Tuesday, 9 December 2014

ચિંતા અને તકેદારી 

વચ્ચેનો ભેદ માલૂમ છે?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
'ચેતતો નર સદા સુખી' 
એ કહેવત ઘણી વખત સાચી પડે છે,
પરંતુ સાવચેતી અને ચિંતા 
વચ્ચેનો ભેદ ન પારખી શકાય ત્યારે શું?
પોતાના લોકોની દરેક વ્યક્તિને ચિંતા સતાવતી હોય છે. એમાંય પોતાનું સંતાન હોય એની ચિંતા તો આપણે જીવીએ ત્યાં સુધી આપણને થતી રહે છે. બાળક જન્મે ત્યારથી માંડીને એનો ઉછેર,ભણતર, ગણતર, કરિયર, લગ્ન માટે યોગ્ય પાત્ર મળી જાય તો એનું લગ્નજીવન સુખી થશે કે કેમ, આ અને આવી કેટલી બધી ચિંતાઓ દરેક મા-બાપ એની હયાતી દરમિયાન અનુભવતાં હોય છે. ચિંતા થવી સ્વાભાવિક વાત છે, પરંતુ જે વાત પોતાના હાથમાં ન હોય એની નાહક ચિંતા કરવાનો કોઈ મતલબ ખરો?
વાત છે એક મિત્ર અને એની પત્નીની વધુ પડતી ચિંતાઓની. એમનાં નામ મિનેશ અને નીમા. આ બંને ર્વિંકગ કપલ છે. શહેરી જીવનમાં તેમજ આજના યુગમાં બંને કમાઈશું નહીં તો જવાબદારીઓ પૂરી નહીં થાય એ વિચારે આ યુગલે પહેલેથી જ નક્કી કર્યું હતું કે બંને નોકરી કરશે. બંને મળીને સારું કમાઈ લે છે. એમને એક નાનકડી દીકરી છે, ઝીલ. પોતાની દીકરીની ચિંતામાં નીમા અનેક અમંગળ વિચારો કરીને જાતને દુઃખી કરી રહી છે.
થોડા દિવસો પહેલાં બેંગલુરુમાં ત્રણ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું. એ વાત આવી ત્યારથી નીમાનો જીવ ઠેકાણે નથી. આ સમાચાર અને એ દિવસોમાં આવેલા અનેક સમાચારો જોઈને નીમા બહુ ડિસ્ટર્બ રહે છે. એ કહે છે, મારી દીકરી પણ બહુ નાનકડી છે. એને તો કોઈ ગંદી રીતે અડી જાય તોપણ એને સમજ ન પડે એટલી માસૂમ છે. એની સાથે કંઈક આવું થશે તો એની ચિંતા મને રહ્યાં કરે છે. સોસાયટીમાં બાળકો રમતાં હોય એની સાથે રમવા જવા દેતાં પણ મારો જીવ નથી ચાલતો. જો રમવા મોકલું તો મારી દેરાણી કે એનું ધ્યાન રાખનારી બાઈ હોય તો જ મોકલું. પ્લે ગ્રૂપમાં જાય છે પણ કોઈ વાહન બંધાવવાને બદલે ઘરનું કોઈ એને લેવા મૂકવા જાય એવો જ આગ્રહ રાખું છું. બહાર રમવા મોકલું ત્યારે પણ એને ટૂંકું ફ્રોક નથી પહેરાવતી. આ અને આવી કેટકેટલી તકેદારી નીમા રાખે છે.
સૌથી વધુ વિચારી મૂકે એવી વાત તો એ છે કે, નીમા એવું કહે છે કે માસૂમ દીકરીઓ સાથે બનતી ઘટનાઓથી એટલો બધો ડર લાગે છે કે, મને એવું થઈ આવે છે કે, મારી દીકરીને મારાંથી ક્યાંય અળગી નથી કરવી. સતત એને છાતી સરસી ચાંપીને મારા જીવની જેમ સાચવું.
આસપાસમાં બનતા બનાવોને કારણે મનને ચિંતા થવા લાગે એ સ્વાભાવિક છે. છાપાંમાં આવતા કિસ્સાઓ, ટેલિવિઝનમાં આવતા ક્રાઇમના શોઝ, ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા સમાચાર જોઈને કોઈ પણ વ્યક્તિ વિચલિત થઈ જાય. જે વસ્તુ શક્ય ન હોય એની કલ્પનાઓ આવવા માંડે. ફાઇન ચાલો, આ વાત સાથે સહમત થઈ શકાય, પણ સતત ચિંતાઓ કરવાથી કંઈ નથી બનવાનું એવું તો નથીને?
આખા દેશની આબાદી સવાસો કરોડ છે. એમાંથી સામે આવેલા ક્રાઇમના કિસ્સાઓની ટકાવારી ગણો તો બહુ ઓછી નીકળે. સતત વંચાતા અને જોવાતા સમાચારોના કારણે જે બાળકને તમે આ દુનિયા જોવા માટે જન્મ આપ્યો છે એને શા માટે વિકસતું અટકાવો છો? નીમાને એવું થાય છે કે, દીકરીને પોતાની આંખથી ક્યાંય અળગી ન થવા દે. જરા ઇમેજિન કરો આ પરિસ્થિતિને. સતત ને સતત સાથે રહેતો કાળજાનો ટુકડો હોય તોપણ એક વખત તો એનાથી બોર થઈ જ જવાય. જો આવું કરો તો એ જ દીકરી મોટી થઈને તમને સહન ન થાય એવા સવાલો પણ પૂછશે. દીકરી માટે સાવચેત રહેવાની દાનત અને આદત સમજી શકાય એવી છે,પણ તેને સતત પ્રોટેક્ટ કર્યા રાખવાની ભાવના સરવાળે દીકરીને જ નુકસાન કરે એવી નથી લાગતી?
ભવિષ્યની વાત કદીય કોઈના હાથમાં નથી હોતી. એક સેકન્ડ પછી શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી. જે વાત આપણા હાથમાં નથી એની ચિંતામાં તમે તમારી આજ અને દીકરીનું ભવિષ્ય બગાડી રહ્યાં છો. દીકરીની ખીલવા અને ખૂલવાની ઉંમરને અવરોધી રહ્યાં છો. જે ભવિષ્ય કોઈ કળી નથી શકતું તેની પાછળ દિલ અને દિમાગની શક્તિ વેડફવા કરતાં સંતાન સાથે આજના સમયે જીવવામાં જ મજા છે. ચિંતા કરીને મનને ભારે રાખવા કરતાં દીકરી સહેજ મોટી થાય ત્યારે એને એના પૂરતી સમજ આપવામાં જ શાણપણ છે. જે વાત આપણા હાથમાં ન હોય એને વહેવા દેવામાં જ સમજણ છે. દીકરી હોય કે દીકરો સંતાનનું ધ્યાન ચોક્કસ રાખો, પણ ચિંતા કરીને એના ઉપર એટલાં બધાં પણ બંધનો લાદી ન દો કે એનો વિકાસ મુરઝાઈ જાય અને એનું બાળપણ રૃંધાઈ જાય.
(તા. 10 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

No comments:

Post a Comment