કર્મ મહાન કે કુળ?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
કોઈ પણ માણસની ઓળખ શેનાથી થાય?
સામાન્ય રીતે આપણે એવું કહીએ કે, કોઈ પણ માણસની ઓળખ એના નામથી થાય. વાત સાચી, પણ ખરી ઓળખ શેનાથી થાય? ખરી ઓળખ તો એનાં કામ, વ્યક્તિત્વ, સમજ, વર્તન વગેરેથી થતી હોય છે. આ તમામમાં આપણે એના કુળને ભાગ્યે જ જોવા જઈશું. આપણે એનાં કર્મને પહેલાં મહત્ત્વ આપીશું.
કર્મ અને કુળની વાત એટલે કહેવાનું મન થયું કે, થોડા દિવસો પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થયેલી એક દીકરીનું લગ્ન થયું. આ લગ્ન સમાજના મોભાદાર વ્યક્તિના દીકરા સાથે થયું. આ સમાચાર વાંચીને તરત જ થઈ આવ્યું કે, સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ દીકરા કે દીકરીનું લગ્ન લેવામાં આવે ત્યારે એના કુળનાં મૂળ સુધી પહોંચવાનો મોહ કોઈ જતો નથી કરી શકતું. શું કુળનું મૂળ ઉત્તમ હોય તો એ વ્યક્તિ અતિ ઉત્તમ હોય? આ વાતની કોઈ ગેરંટી હોય ખરી?
આવી જ એક વાત એક ઈ-મેઇલ દ્વારા પૂછવામાં આવી. એ યુવકનું નામ છે સંતોષ. બહુ જ નાનકડા શહેરનો રહેવાસી સંતોષ ભણવામાં એકદમ બ્રિલિયન્ટ છે. પોતે જીવનમાં કંઈક કરી બતાવવાના જોમ સાથે એ સતત મહેનત કરતો રહે છે. સંતોષ લખે છે કેે, હું ઊજળિયાત વર્ગનો દીકરો નથી. નાતજાતના ભેદભાવ વચ્ચે ઉછરીને મોટો થયો છું. હું જે કોમનો છું તેમાંથી બહુ ઓછા લોકો હાયર એજ્યુકેશન સુધી પહોંચ્યા છે. મારે કંઈક કરવું છે પણ મને સતત એ સતાવે રાખે છે કે, હું સમાજનો મોટો વર્ગ છે એમાંનો એક નથી. આવું થાય છે ત્યારે હું ભગવાનને સવાલ કરી બેસું છું કે, તેં આટલી ટેલેન્ટ આપીને મને આવી જ્ઞાાતિમાં કેમ જન્મ આપ્યો?
કુળનું મૂળ અને કર્મની વાત આ બે કિસ્સાઓને લઈને કરવાનું મન થયું. કોઈ પણ માણસ કઈ વાતથી મહાન બને? જેટલા માણસો મહાન થઈ ગયા છે એ બધા કઈ વાતથી મહાન બન્યા? એમની પાછળ લગાવવામાં આવતી સરનેમથી? કે એમની પાછળ લગાવવામાં આવતાં તેમના પિતાના નામથી? ના, દરેક મહાન વ્યક્તિ કે જાણીતી વ્યક્તિ એનાં કામથી કે એનાં કર્મથી ઓળખ પામી છે. તમારું નામ તમારી ઓળખ હોઈ શકે, પણ પ્રતિભા અને મહાનતા તો તમારાં કર્મથી જ સાબિત થતી હોય છે.
મહત્ત્વની વાત તો એ છે કે, કર્મ કરીને તમે કુળને મહાન કે નબળું સાબિત કરી શકો, પણ કુળ મહાન હોય તો તમારાં કર્મો ઉચ્ચ જ હોય એ વાત કદીય નક્કી ન હોઈ શકે. એવા કેટલાંય લોકો હોય છે જેમને પોતાના કુળ કે મૂળની ખબર નથી હોતી, પણ એ લોકો પોતાના કદ કરતાં વધુ ઊંચા ઊઠીને કંઈક કરી બતાવે છે. સામાન્ય ગણાતો માણસ પણ ઘણી વખત તેનાં કર્મથી અસામાન્ય થઈ જતો હોય છે.
આપણી આસપાસની જિંદગીમાં અને પેજ થ્રી પર આવતી સેલિબ્રિટીઝની લાઇફ લઈ લો કે પછી જાણીતી વ્યક્તિની અંગત જિંદગી લઈ લો. એવાં કેટલાંય કિસ્સાઓ અને કેટલીય જિંદગી આપણી આસપાસ ધબકતી હોય છે જેમનું બધું જ ઉચ્ચ કોટિનું હોય, પણ એમનું કામ શરમથી માથું ઝૂકી જાય એવું હોય. કેટલાય લોકો એવા પણ મળી આવે છે કે, હોય સાવ સામાન્ય પણ એમની કોઈ એક વાત આપણને સ્પર્શી જાય એવી હોય છે.
જન્મ કોઈ પણ કુળમાં થયો હોય એ દરેક વ્યક્તિ માટે મહત્ત્વનું હોય, કેમ કે તમને આપવામાં આવેલું નામ, પિતાનું નામ અને અટક તમારી ઓળખ છે, પણ તમારી પ્રતિભા તમારે કેળવવાની રહે છે. મા-બાપ ઉછેર કરે, કેળવણી આપે પણ સરવાળે પોતાની પ્રતિભા કે પોતાની જાતને તમારે તમારાં કર્મથી જ સાબિત કરવી પડતી હોય છે. સામેવાળી વ્યક્તિ માટે તમારું કુળ કે એનું મૂળ મહત્ત્વ ધરાવતું હશે, પણ પોતાના માંહ્યલા સાથે અને જાહેર જીવનમાં તો તમારું કર્મ જ તમારી મહાનતા બતાવતું હોય છે. નામ તમારી ઓળખ હોઈ શકે, પણ કર્મ તમારું જીવન અને કર્મ જ મહાન એ વાત એક દિવસ તો સાબિત થઈને જ રહેવાની છે.
(તા. 12 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
email : jyotiu@gmail.com
email : jyotiu@gmail.com

No comments:
Post a Comment