Tuesday, 23 December 2014

મનના કચરાની ડસ્ટબિન હોય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
ઘરમાં કોઈ પણ નકામી વસ્તુને 
આપણે સીધી કચરાટોપલીમાં પધરાવીએ છીએ. 
શું મનમાં રહેલો કચરો ક્યાંય ઠાલવી શકાય ખરો?
ઓફિસમાં કે ઘરમાં એક પણ નકામી ચીજ હોય કે ફેંકી દેવાની વસ્તુ હોય તો આપણે તરત જ એને કચરાટોપલીમાં નાખી દઈએ છીએ. અરે! આપણે તો વર્ષેદહાડે દિવાળીનું કામ કરીએ ત્યારે પણ નકામી વસ્તુઓનો ખડકલો કરીએ છીએ. ભંગારવાળાને આપીને એ કચરામાંથી પણ કમાણી કરીએ છીએ. સવાલ એ છે કે, મનના નકામા વિચારો, નેગેટિવ લાગણીને બહાર ફેંકીને એમાંથી કંઈ શીખવાની કમાણી કરીએ છીએ ખરા?
આખા વર્ષ દરમિયાન કેટલી બધી ચીજો આપણે ઘરભેગી કરીએ છીએ. નવું ઘર લીધું હોય ત્યારે એ ઘરમાં ફક્ત ચાર દીવાલો અને છત હોય છે. એમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ચીજો ખરીદીએ છીએ. આ ખરીદીમાં ક્યારે નકામી ચીજો ઘરમાં આવી જાય છે એનો આપણને અંદાજ જ નથી રહેતો. એક વખત ઘરમાં ઘૂસી ગયેલી ચીજ પછી આપણા હાથમાં અકસ્માતે આવી જાય ત્યારે આપણને ખબર પડે છે કે, આ ચીજ તો સાવ નકામી લેવાઈ ગઈ. આવું જ કંઈક મનનું છે. દિલમાં અને દિમાગમાં આપણે જાણે-અજાણે એટલી નકામી વાતો, વિચારોને ભંડારી રાખીએ છીએ કે પછી એમાં કોઈ સારી વાતને અવકાશ નથી રહેતો. કોઈ પોઝિટિવ વાત મનને સ્પર્શતી જ નથી હોતી.
એક બિઝનેસ વુમન રાધિકાની વાત કરીએ. એક સાવ સીધી સાદી હોમમેકરમાંથી રાધિકાએ ઘરઘરાઉ કામ શરૂ કર્યું. આજે એની કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. હેન્ડી ક્રાફ્ટની વસ્તુઓ બનાવીને પહેલાં એણે નજીકના લોકોને ભેટ આપી અને ધીમે ધીમે એમાંથી આગળ વધીને દેશ-વિદેશ સુધી એની કળા વિસ્તરી ગઈ.
ઘરની સજાવટની વસ્તુઓથી માંડીને અનેક કળાત્મક વસ્તુઓ એની કંપની બનાવે છે. રાધિકા કહે છે, રોજ મારી ફેક્ટરીમાં જે વસ્તુઓ બને છે એનો સ્ક્રેપ પણ નીકળે છે. એ નકામી વણવપરાયેલી વસ્તુઓ ઘણી વખત મારે ત્યાં કામ કરતી બહેનો પોતાના ઘરે લઈ જાય છે. એમાંથી એ કંઈક જુદું બનાવે છે અથવા તો નકામા લાકડાના ટુકડા અને ચીજોને કોઈક વાર બળતણ તરીકે પણ વાપરે છે. રોજેરોજ બનતી વસ્તુઓનો કચરો પણ રોજેરોજ ફેક્ટરીમાંથી નીકળી જાય છે. એક પણ નકામી ચીજ અમારી કામ કરવાની જગ્યાએ જોવા નથી મળતી.
રાધિકા કહે છે, એક દિવસ મારે ત્યાં સાવ જુનિયર કક્ષાની યુવતી એ કચરો બહુ ચીવટથી વીણતી હતી. એ વણવપરાયેલા ટુકડાઓમાંથી પણ એ નકામા ટુકડાનો એક અલગ ઢગલો કરતી હતી. પોતાને કામ લાગે એવા ટુકડાઓને એ થેલીમાં ભરતી હતી. એ યુવતીની બાજુમાંથી હું પસાર થઈ. મારે ત્યાં કામ કરતા દરેક લોકોને હું નામથી બોલાવું અને નામથી ઓળખું. એ યુવતીને જોઈને હું થોડી વાર ઊભી રહી. કચરો અલગ તારવતી વખતે એ એવું બોલી કે, મેડમ આ ટુકડાઓની જેમ જ આપણે આપણાં મનના કચરાને પણ આમ બહાર ઠાલવી શકતા હોય તો કેવું સારું.
આ વાત બહુ સહજતાથી બોલાઈ હતી, પણ રાધિકાને એ સ્પર્શી ગઈ. એ કહે છે કે, વાતવાતમાં કેટલી સાચી વાત કહી દીધી એ યુવતીએ. આપણે રોજ નવી સવાર પડે છે ત્યારે ફ્રેશ થઈએ છીએ. નાહીને ચોખ્ખા થઈએ છીએ, પણ મનની ચોખ્ખાઈ માટે આપણે કંઈ નથી કરતા. ઘરમાં રોજ ઝાડુ કાઢીને કચરાને વાળી લઈએ છીએ, પણ મનની સાવરણી કે મનના કચરાની કચરાટોપલી સામે ભાગ્યે જ જોઈએ છીએ. એવાં કેટલાંય લોકોનાં ઘરોને આપણે જોયાં હશે જેમાં ચોખ્ખાઈ તો બહુ જોવા મળે, પણ એ માણસ ઘણી વખત આપણને વ્યક્તિગત રીતે સ્પર્શતો નથી હોતો. એનું એક જ કારણ હોય છે એ વ્યક્તિના મનની ચોખ્ખાઈ. ઘણા બધા માણસો પણ એવા હોય છે જે દેખાવમાં રૂડાં-રૂપાળાં હોય. એમને જોઈએ ત્યારે તો આપણને એમ થાય કે એ બહુ ઉમદા વ્યક્તિત્વ હશે, પણ જેમ જેમ એને જાણીએ તેમ તેમ એના મનને આપણે ઓળખતા થઈએ છીએ. સાચી ઓળખ તો જે તે વ્યક્તિના મનની જ હોય છે. જેનું મન સ્પર્શે એની સાથેનો સંબંધ જ સાચો સંબંધ હોય છે. ઘરની કે તનની ચોખ્ખાઈની સાથોસાથ મનના કચરાની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. બાય ધ વે, આ વાંચીને મનની સફાઈ વિશે કંઈ પોઝિટિવ વિચાર આવે તો તરત જ વધાવી લેવો, કેમ કે સાચા માણસની ઓળખ તો એના દિલ કે મનથી જ થઈ આવે છે.
(તા. 24 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 

Tuesday, 16 December 2014

પોતાનાં સંતાનોથી અલગ થવાની 

ચિંતા અને પીડા

   એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
પોતાના અસ્તિત્વ સાથે સંતાનો 
વણાયેલાં હોવા છતાં એમનાથી છૂટાં પડવાની 
પીડા અને ખાલીપો તમને સતાવે છે?
સામાન્ય રીતે જિવાતી જિંદગીમાં દરેક યુગલની પ્રાયોરિટીમાં એનો પરિવાર આવે છે. પરિવારમાં માતા-પિતા અને પોતાનાં સંતાનો સૌથી પહેલા ક્રમે આવે. પેઢી દર પેઢીથી મોટાભાગે આપણાં સૌની લાઇફસ્ટાઇલ એવી રહી છે કે, સંતાનોને ખાતર બધું કરી છૂટવું. પોતાના અસ્તિત્વની સાથે જેને ઉદરમાં અનુભવ્યું હોય એની નાનામાં નાની તકલીફ પણ આપણને વિચલિત કરી દેવા માટે પૂરતી હોય છે. દરેક માતા બનનારી સ્ત્રી માટે તો ઘણી વખત પોતાનું સંતાન જ સર્વસ્વ હોય છે. ત્યાં સુધી કે, પતિ પણ એની બીજી પ્રાયોરિટી બની જાય છે. આ વર્તનમાં મોટાભાગે કોઈને કંઈ ખોટું પણ નથી લાગતું. ભારતીય પરંપરા આ રીતે જ ચાલી આવી છે. આ પરંપરા ખોટી છે કે બદલવી જોઈએ એવું કહેવાનો કોઈ મતલબ નથી પણ સરવાળે સંતાનો સાથે જોડી દીધેલીં જિંદગી થોડાં વર્ષો પછી એટલી ઝડપથી એકલવાયી બની જાય છે કે એક ખાલીપો મનને ઘેરી વળે છે.
એક પરિવારમાં થોડા સમય પહેલાં જ બનેલો કિસ્સો છે. એ પરિવારમાં બે દીકરીઓ છે. હોમમેકર મમ્મી, બહુ જ બિઝી એવા ડોક્ટર પપ્પા અને એમની બંને દીકરીઓનો એકદમ સુખી પરિવાર છે. થોડા દિવસો પહેલાં ખબર પડી કે પૈસેટકે સુખી એવું આ યુગલ મસ્ત મજાનો બંગલો છોડીને નાનકડાં ફ્લેટમાં રહેવા ચાલ્યું ગયું છે.
વ્યવસાયે ડોક્ટર એવા એ ભાઈનું નામ મહેશભાઈ અને એકદમ પોઝિટિવ વિચારો ધરાવતાં એમનાં પત્નીનું નામ શોભાબહેન. એ યુગલના ઘરનો માળો જોઈને કોઈને પણ ઈર્ષા થઈ આવે કે જો આદર્શ પરિવારની વ્યાખ્યા હોય તો એ આ જ પરિવારને ફિટ બેસે. ભણવામાં હોશિયાર અને કહ્યાગરી એવી બંને દીકરીઓ. પોતપોતાની રીતે કરિયર સેટ કરીને એકે મા-બાપની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યાં તો બીજીએ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યાં. ડોક્ટર પિતાની આવક એટલી બધી હતી કે, બંને દીકરીઓને કંઈ અપાવવામાં કે કરિયાવર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બંને દીકરીઓ પોતપોતાના સાસરે જતી રહી. એક મુંબઈ સાસરે છે તો એક બેંગલુરુ. બંનેે દીકરીઓ સાથે દિવસમાં બે-ત્રણ વખત વાત કરી મા-બાપ સંતોષ મેળવી લે છે. પોતાની નવી જિંદગીમાં બંને દીકરીઓ બિઝી થતી ગઈ તેમ દિવસના બે-ચાર ફોનની ફ્રિકવન્સી ઘટતી ગઈ.
દીકરીઓ સાસરે ગઈ એની સૌથી મોટી અસર આવી શોભાબહેન ઉપર. દીકરીઓનાં શેડયુલ સાચવવાં, એમને વાંચવા-લખવા માટે ઉઠાડવી, જમવાની સંભાળ લેવી કે પછી એની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવી એ જ એમની જિંદગી હતી. અચાનક જાણે નવરાશ આવી ગઈ હોય એવું એમને લાગે છે.
મહેશભાઈનો દિવસ તો પેશન્ટ્સ અને હોસ્પિટલની દોડધામમાં પસાર થઈ જાય છે પણ રાત પડે ઘરે આવવાનું થાય તો એમને દીકરીઓની યાદ સતાવી જાય છે. ઘરે જવાના આકર્ષણમાં જાણે કંઈક ખૂટતું હોય એવું એમને લાગે છે. એમને જીવ જેવી વહાલી દીકરીઓની યાદ સતાવે રાખે છે. આ યુગલ દીકરીઓને કંઈ વર્તાવા નથી દેતું પણ એક ખાલીપાની પીડા તેમને કોરી ખાય છે. મહેશભાઈ કહે છે, દીકરીઓનો જન્મ થયો ત્યારથી ખબર હતી જ કે એ એક દિવસ તો સાસરે ચાલી જ જવાની છે. પણ એ બંને ચાલી જશે પછી એમના વગર સોરવશે નહીં એ હકીકતની ગંભીરતા અમને એ બંનેના ગયા પછી ખબર પડી. રોજ રાત પડે અમે પતિ-પત્ની એકબીજાંની વાતો કરવાને બદલે બંને દીકરીઓની જ વાતો કરતાં. હવે અમારા બંને વચ્ચે મૌન પડઘાતું હોય છે. બંનેને એકબીજાં પ્રત્યે કોઈ એવી ફરિયાદો નથી. પણ બંને સમદુઃખિયા હોવાની ફીલિંગ અનુભવીએ છીએ.
શોભાબહેન કહે છે, ઘરની એક એક ઈંટમાં બંને દીકરીઓનો ધબકાર રહેલો છે. મારો તો જીવ જ મારી દીકરીઓ છે. એ બંને સાસરે ચાલી ગઈ છે તો જાણે એમની મા હોવા છતાં હું અનાથ થઈ ગઈ હોય એવું ફિલ કરું છું. બંને દીકરીઓ એક એક વર્ષના ગાળે સાસરે ગઈ છે. હજુ નાનકડી દીકરીને વળાવી એને વર્ષ માંડ થયું છે છતાં અમે અમારા બંનેના રૂટિનમાં ગોઠવાઈ નથી રહ્યાં.
દીકરીઓ વગરના ખાલીપાને ઝીરવવો અઘરો છે એવું બંનેને લાગ્યું એટલે મોટો બંગલો મેનેજ નથી થતો એવું દીકરીઓને કહીને આ યુગલ નાનકડાં ફ્લેટમાં રહેવા ચાલી ગયું છે. નવો માહોલ, નવા પડોશીઓ સાથે જિંદગીનો તાલ મેળવવાનું શરૂ કરી દીધું છે. શોભાબહેન ઘરે યોગાના ક્લાસીસ કરે છે અને મહેશભાઈએ પોતાની જાતને વધુ બિઝી કરી દીધી છે.
પોતાના લોકોની હયાતી હોવા છતાં, તેમની સાથે સારા સંબંધો હોવા છતાંય અસ્તિત્વને એક ખાલીપો ઘેરી વળે ત્યારે જીવ ઠેકાણે ન હોય તો પણ જાતને કોઈ પ્રવૃત્તિમાં ડુબાડી દેવી એ જ સાચો ઉકેલ છે.
(તા. 17 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 
 

Tuesday, 9 December 2014

ચિંતા અને તકેદારી 

વચ્ચેનો ભેદ માલૂમ છે?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
'ચેતતો નર સદા સુખી' 
એ કહેવત ઘણી વખત સાચી પડે છે,
પરંતુ સાવચેતી અને ચિંતા 
વચ્ચેનો ભેદ ન પારખી શકાય ત્યારે શું?
પોતાના લોકોની દરેક વ્યક્તિને ચિંતા સતાવતી હોય છે. એમાંય પોતાનું સંતાન હોય એની ચિંતા તો આપણે જીવીએ ત્યાં સુધી આપણને થતી રહે છે. બાળક જન્મે ત્યારથી માંડીને એનો ઉછેર,ભણતર, ગણતર, કરિયર, લગ્ન માટે યોગ્ય પાત્ર મળી જાય તો એનું લગ્નજીવન સુખી થશે કે કેમ, આ અને આવી કેટલી બધી ચિંતાઓ દરેક મા-બાપ એની હયાતી દરમિયાન અનુભવતાં હોય છે. ચિંતા થવી સ્વાભાવિક વાત છે, પરંતુ જે વાત પોતાના હાથમાં ન હોય એની નાહક ચિંતા કરવાનો કોઈ મતલબ ખરો?
વાત છે એક મિત્ર અને એની પત્નીની વધુ પડતી ચિંતાઓની. એમનાં નામ મિનેશ અને નીમા. આ બંને ર્વિંકગ કપલ છે. શહેરી જીવનમાં તેમજ આજના યુગમાં બંને કમાઈશું નહીં તો જવાબદારીઓ પૂરી નહીં થાય એ વિચારે આ યુગલે પહેલેથી જ નક્કી કર્યું હતું કે બંને નોકરી કરશે. બંને મળીને સારું કમાઈ લે છે. એમને એક નાનકડી દીકરી છે, ઝીલ. પોતાની દીકરીની ચિંતામાં નીમા અનેક અમંગળ વિચારો કરીને જાતને દુઃખી કરી રહી છે.
થોડા દિવસો પહેલાં બેંગલુરુમાં ત્રણ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું. એ વાત આવી ત્યારથી નીમાનો જીવ ઠેકાણે નથી. આ સમાચાર અને એ દિવસોમાં આવેલા અનેક સમાચારો જોઈને નીમા બહુ ડિસ્ટર્બ રહે છે. એ કહે છે, મારી દીકરી પણ બહુ નાનકડી છે. એને તો કોઈ ગંદી રીતે અડી જાય તોપણ એને સમજ ન પડે એટલી માસૂમ છે. એની સાથે કંઈક આવું થશે તો એની ચિંતા મને રહ્યાં કરે છે. સોસાયટીમાં બાળકો રમતાં હોય એની સાથે રમવા જવા દેતાં પણ મારો જીવ નથી ચાલતો. જો રમવા મોકલું તો મારી દેરાણી કે એનું ધ્યાન રાખનારી બાઈ હોય તો જ મોકલું. પ્લે ગ્રૂપમાં જાય છે પણ કોઈ વાહન બંધાવવાને બદલે ઘરનું કોઈ એને લેવા મૂકવા જાય એવો જ આગ્રહ રાખું છું. બહાર રમવા મોકલું ત્યારે પણ એને ટૂંકું ફ્રોક નથી પહેરાવતી. આ અને આવી કેટકેટલી તકેદારી નીમા રાખે છે.
સૌથી વધુ વિચારી મૂકે એવી વાત તો એ છે કે, નીમા એવું કહે છે કે માસૂમ દીકરીઓ સાથે બનતી ઘટનાઓથી એટલો બધો ડર લાગે છે કે, મને એવું થઈ આવે છે કે, મારી દીકરીને મારાંથી ક્યાંય અળગી નથી કરવી. સતત એને છાતી સરસી ચાંપીને મારા જીવની જેમ સાચવું.
આસપાસમાં બનતા બનાવોને કારણે મનને ચિંતા થવા લાગે એ સ્વાભાવિક છે. છાપાંમાં આવતા કિસ્સાઓ, ટેલિવિઝનમાં આવતા ક્રાઇમના શોઝ, ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા સમાચાર જોઈને કોઈ પણ વ્યક્તિ વિચલિત થઈ જાય. જે વસ્તુ શક્ય ન હોય એની કલ્પનાઓ આવવા માંડે. ફાઇન ચાલો, આ વાત સાથે સહમત થઈ શકાય, પણ સતત ચિંતાઓ કરવાથી કંઈ નથી બનવાનું એવું તો નથીને?
આખા દેશની આબાદી સવાસો કરોડ છે. એમાંથી સામે આવેલા ક્રાઇમના કિસ્સાઓની ટકાવારી ગણો તો બહુ ઓછી નીકળે. સતત વંચાતા અને જોવાતા સમાચારોના કારણે જે બાળકને તમે આ દુનિયા જોવા માટે જન્મ આપ્યો છે એને શા માટે વિકસતું અટકાવો છો? નીમાને એવું થાય છે કે, દીકરીને પોતાની આંખથી ક્યાંય અળગી ન થવા દે. જરા ઇમેજિન કરો આ પરિસ્થિતિને. સતત ને સતત સાથે રહેતો કાળજાનો ટુકડો હોય તોપણ એક વખત તો એનાથી બોર થઈ જ જવાય. જો આવું કરો તો એ જ દીકરી મોટી થઈને તમને સહન ન થાય એવા સવાલો પણ પૂછશે. દીકરી માટે સાવચેત રહેવાની દાનત અને આદત સમજી શકાય એવી છે,પણ તેને સતત પ્રોટેક્ટ કર્યા રાખવાની ભાવના સરવાળે દીકરીને જ નુકસાન કરે એવી નથી લાગતી?
ભવિષ્યની વાત કદીય કોઈના હાથમાં નથી હોતી. એક સેકન્ડ પછી શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી. જે વાત આપણા હાથમાં નથી એની ચિંતામાં તમે તમારી આજ અને દીકરીનું ભવિષ્ય બગાડી રહ્યાં છો. દીકરીની ખીલવા અને ખૂલવાની ઉંમરને અવરોધી રહ્યાં છો. જે ભવિષ્ય કોઈ કળી નથી શકતું તેની પાછળ દિલ અને દિમાગની શક્તિ વેડફવા કરતાં સંતાન સાથે આજના સમયે જીવવામાં જ મજા છે. ચિંતા કરીને મનને ભારે રાખવા કરતાં દીકરી સહેજ મોટી થાય ત્યારે એને એના પૂરતી સમજ આપવામાં જ શાણપણ છે. જે વાત આપણા હાથમાં ન હોય એને વહેવા દેવામાં જ સમજણ છે. દીકરી હોય કે દીકરો સંતાનનું ધ્યાન ચોક્કસ રાખો, પણ ચિંતા કરીને એના ઉપર એટલાં બધાં પણ બંધનો લાદી ન દો કે એનો વિકાસ મુરઝાઈ જાય અને એનું બાળપણ રૃંધાઈ જાય.
(તા. 10 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 2 December 2014

પોતાના લોકો માટે કંઈ કર્યાની 

ગણતરી હોય કે સંતોષ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

પરિવારજનો કે પોતાના માનતા હોઈએ 
એવા લાગણીના સંબંધોમાં કંઈ પણ કર્યું હોય 
તો તમને કેવી ફીલિંગ આવે છે?

કોઈ પોતાનું હોવું એટલે શું? દરેક વ્યક્તિ માટે અને એ વ્યક્તિના દરેક સંબંધ માટે પોતાના હોવાની વ્યાખ્યા અલગ-અલગ હશે. પોતાનું કોઈ હોવું એટલે જેના માટે તમને કંઈ પણ કર્યાનો આનંદ આવતો હોય અને કંઈ ન કરી શકતાં હોવ ત્યારે દિલમાંથી એક ટીસ નીકળી ઊઠે. ઘણાં લોકો પાસે પરિવારજનો હોય છે પણ એ પોતાના નથી હોતા. તો વળી કેટલાંક લોકો પાસે ઘણાં બધા સંબંધો હોય છે. પણ એમાં સામેવાળાની ગણતરી સમાયેલી જોવા મળે. જિંદગીમાં જો એકાદ સંબંધમાં પણ પોતાનું કંઈક ઊગી આવે તો જિંદગી આપોઆપ ખીલી જ જતી હોય છે. આવું કંઈક થાય ત્યારે જિંદગીને પણ થેંક્યુ કહેવાનું મન થઈ આવે.
આપણી આસપાસ બનતી ઘટનાઓમાં ઘણી વખત આપણે આપણાપણુ ખોઈ બેસીએ છીએ. કંઈક મેળવવાની દોટમાં આપણી સાથે હોય છે એને પણ ભૂલીને કે અવગણીને આગળ દોડતાં જ રહીએ છીએ. સરવાળે જે મેળવવાની દોડ લગાવી હોય એ મંઝિલ મળતી નથી હોતી અને જેને સતત અવગણ્યાં હોય છે એ લોકો પણ આપણી સાથે હોતા નથી. સરવાળે કંઈક મળવાનું તો બાજુ પર હોય છે. આપણો હિસાબ તો માઇનસમાં ચાલ્યો જાય છે.
એક મિત્રએ અનુભવેલી-શેર કરેલી એક વાત પરથી પોતાના લોકો માટે કંઈ કર્યાની ગણતરી વિશે વાત કરવાનું મન થયું. મધ્યમ પરિવારમાં ઉછરેલા એ મિત્રનું નામ યતીન. આજે વિદેશમાં બહુ જ મોટી સોફ્ટવેર કંપનીમાં ટોચની પોસ્ટ ઉપર કામ કરે છે. યતીન ઇન્ડિયામાં ભણીને સોફ્ટવેર એન્જિનિયર થયો. એકનો એક દીકરો હોવાથી એના ઉછેરમાં કે ભણતરમાં કોઈ કમી ન હતી.
યતીન કહે છે, મારા પપ્પા એક જ વ્યક્તિ કમાનાર હતા. દાદા-દાદી તેમજ ફોઈના ઘરનો વ્યવહાર પપ્પા-મમ્મી સાચવે. એ લોકોએ કેટલીય વખત પોતાની સવલતોમાં કોમ્પ્રોમાઇઝ કરીને પણ મને કંઈ કમી નથી આવવા દીધી. કેટલીય વખત મારા મોઢામાંથી નીકળી ગયું હોય કે આ વસ્તુ મને જોઈએ છે. તો સાંજે એ વસ્તુ મને મળી જતી. મમ્મીને ઘર માટે કે કિચન માટે કંઈ વસ્તુ જોઈતી હોય અને મને કંઈ જોઈતું હોય તો પ્રાયોરિટી મને મળતી.
આ બધી વાતો કે ઘટનાઓ ઘણી વખત સામે આવી જાય છે ત્યારે મને મારી ઉંમરની સમજણ ઉપર કોઈ વખત હસવું પણ આવી જાય છે. એક નાનકડી ચીજ મળી જતી તો એમ થઈ જતું કે મારા પપ્પા કેટલાં સારા છે. હું દુનિયાનો સૌથી લકી બોય છું. એક ડિમાન્ડ પૂરી થતી કે હું મારી જાતને સૌથી સુખી માનવા લાગતો. મોટો થતો ગયો તેમ તેમ સુખ અને ખુશીની વ્યાખ્યાઓ બદલાતી ગઈ. આજે હું પપ્પા કોઈ ચીજ લાવી આપતાં તેના કરતાં વધુ અને ઉત્તમ કક્ષાની ચીજો લઈ શકું એટલું કમાઈ લઉં છું. છતાં પણ પપ્પા જે ચીજો અપાવતા કે જે જરૂરિયાતો પૂરી કરતાં એવી લાગણી કે આનંદ આજે મને મારા જ રૂપિયાની બેસ્ટ ચીજો ખરીદવા સમયે નથી થતો. હું મારી જ અંદર એ લાગણીને ફંફોસતો રહું છું. પણ ભૂતકાળની યાદો સિવાય મારા હાથમાં કંઈ જ નથી આવતું.
યતીન એકનો એક દીકરો હોવાથી એણે એનાં મમ્મી-પપ્પાને અમેરિકા પોતાની પાસે બોલાવી લીધાં. બંનેની ઉંમર થઈ એટલે નાના-મોટા તબિયતને લગતાં પ્રોબ્લેમ્સ સામાન્ય થઈ ગયા છે. યતીન અને તેની પત્ની બંને અમેરિકામાં બહુ સારું કમાઈ લે છે. બીજા બધા અમેરિકાવાસીઓની જેમ એ લોકો પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને બીજાં અનેક વીમાકવચ સાથે જીવી રહ્યાં છે.
વાત એમ બની કે, યતીનના પપ્પાની તબિયત વધુ પડતી બગડી ગઈ. દવાઓનો ખર્ચ અમુક ઇન્શ્યોરન્સ કવરથી બહાર જવા લાગ્યો. આ દિવસોમાં પપ્પાની ચિંતા સાથે એણે એક મિત્રને ફોન કર્યો. વાતવાતમાં બહુ સહજતાથી એ મિત્રએ યતીનને પૂછયું કે,ખર્ચ બહુ આવતો હશે નહીં. વિદેશમાં તો બીમાર પડવું પણ મોંઘું પડે તેવું હોય છે. ત્યારે યતીને એ જ વાત કહી કે, હું તો ભગવાનનો આભાર માનું છું કે, પપ્પાની બીમારી પણ મને પોસાય છે. એમણે મારા માટે શું કર્યું છે કે શું નથી કર્યું એની ગણતરી નથી માંડવી પણ હું એમના માટે શું બેસ્ટ કરી શકું એ જ મારી દાનત છે. સંબંધની વાત આવે ત્યારે પોતાના લોકો માટે કંઈ પણ કર્યું હોય એની ગણતરી માંડીએ તો તમારી જાત અને તમારું અસ્તિત્વ નેગેટિવ સિલકમાં જ જોવા મળશે. 
(તા. 03 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)