Tuesday, 16 December 2014

પોતાનાં સંતાનોથી અલગ થવાની 

ચિંતા અને પીડા

   એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
પોતાના અસ્તિત્વ સાથે સંતાનો 
વણાયેલાં હોવા છતાં એમનાથી છૂટાં પડવાની 
પીડા અને ખાલીપો તમને સતાવે છે?
સામાન્ય રીતે જિવાતી જિંદગીમાં દરેક યુગલની પ્રાયોરિટીમાં એનો પરિવાર આવે છે. પરિવારમાં માતા-પિતા અને પોતાનાં સંતાનો સૌથી પહેલા ક્રમે આવે. પેઢી દર પેઢીથી મોટાભાગે આપણાં સૌની લાઇફસ્ટાઇલ એવી રહી છે કે, સંતાનોને ખાતર બધું કરી છૂટવું. પોતાના અસ્તિત્વની સાથે જેને ઉદરમાં અનુભવ્યું હોય એની નાનામાં નાની તકલીફ પણ આપણને વિચલિત કરી દેવા માટે પૂરતી હોય છે. દરેક માતા બનનારી સ્ત્રી માટે તો ઘણી વખત પોતાનું સંતાન જ સર્વસ્વ હોય છે. ત્યાં સુધી કે, પતિ પણ એની બીજી પ્રાયોરિટી બની જાય છે. આ વર્તનમાં મોટાભાગે કોઈને કંઈ ખોટું પણ નથી લાગતું. ભારતીય પરંપરા આ રીતે જ ચાલી આવી છે. આ પરંપરા ખોટી છે કે બદલવી જોઈએ એવું કહેવાનો કોઈ મતલબ નથી પણ સરવાળે સંતાનો સાથે જોડી દીધેલીં જિંદગી થોડાં વર્ષો પછી એટલી ઝડપથી એકલવાયી બની જાય છે કે એક ખાલીપો મનને ઘેરી વળે છે.
એક પરિવારમાં થોડા સમય પહેલાં જ બનેલો કિસ્સો છે. એ પરિવારમાં બે દીકરીઓ છે. હોમમેકર મમ્મી, બહુ જ બિઝી એવા ડોક્ટર પપ્પા અને એમની બંને દીકરીઓનો એકદમ સુખી પરિવાર છે. થોડા દિવસો પહેલાં ખબર પડી કે પૈસેટકે સુખી એવું આ યુગલ મસ્ત મજાનો બંગલો છોડીને નાનકડાં ફ્લેટમાં રહેવા ચાલ્યું ગયું છે.
વ્યવસાયે ડોક્ટર એવા એ ભાઈનું નામ મહેશભાઈ અને એકદમ પોઝિટિવ વિચારો ધરાવતાં એમનાં પત્નીનું નામ શોભાબહેન. એ યુગલના ઘરનો માળો જોઈને કોઈને પણ ઈર્ષા થઈ આવે કે જો આદર્શ પરિવારની વ્યાખ્યા હોય તો એ આ જ પરિવારને ફિટ બેસે. ભણવામાં હોશિયાર અને કહ્યાગરી એવી બંને દીકરીઓ. પોતપોતાની રીતે કરિયર સેટ કરીને એકે મા-બાપની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યાં તો બીજીએ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યાં. ડોક્ટર પિતાની આવક એટલી બધી હતી કે, બંને દીકરીઓને કંઈ અપાવવામાં કે કરિયાવર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બંને દીકરીઓ પોતપોતાના સાસરે જતી રહી. એક મુંબઈ સાસરે છે તો એક બેંગલુરુ. બંનેે દીકરીઓ સાથે દિવસમાં બે-ત્રણ વખત વાત કરી મા-બાપ સંતોષ મેળવી લે છે. પોતાની નવી જિંદગીમાં બંને દીકરીઓ બિઝી થતી ગઈ તેમ દિવસના બે-ચાર ફોનની ફ્રિકવન્સી ઘટતી ગઈ.
દીકરીઓ સાસરે ગઈ એની સૌથી મોટી અસર આવી શોભાબહેન ઉપર. દીકરીઓનાં શેડયુલ સાચવવાં, એમને વાંચવા-લખવા માટે ઉઠાડવી, જમવાની સંભાળ લેવી કે પછી એની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવી એ જ એમની જિંદગી હતી. અચાનક જાણે નવરાશ આવી ગઈ હોય એવું એમને લાગે છે.
મહેશભાઈનો દિવસ તો પેશન્ટ્સ અને હોસ્પિટલની દોડધામમાં પસાર થઈ જાય છે પણ રાત પડે ઘરે આવવાનું થાય તો એમને દીકરીઓની યાદ સતાવી જાય છે. ઘરે જવાના આકર્ષણમાં જાણે કંઈક ખૂટતું હોય એવું એમને લાગે છે. એમને જીવ જેવી વહાલી દીકરીઓની યાદ સતાવે રાખે છે. આ યુગલ દીકરીઓને કંઈ વર્તાવા નથી દેતું પણ એક ખાલીપાની પીડા તેમને કોરી ખાય છે. મહેશભાઈ કહે છે, દીકરીઓનો જન્મ થયો ત્યારથી ખબર હતી જ કે એ એક દિવસ તો સાસરે ચાલી જ જવાની છે. પણ એ બંને ચાલી જશે પછી એમના વગર સોરવશે નહીં એ હકીકતની ગંભીરતા અમને એ બંનેના ગયા પછી ખબર પડી. રોજ રાત પડે અમે પતિ-પત્ની એકબીજાંની વાતો કરવાને બદલે બંને દીકરીઓની જ વાતો કરતાં. હવે અમારા બંને વચ્ચે મૌન પડઘાતું હોય છે. બંનેને એકબીજાં પ્રત્યે કોઈ એવી ફરિયાદો નથી. પણ બંને સમદુઃખિયા હોવાની ફીલિંગ અનુભવીએ છીએ.
શોભાબહેન કહે છે, ઘરની એક એક ઈંટમાં બંને દીકરીઓનો ધબકાર રહેલો છે. મારો તો જીવ જ મારી દીકરીઓ છે. એ બંને સાસરે ચાલી ગઈ છે તો જાણે એમની મા હોવા છતાં હું અનાથ થઈ ગઈ હોય એવું ફિલ કરું છું. બંને દીકરીઓ એક એક વર્ષના ગાળે સાસરે ગઈ છે. હજુ નાનકડી દીકરીને વળાવી એને વર્ષ માંડ થયું છે છતાં અમે અમારા બંનેના રૂટિનમાં ગોઠવાઈ નથી રહ્યાં.
દીકરીઓ વગરના ખાલીપાને ઝીરવવો અઘરો છે એવું બંનેને લાગ્યું એટલે મોટો બંગલો મેનેજ નથી થતો એવું દીકરીઓને કહીને આ યુગલ નાનકડાં ફ્લેટમાં રહેવા ચાલી ગયું છે. નવો માહોલ, નવા પડોશીઓ સાથે જિંદગીનો તાલ મેળવવાનું શરૂ કરી દીધું છે. શોભાબહેન ઘરે યોગાના ક્લાસીસ કરે છે અને મહેશભાઈએ પોતાની જાતને વધુ બિઝી કરી દીધી છે.
પોતાના લોકોની હયાતી હોવા છતાં, તેમની સાથે સારા સંબંધો હોવા છતાંય અસ્તિત્વને એક ખાલીપો ઘેરી વળે ત્યારે જીવ ઠેકાણે ન હોય તો પણ જાતને કોઈ પ્રવૃત્તિમાં ડુબાડી દેવી એ જ સાચો ઉકેલ છે.
(તા. 17 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 
 

No comments:

Post a Comment