Tuesday, 2 December 2014

પોતાના લોકો માટે કંઈ કર્યાની 

ગણતરી હોય કે સંતોષ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

પરિવારજનો કે પોતાના માનતા હોઈએ 
એવા લાગણીના સંબંધોમાં કંઈ પણ કર્યું હોય 
તો તમને કેવી ફીલિંગ આવે છે?

કોઈ પોતાનું હોવું એટલે શું? દરેક વ્યક્તિ માટે અને એ વ્યક્તિના દરેક સંબંધ માટે પોતાના હોવાની વ્યાખ્યા અલગ-અલગ હશે. પોતાનું કોઈ હોવું એટલે જેના માટે તમને કંઈ પણ કર્યાનો આનંદ આવતો હોય અને કંઈ ન કરી શકતાં હોવ ત્યારે દિલમાંથી એક ટીસ નીકળી ઊઠે. ઘણાં લોકો પાસે પરિવારજનો હોય છે પણ એ પોતાના નથી હોતા. તો વળી કેટલાંક લોકો પાસે ઘણાં બધા સંબંધો હોય છે. પણ એમાં સામેવાળાની ગણતરી સમાયેલી જોવા મળે. જિંદગીમાં જો એકાદ સંબંધમાં પણ પોતાનું કંઈક ઊગી આવે તો જિંદગી આપોઆપ ખીલી જ જતી હોય છે. આવું કંઈક થાય ત્યારે જિંદગીને પણ થેંક્યુ કહેવાનું મન થઈ આવે.
આપણી આસપાસ બનતી ઘટનાઓમાં ઘણી વખત આપણે આપણાપણુ ખોઈ બેસીએ છીએ. કંઈક મેળવવાની દોટમાં આપણી સાથે હોય છે એને પણ ભૂલીને કે અવગણીને આગળ દોડતાં જ રહીએ છીએ. સરવાળે જે મેળવવાની દોડ લગાવી હોય એ મંઝિલ મળતી નથી હોતી અને જેને સતત અવગણ્યાં હોય છે એ લોકો પણ આપણી સાથે હોતા નથી. સરવાળે કંઈક મળવાનું તો બાજુ પર હોય છે. આપણો હિસાબ તો માઇનસમાં ચાલ્યો જાય છે.
એક મિત્રએ અનુભવેલી-શેર કરેલી એક વાત પરથી પોતાના લોકો માટે કંઈ કર્યાની ગણતરી વિશે વાત કરવાનું મન થયું. મધ્યમ પરિવારમાં ઉછરેલા એ મિત્રનું નામ યતીન. આજે વિદેશમાં બહુ જ મોટી સોફ્ટવેર કંપનીમાં ટોચની પોસ્ટ ઉપર કામ કરે છે. યતીન ઇન્ડિયામાં ભણીને સોફ્ટવેર એન્જિનિયર થયો. એકનો એક દીકરો હોવાથી એના ઉછેરમાં કે ભણતરમાં કોઈ કમી ન હતી.
યતીન કહે છે, મારા પપ્પા એક જ વ્યક્તિ કમાનાર હતા. દાદા-દાદી તેમજ ફોઈના ઘરનો વ્યવહાર પપ્પા-મમ્મી સાચવે. એ લોકોએ કેટલીય વખત પોતાની સવલતોમાં કોમ્પ્રોમાઇઝ કરીને પણ મને કંઈ કમી નથી આવવા દીધી. કેટલીય વખત મારા મોઢામાંથી નીકળી ગયું હોય કે આ વસ્તુ મને જોઈએ છે. તો સાંજે એ વસ્તુ મને મળી જતી. મમ્મીને ઘર માટે કે કિચન માટે કંઈ વસ્તુ જોઈતી હોય અને મને કંઈ જોઈતું હોય તો પ્રાયોરિટી મને મળતી.
આ બધી વાતો કે ઘટનાઓ ઘણી વખત સામે આવી જાય છે ત્યારે મને મારી ઉંમરની સમજણ ઉપર કોઈ વખત હસવું પણ આવી જાય છે. એક નાનકડી ચીજ મળી જતી તો એમ થઈ જતું કે મારા પપ્પા કેટલાં સારા છે. હું દુનિયાનો સૌથી લકી બોય છું. એક ડિમાન્ડ પૂરી થતી કે હું મારી જાતને સૌથી સુખી માનવા લાગતો. મોટો થતો ગયો તેમ તેમ સુખ અને ખુશીની વ્યાખ્યાઓ બદલાતી ગઈ. આજે હું પપ્પા કોઈ ચીજ લાવી આપતાં તેના કરતાં વધુ અને ઉત્તમ કક્ષાની ચીજો લઈ શકું એટલું કમાઈ લઉં છું. છતાં પણ પપ્પા જે ચીજો અપાવતા કે જે જરૂરિયાતો પૂરી કરતાં એવી લાગણી કે આનંદ આજે મને મારા જ રૂપિયાની બેસ્ટ ચીજો ખરીદવા સમયે નથી થતો. હું મારી જ અંદર એ લાગણીને ફંફોસતો રહું છું. પણ ભૂતકાળની યાદો સિવાય મારા હાથમાં કંઈ જ નથી આવતું.
યતીન એકનો એક દીકરો હોવાથી એણે એનાં મમ્મી-પપ્પાને અમેરિકા પોતાની પાસે બોલાવી લીધાં. બંનેની ઉંમર થઈ એટલે નાના-મોટા તબિયતને લગતાં પ્રોબ્લેમ્સ સામાન્ય થઈ ગયા છે. યતીન અને તેની પત્ની બંને અમેરિકામાં બહુ સારું કમાઈ લે છે. બીજા બધા અમેરિકાવાસીઓની જેમ એ લોકો પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને બીજાં અનેક વીમાકવચ સાથે જીવી રહ્યાં છે.
વાત એમ બની કે, યતીનના પપ્પાની તબિયત વધુ પડતી બગડી ગઈ. દવાઓનો ખર્ચ અમુક ઇન્શ્યોરન્સ કવરથી બહાર જવા લાગ્યો. આ દિવસોમાં પપ્પાની ચિંતા સાથે એણે એક મિત્રને ફોન કર્યો. વાતવાતમાં બહુ સહજતાથી એ મિત્રએ યતીનને પૂછયું કે,ખર્ચ બહુ આવતો હશે નહીં. વિદેશમાં તો બીમાર પડવું પણ મોંઘું પડે તેવું હોય છે. ત્યારે યતીને એ જ વાત કહી કે, હું તો ભગવાનનો આભાર માનું છું કે, પપ્પાની બીમારી પણ મને પોસાય છે. એમણે મારા માટે શું કર્યું છે કે શું નથી કર્યું એની ગણતરી નથી માંડવી પણ હું એમના માટે શું બેસ્ટ કરી શકું એ જ મારી દાનત છે. સંબંધની વાત આવે ત્યારે પોતાના લોકો માટે કંઈ પણ કર્યું હોય એની ગણતરી માંડીએ તો તમારી જાત અને તમારું અસ્તિત્વ નેગેટિવ સિલકમાં જ જોવા મળશે. 
(તા. 03 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

No comments:

Post a Comment