડતી હોય છે. કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગોની બહાર રહીને એના વિશે ટીકા કરવી કે અભિપ્રાય આપવો બહુ સરળ હોય છે, પણ ખરેખર એ પરિસ્થિતિ આવે ત્યારે આપણે એ અભિપ્રાય જેવું વર્તન પણ નથી કરી શકતા હોતા.
એક વાચક સાથે થયેલા થોડા સંવાદો પરથી આ વાત લખવાનું મન થયું. એનું નામ માલવિકા છે. આઠેક વર્ષથી માલવિકા અમેરિકા સેટલ થયેલી છે. મૂળ ભારતીય એવા અમેરિકન સાથે માલવિકાનાં લગ્ન થયાં. દર વર્ષે વેકેશનમાં એ ઇન્ડિયા આવે. પંદર દિવસ સસરાના ઘરે રહે અને પંદર દિવસ પિયરમાં રહે. પોતાના એક દીકરા અને પતિ સાથે એ નિયમિત રીતે ભારત ફરવા આવે. થોડા દિવસ કોઈ જગ્યાએ ફરવા જાય અને પરિવારજનો સાથે સમય વિતાવે.
માલવિકા કહે છે, થોડા મહિનાઓ પહેલાં અમે અમેરિકામાં પોતાનું ઘર લીધું. દરેક સ્ત્રીની જેમ મારું સપનું હતું કે, એક દિવસ મારું પોતાનું ઘર હશે. ઘર લીધું એટલે અમે બંનેએ પોતપોતાનાં મમ્મી-પપ્પાને અમેરિકા તેડાવવાનું નક્કી કર્યું. મારાં સાસુ-સસરાને અમારા અંગત પરિવારમાં લગ્ન હોવાથી એમનું આવવાનું થોડું થયું. મારાં મમ્મી-પપ્પા અમારી પાસે છ મહિનાનો સમય લઈને રહેવા આવ્યાં.
હું, મારા પતિ અને દીકરો અમે ત્રણે ખૂબ જ એક્સાઇટેડ હતાં કે, અમારું કોઈ વડીલ આ વિદેશની ભૂમિ પર આશીર્વાદ આપવા આવશે. અમારું ઘર જોઈને મમ્મી-પપ્પા બહુ રાજી થયાં. છ મહિના રોકાવાના પ્લાન સાથે જ આવેલાં એટલે એ રીતે ઘરમાં એમની રહેવાની વ્યવસ્થા કરી હતી, જેથી એમને કોઈ તકલીફ ન પડે. શરૂઆતના થોડા દિવસો તો બહુ હસી-ખુશી પસાર થઈ ગયા. હું નોકરી પર જાઉં ત્યારે મમ્મી-પપ્પા નાનકડા દીકરાનું ધ્યાન રાખે. સાત વર્ષના દીકરાને નજીકના ગાર્ડનમાં ફરવા લઈ જાય. મેં પહેલેથી જ કહેલું કે, મારા દીકરા સાથે તમારે ગુજરાતીમાં જ બોલવાનું છે. થોડાં અઠવાડિયાંમાં તો મારા દીકરાનું ગુજરાતી જબરદસ્ત સુધરી ગયું.
માલવિકા કહે છે, બધું સરસ રીતે ચાલે છે, પણ મારાં જ મમ્મી-પપ્પા સાથે હવે હું એડજસ્ટ નથી થઈ શકતી. એ લોકોની આદતો હોય કે વાતચીત કરવાની રીતભાત હોય. જે મમ્મી-પપ્પા સાથે મેં મારી જિંદગીનાં લગભગ પચીસેક વર્ષ કાઢયાં છે એમની સતત વાતો કરવાની આદત હવે મને અકળાવે છે. કિચનમાં કામ કરવાની સ્ટાઇલ હોય કે પછી પપ્પાની છાપાં વાંચવાની રીત હોય કે ટેલિવિઝન પર ન્યૂઝ અને ર્ધાિમક કાર્યક્રમો જોવાની એમની આદત. મને આ અને આવી કેટલી બધી વાતો રોજેરોજ અકળાવી જાય છે. કંઈ બોલતી નથી, કેમ કે આખરે એ મારાં મા-બાપ છે. વળી, એવું મન મનાવી લઉં છું કે, મારી સાથે થોડા મહિનાઓ રહેવા આવ્યાં છે એમાં ક્યાં એમને કોઈ વાત કહીને એમનું દિલ દુભાવવું.
આ વાત પછી બીજી જ પળે મને વિચાર આવ્યો કે, મારી બંને ભાભીઓ પાસે તો કોઈ ઓપ્શન જ નથી. એ બંને તો મમ્મી-પપ્પાને સાચવે પણ છે અને કોઈ જ ફરિયાદ નથી કરતી. હું સગી દીકરી થઈને આટલી અકળાઈ જાઉં છું તો પછી તેમની શું હાલત થતી હશે?
આવું વિચારીને તરત જ મેં ઇન્ડિયામાં બંને ભાભીઓ સાથે વાત કરી. બંનેને નિખાલસતાપૂર્વક મને જે ફીલ થાય છે એ કહ્યું. મજાની વાત એ છે કે, મેં મારાં જ મમ્મી-પપ્પાની ફરિયાદો, આદતો વિશે ઘણું બધું કહી દીધું, પણ બંને ભાભીઓએ ખાસ કોઈ વાત ઉચ્ચારી નહીં. મારાથી સંબંધોમાં અને ઉંમરમાં નાની એવી મારી બંને ભાભીઓને મેં દિલથી થેંક્યુ કહ્યંુ. સાથે ઉમેર્યું કે, મમ્મી-પપ્પાની કોઈ વાત, આદત કે કંઈ પણ તમને ન ગમે ત્યારે મારી સાથે શેર કરજો. હું તમને સમજવાની કોશિશ કરીશ અને મમ્મી-પપ્પાને પણ સમજાવવાનો ટ્રાય કરીશ.
આપણે ક્યારેય સંબંધોની સમજદારીમાં આવી નિખાલસતા દાખવીએ છીએ ખરા?       
(તા. 26 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 18 November 2014

મનની મૂંઝવણ દૂર કરવામાં પણ મર્યાદા નડે?

                    એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
મર્યાદાને નામે આપણે ત્યાં દરેક પઢી એના પછીની પેઢી કે એની સાથે જીવતા લોકો માથે નિયમો અને બંધનો મૂકી દે છે. જે બંધનો કે નિયમોમાં સમયાંતરે ફેરફાર અને છૂટછાટ પણ આપી દેવાતી હોય છે. એક વ્યક્તિ માટેનો નિયમ ઘરમાં બધા જ લોકો ઉપર ન લાગુ કરી શકાય. આ હકીકત હોવા છતાં દરેક મુદ્દે કે ઘટના સમયે આપણું સ્ટેન્ડ ફરતું રહે છે. કેટલીક વાર તો એક જ વ્યક્તિ સાથે એક કે પછી અનેક એકસરખી ઘટનાઓ બને ત્યારે આપણો વિચાર દરેક વખત જુદો પડતો હોય છે. પોતાના વર્તનની વાત હોય કે પછી કોઈ માન્યતા હોય આપણને દંભ કરવામાં કોઈ ન પહોંચે. આજની પેઢી જરા જુદી વિચારસરણી ધરાવે છે. વર્તમાનમાં જીવે છે અને દિલમાં ઊઠેલી વાતને દબાવી નથી રાખતી. આવો જ એક કિસ્સો શેર કરવાનું મન થઈ આવે છે.
ત્રેવીસ વર્ષની તન્વીની વાત કરીએ. તન્વીની સગાઈ થઈ ગઈ છે. થોડા જ સમયમાં તેનાં લગ્ન થવાનાં છે. તન્વીની બધી જ બહેનપણીઓની સગાઈ કે લગ્ન થવાનાં બાકી છે. હા, બે-ત્રણ બહેનપણીઓને બોયફ્રેન્ડ છે ખરા. જોકે, એ બહેનપણીઓ સાથે એક હદથી વધુ ખૂલીને વાત થઈ શકતી નથી. તન્વી કહે છે, મારાં લગ્ન થવાનાં છે. મનમાં અનેક સવાલો ઘૂમે છે. પતિ-પત્ની વચ્ચેની રિલેશનશિપથી માંડીને પરિવારમાં સંબંધો કેવી રીતે જાળવવા.
પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધની વાત હોય કે સંબંધમાં સમજદારીનો સવાલ હોય કે પછી સહજીવનમાં એકબીજા સાથેના સંબંધની વાત હોય, આવા સવાલો એક સાંજે મેં મમ્મીને પૂછયા, તો મમ્મી એકદમ ડઘાઈ ગઈ. એણે એક જ વાક્ય કહ્યું કે, "એ બધું ધીમે ધીમે ગોઠવાઈ જશે." આવા ગાંડા જેવા સવાલો નહીં કરવાના. તન્વી કહે છે, મને એમ હતું કે મમ્મી મારી સાથે વાત કરશે,મને સમજાવશે, મારા સવાલોને જવાબ મળી જશે, પણ એવું કંઈ થયું નહીં. બધાને સવાલ થશે કે, આજની જનરેશનની છોકરીને આટલી ખબર નથી પડતી? સાચી વાત એ છે કે, ઘણીખરી છોકરીઓને ખબર નથી હોતી. એક અજાણ્યો ડર મનમાં જીવતો હોય છે. આ સંજોગોમાં મારી ઉંમરની છોકરીઓ પોતાની રીતે બધું નેટ ઉપર અને ફ્રેન્ડ સાથે શેર કરીને કે પછી છાપાં-મેગેઝિનમાં વાંચીને પોતાની જિજ્ઞાાસા સંતોષી લે. ઘણી વખત નેટ ઉપર મળતું સાહિત્ય સાચું હોવા કરતાં ગેરમાર્ગે દોરે એવું વધુ હોય છે. પોતે જેને માનતા હોય એ જ લોકો ફ્રેન્ડ કહીને વાત ન કરે તો અમે શું કરીએ? એ યુવતી એક દિવસ પોતાનું લેપટોપ ખોલીને બેઠી હતી. તેમાં તેણે એક વીડિયો જોયો. જેમાં એક યુવતી એની આસપાસથી પસાર થતાં લોકોને પૂછતી હોય છે કે, કોન્ડમ ક્યાં મળશે?સવાલના જવાબમાં કોઈ તેની સામે આશ્ચર્યથી જુએ છે તો કોઈ તેને જવાબ આપે છે. કોઈ જવાબ આપ્યા વગર નીકળી જાય છે.
તન્વી પૂછે છે, આપણે એકબાજુથી એચઆઈવી ન ફેલાય તેના માટે કોન્ડમના વપરાશને પ્રોત્સાહન આપીએ છીએ. તો પછી એ સવાલ કોઈ છોકરી પૂછે તો એને કેવા કેવા વિચિત્ર રિસ્પોન્સ મળે છે. એક બાજુથી દીકરા-દીકરીને એકસાથે ભણાવવાની હિમાયત કરીએ છીએ અને બીજી બાજુ અનેક જાહેર જગ્યાઓ ઉપર ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા હોય છે.
સાચું હોય એ શીખવવામાં આવે તો એની સામે કોઈ વાંધો નથી, પણ ખોટું છે તો શા માટે છે અને આ મર્યાદા છે તો શા કારણે છે એનું ખરું કારણ તો ગળે ઊતરે એવું હોવું જોઈએ કે નહીં? જિજ્ઞાાસા સંતોષાય નહીં અને નિયમો, મર્યાદા, બંધનો લદાતાં જ આવે જેના કોઈ જવાબો ન હોય ત્યારે આ હિપોક્રસી ગળે ટૂંપાથી વિશેષ નથી લાગતી હોતી. આજની જનરેશન સાથે જીવતાં દરેક મા-બાપ પોતાનાં બાળકોને લઈને અનેક પ્રકારના તણાવમાં જીવે છે. મા-બાપના તણાવ કે ટેન્શન વિશે બાળકોને ખબર હોય કે ન હોય,પણ બાળકોના મનમાં થતા સવાલોના જવાબ આપવાની પહેલી ફરજ તો માતા-પિતાની જ બને છે. બંધનો લાદવામાં અને દંભ કરવામાં બહુ મોટી ભેદરેખા છે નહીં, પણ દંભ નર્યું જૂઠ્ઠાણું બની જાય એ પહેલાં નવી જનરેશનને સાચી સમજ મળે એ વધુ મહત્ત્વનું છે. 
(તા. 19 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 11 November 2014

કર્મ મહાન કે કુળ?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
કોઈ પણ માણસની ઓળખ શેનાથી થાય?

સામાન્ય રીતે આપણે એવું કહીએ કે, કોઈ પણ માણસની ઓળખ એના નામથી થાય. વાત સાચી, પણ ખરી ઓળખ શેનાથી થાય? ખરી ઓળખ તો એનાં કામ, વ્યક્તિત્વ, સમજ, વર્તન વગેરેથી થતી હોય છે. આ તમામમાં આપણે એના કુળને ભાગ્યે જ જોવા જઈશું. આપણે એનાં કર્મને પહેલાં મહત્ત્વ આપીશું.
કર્મ અને કુળની વાત એટલે કહેવાનું મન થયું કે, થોડા દિવસો પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થયેલી એક દીકરીનું લગ્ન થયું. આ લગ્ન સમાજના મોભાદાર વ્યક્તિના દીકરા સાથે થયું. આ સમાચાર વાંચીને તરત જ થઈ આવ્યું કે, સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ દીકરા કે દીકરીનું લગ્ન લેવામાં આવે ત્યારે એના કુળનાં મૂળ સુધી પહોંચવાનો મોહ કોઈ જતો નથી કરી શકતું. શું કુળનું મૂળ ઉત્તમ હોય તો એ વ્યક્તિ અતિ ઉત્તમ હોય? આ વાતની કોઈ ગેરંટી હોય ખરી?
આવી જ એક વાત એક ઈ-મેઇલ દ્વારા પૂછવામાં આવી. એ યુવકનું નામ છે સંતોષ. બહુ જ નાનકડા શહેરનો રહેવાસી સંતોષ ભણવામાં એકદમ બ્રિલિયન્ટ છે. પોતે જીવનમાં કંઈક કરી બતાવવાના જોમ સાથે એ સતત મહેનત કરતો રહે છે. સંતોષ લખે છે કેે, હું ઊજળિયાત વર્ગનો દીકરો નથી. નાતજાતના ભેદભાવ વચ્ચે ઉછરીને મોટો થયો છું. હું જે કોમનો છું તેમાંથી બહુ ઓછા લોકો હાયર એજ્યુકેશન સુધી પહોંચ્યા છે. મારે કંઈક કરવું છે પણ મને સતત એ સતાવે રાખે છે કે, હું સમાજનો મોટો વર્ગ છે એમાંનો એક નથી. આવું થાય છે ત્યારે હું ભગવાનને સવાલ કરી બેસું છું કે, તેં આટલી ટેલેન્ટ આપીને મને આવી જ્ઞાાતિમાં કેમ જન્મ આપ્યો?
કુળનું મૂળ અને કર્મની વાત આ બે કિસ્સાઓને લઈને કરવાનું મન થયું. કોઈ પણ માણસ કઈ વાતથી મહાન બને? જેટલા માણસો મહાન થઈ ગયા છે એ બધા કઈ વાતથી મહાન બન્યા? એમની પાછળ લગાવવામાં આવતી સરનેમથી? કે એમની પાછળ લગાવવામાં આવતાં તેમના પિતાના નામથી? ના, દરેક મહાન વ્યક્તિ કે જાણીતી વ્યક્તિ એનાં કામથી કે એનાં કર્મથી ઓળખ પામી છે. તમારું નામ તમારી ઓળખ હોઈ શકે, પણ પ્રતિભા અને મહાનતા તો તમારાં કર્મથી જ સાબિત થતી હોય છે.
મહત્ત્વની વાત તો એ છે કે, કર્મ કરીને તમે કુળને મહાન કે નબળું સાબિત કરી શકો, પણ કુળ મહાન હોય તો તમારાં કર્મો ઉચ્ચ જ હોય એ વાત કદીય નક્કી ન હોઈ શકે. એવા કેટલાંય લોકો હોય છે જેમને પોતાના કુળ કે મૂળની ખબર નથી હોતી, પણ એ લોકો પોતાના કદ કરતાં વધુ ઊંચા ઊઠીને કંઈક કરી બતાવે છે. સામાન્ય ગણાતો માણસ પણ ઘણી વખત તેનાં કર્મથી અસામાન્ય થઈ જતો હોય છે.
આપણી આસપાસની જિંદગીમાં અને પેજ થ્રી પર આવતી સેલિબ્રિટીઝની લાઇફ લઈ લો કે પછી જાણીતી વ્યક્તિની અંગત જિંદગી લઈ લો. એવાં કેટલાંય કિસ્સાઓ અને કેટલીય જિંદગી આપણી આસપાસ ધબકતી હોય છે જેમનું બધું જ ઉચ્ચ કોટિનું હોય, પણ એમનું કામ શરમથી માથું ઝૂકી જાય એવું હોય. કેટલાય લોકો એવા પણ મળી આવે છે કે, હોય સાવ સામાન્ય પણ એમની કોઈ એક વાત આપણને સ્પર્શી જાય એવી હોય છે.
જન્મ કોઈ પણ કુળમાં થયો હોય એ દરેક વ્યક્તિ માટે મહત્ત્વનું હોય, કેમ કે તમને આપવામાં આવેલું નામ, પિતાનું નામ અને અટક તમારી ઓળખ છે, પણ તમારી પ્રતિભા તમારે કેળવવાની રહે છે. મા-બાપ ઉછેર કરે, કેળવણી આપે પણ સરવાળે પોતાની પ્રતિભા કે પોતાની જાતને તમારે તમારાં કર્મથી જ સાબિત કરવી પડતી હોય છે. સામેવાળી વ્યક્તિ માટે તમારું કુળ કે એનું મૂળ મહત્ત્વ ધરાવતું હશે, પણ પોતાના માંહ્યલા સાથે અને જાહેર જીવનમાં તો તમારું કર્મ જ તમારી મહાનતા બતાવતું હોય છે. નામ તમારી ઓળખ હોઈ શકે, પણ કર્મ તમારું જીવન અને કર્મ જ મહાન એ વાત એક દિવસ તો સાબિત થઈને જ રહેવાની છે.
(તા. 12 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Tuesday, 4 November 2014

કોઈ એક ઘટનાથી જિંદગીને બ્રેક મારી દેવાય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

દરેક વ્યક્તિની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો એવો સમય આવતો જ હોય છે કે, એવું લાગે કે બસ હવે અહીં અંતિમ પોઇન્ટ છે. પોઇન્ટ ઓફ નો રિટર્ન છે. પણ ઘણી વખત આવા જ કોઈ ટર્ન બાદ જિંદગી નવેસરથી શરૂ થતી હોય છે. દિલને દુઃખી કરે કે અસ્તિત્વ હલી જાય એવી ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે હવે બધું ખતમ થઈ ગયું છે. કોઈ કિનારો નથી દેખાતો. એવું લાગતું હોય છે કે, આ ખરાબ બન્યું એનાથી તો ખરાબ હવે બીજું શું હોઈ શકે?
જરા આ વાતો ઉપર નજર ફેરવીને વિચારી જુઓ કે આવું તમારી સાથે કેટલી વાર બન્યું છે? આવું કંઈ બન્યા પછી કેટલી વખત તમે ધૂળ ખંખેરીને ઊભા થયા છો. કેટકેટલી વાર બમણા જોરથી જિંદગીને આગળ ધપાવી છે. કોઈ દિશા ન સૂઝે ત્યારે પણ જિંદગી જેમ ધપતી હોય તેમ આગળ વધવા દઈને કંઈક સારું થશે એની આશા રાખીને જીવ્યાં હોઈએ છીએ.
આવી જ કંઈક ઘટના કવિતાની જિંદગીમાં બની છે. કવિતા અત્યારે જિંદગીના એવા વળાંક ઉપર બેઠી છે કે ત્યાં એને એવું લાગે છે કે એના જેટલું કોઈ દુઃખી નથી. કવિતા એક વિકસી રહેલા ગામની રહેવાસી છે. સારું એવું ભણી છે પણ એ નથી શહેરની કે નથી ગામડાની એટલે એ નોકરી નથી કરતી. પોતે કેટલી મહેનત કરીને ભણી છે અને હવે એ કંઈ કામ નથી લાગતું એ વાતે એનો સતત જીવ બળતો રહે છે.
થોડા દિવસો પહેલાં જ કવિતાની સગાઈ મા-બાપે પસંદ કરેલા એક યુવાન સાથે થઈ. બહુ રંગેચંગે આ યુગલની સગાઈવિધિ કરવામાં આવી. કવિતાને એમ હતું કે, મેરેજ બાદ પતિ સાથે શહેરમાં રહેવા મળશે તો ભણતર લેખે લાગશે. પોતે કંઈક કમાઈ શકશે અને કંઈક કરીને બતાવશે એવી વાતે એ બહુ રાજી થતી હતી.
પરંતુ સગાઈના થોડા દિવસોમાં જ કવિતાને ખબર પડી ગઈ કે, ભાવિ ભરથારને એનામાં ખાસ કંઈ રસ નથી. બંનેના શોખના વિષયો તેમજ પસંદગી બહુ અલગ અલગ છે. આજની જનરેશનનાં
યુવક-યુવતીઓ જેમ ગાલથી ગાલ ચીપકાવીને સરસ મજાની સેલ્ફી પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં રાખે એવું કંઈ પણ આ યુગલ સાથે ન બન્યું. એકબીજાને લાંબા-લાંબા ફોન કોલ્સ કરવાનું પણ એ બંનેને બનતું નહીં. ઊલટું, કવિતા જ્યારે જ્યારે ફોન કરવાની ટ્રાય કરે ત્યારે એ યુવકનો ફોન બિઝી આવે. કવિતા સ્વાભાવિક રીતે પૂછે કે, કોની સાથે વાત ચાલુ હતી તો એ યુવક કદીય સંતોષકારક જવાબ ન આપે.
મા-બાપની મરજીથી સગાઈ થયેલી એટલે કવિતાએ પોતાની શંકા અને વાત મા-બાપને કરી. વાત ગંભીર છે એવું માનીને કવિતાનાં માતા-પિતાએ એ યુવક અને એનાં માતા-પિતા સાથે મિટિંગ ગોઠવી. વાતચીત શરૂ થઈને થોડી જ પળોમાં એ યુવકે કબૂલી લીધું કે, એને કોઈ બીજી વ્યક્તિ ગમે છે. એ આ સગાઈથી ખુશ નથી. વળી, જે સ્ત્રી ગમે છે એ એના કરતાં મોટી છે અને પરણેલી છે.
એ પછી સ્વાભાવિક છે કે, કવિતાનાં માતા-પિતા સગાઈ ફોક કરી નાખે. સગાઈ તૂટયાં પછી કવિતાનો વાંક નહીં હોવા છતાં લોકો એની સામે આંગળી ચીંધતા અચકાતાં નથી. કવિતા આ બધી વાતોથી અને પોતાના સંબંધ તૂટવાના આઘાતથી ભાંગી ગઈ છે. એ કહે છે, મારી તો જિંદગી બરબાર થઈ ગઈ. હવે શું કરવું એ સૂઝતું નથી. કવિતાના કિસ્સામાં તો સૌથી પહેલાં એ વાત સુખદ થઈ કે આ બધી વાતો લગ્ન બાદ બહાર ન આવી. સમયસર બધી ખબર પડી ગઈ અને દિલોમાં વધુ અંતર આવે એ પહેલાં સંબંધ જ તૂટી ગયો. બીજી વાત એ કે, વીસ-પચીસ વર્ષ સુધી તમે મા-બાપને ઘરે એમની ખુશીમાં ખુશ હોવ એ રીતે જીવ્યાં હોય અને અચાનક એક વ્યક્તિ આવીને તમારી જિંદગીમાં વાવાઝોડું લાવી દે તો એની સામે ટકી રહેવાની તાકાત તો તમારે જ કેળવવી પડે. અતિ ખરાબ પણ ક્યારેય અંતિમ હોતું નથી એ વાત કદીય ન ભૂલવી જોઈએ.
(તા. ૦5 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com