Wednesday, 29 October 2014

રીલ લાઇફ અને રિયલ લાઇફ 

સરખામણી કેટલી યોગ્ય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

ગ્લેમર વર્લ્ડ અને કચકડાંની દુનિયા આજના યુગમાં જીવતાં લોકોનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. રહેણી-કરણીથી માંડીને લોકોને જોવાના-માપવાના નજરિયામાં પણ આ કચકડાંની દુનિયાનાં પાત્રો હાવી રહે છે. બીજી એક વાત એ પણ સાચી છે કે,જો આ સિરિયલ્સ અને ફિલ્મોની ચેનલ્સ ન હોત તો કેટલી બધી અલગ અલગ ઉંમરની વ્યક્તિઓ માટે સમય પસાર કરવો પણ અઘરો બની જાત. સમય પસાર કરવાની વાત અને એ સ્ક્રીપ્ટેડ જિંદગી જીવતાં પાત્રોનું આપણી માથે હાવી થઈ જવું એ બંને બહુ જ જુદી વાત છે. મનોરંજન માટે જોવામાં આવે ત્યાં સુધી કંઈ વાંધો ન હોઈ શકે, પણ એ પ્રમાણે જીવન જીવવાની કે એ રીતભાતમાં પોતાની રહેણી-કરણીને ખોટી રીતે ઢાળવાની કોશિશ કરવામાં આવે ત્યારે અડચણો ઊભી થાય છે.
એક વાચક નામે શ્રીલેખાની વાત કરીએ. શ્રીલેખા લાડકોડથી ઉછરેલી ઉચ્ચ મધ્યમવર્ગની દીકરી છે. દેખાવમાં બહુ જ બ્યુટીફૂલની ગણનામાં આવે એવી શ્રીલેખાને પોતાની ઓફિસના કામ અંગે બહુ જ બહાર ફરવા જવાનું થતું. એક જ જગ્યાએ અનેક વાર જવાનું થતું. એમાં એને કંપનીના જ એક ક્લાયન્ટ સાથે વધુ બનવા લાગ્યું. ધીમે ધીમે ખબર પડી કે એ દોસ્તીથી વધુ કંઈક છે. બંને પ્રેમમાં પડી ગયાં. બંને એક જ જ્ઞાાતિનાં હોવા છતાં બંનેનાં માતા-પિતા બહુ જલદીથી રાજી ન થયાં. શ્રીલેખા તથા તેના પ્રેમી ધૈર્યએ નક્કી કર્યું હતું કે, બંનેનાં મા-બાપ દિલથી ન માને ત્યાં સુધી કોઈ ઉતાવળ ન કરવી. એક દોઢ વર્ષ જેવું થયું અને બંને તરફથી હા આવી ગઈ.
શ્રીલેખા પોતાનાં સાસરિયાંની વાત કહે છે. એ કહે છે, ટેલિવિઝન ઉપર આવતી અલગ અલગ સિરિયલ્સ એ જુએ છે. પિયરમાં એની મમ્મી પણ ક્રેઝી છે અને સાસરે એનાં સાસુને પણ આવી સિરિયલ્સ જોવી બહુ ગમે છે. એ કહે છે, "મારી મમ્મી હોય કે સાસુ બંને સિરિયલ્સ જુએ ત્યાં સુધી વાંધો નથી પણ એ અભિનય કરતાં પાત્રોની સરખામણી બંને જાણેઅજાણે ખરી જિંદગીનાં પાત્રો સાથે કરવા માંડે છે. મારી મમ્મીના માથે એ સિરિયલમાં થતાં સાજ-શણગાર અને ફેશનની વાત હાવી હોય છે. મારી સગાઈ થઈ ત્યારે પણ મને એવો ફોર્સ કરે કે, મારે ફલાણી સિરિયલમાં ઢીંકણું પાત્ર પહેરે છે એવી ફેશનની સાડી-અનારકલી લેવાં જોઈએ. એરિંગ્સ હોય કે બીજી જ્વેલરી મને એવું જ કહે કે, તને ગમે એવું નહીં પણ જેવો ટ્રેન્ડ હોય એવું તારે લેવું જોઈએ."
તો આ બાજુ મારાં સાસુની તો વાત શું કરું? એ કહે છે, "સિરિયલમાં આવતાં પાત્રોનો અભિનય જોઈને એ તો એમાં ખોવાઈ જ જાય છે. એક-બે વાર હું સાસરે કોઈ તહેવારોમાં ગયેલી. તો મારાં સાસુ એકાદ સિરિયલમાં આવતી વહુના પાત્રને જોઈને એવું બોલ્યાં કે આવી વહુ તો કોઈ ભાગ્યશાળીને જ મળે. બધાંને થોડી આવી વહુ મળવાની છે?"
શ્રીલેખા કહે છે, "હું એમની પસંદગીની વહુ નથી. એમના દીકરાની પસંદગીનું પાત્ર છું. એટલે એ એક હદથી વધારે મારી ઉપર સાસુપણું નથી કરી શકતાં. આ વાતનો એમને રંજ હોય એવું મને સતત લાગ્યા રાખે છે. જો પોતાની પસંદગીની વહુ આવી હોય તો પોતાના કંટ્રોલમાં રહે એવું એમનું માનવું છે. વળી, એ પાત્રો જોઈને ખરી જિંદગીમાં હોય એ લોકો સાથે સરખામણી કરી બેસે ત્યારે મને વાત ગળે નથી ઊતરતી. એ જ્યારે જ્યારે એવું બોલે કે, આવી વહુ તો કોઈક લકી વ્યક્તિને જ મળે ત્યારે ત્યારે મને એવું કહેવાનું મન થાય છે કે, તમે પણ ક્યાં એ કચકડે મઢેલી સાસુ જેવાં છો?"
પોતાની પસંદગીની વહુ હોય તો એની ઉપર આધિપત્ય જમાવી શકાય. દીકરાની પસંદગીની છોકરી સિરિયલમાં આવતી વહુ જેવી ન હોય. આ અને આવી માનસિકતા ધરાવતાં સાસુ સાથે મારે એડજસ્ટ થવાનું છે. કોઈક વખત એવું લાગે છે કે, ખરેખર સિરિયલમાં આવે છે એટલું સરળ છે તો કોઈક વખત એમ લાગે છે કે, સંબંધોની આંટીઘૂંટીમાં આ ગ્લેમર વર્લ્ડ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. સાચી વાત એ છે કે, રીલ લાઇફની સિરિયલનાં પાત્રોને રિયલ લાઇફની સાથે ન જોડીએ એ જ વાજબી છે.
(તા. 29 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 22 October 2014

આવો થોડો કકળાટ કાઢી લઈએ

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

આજે કાળી ચૌદશ છે. કેવું છે, આપણે એનું નામ બદલીને રૂપ ચૌદશ કરી નાખ્યું છે. આપણને 'કાળું' ગમતું નથી. આવતી કાલે દિવાળી એટલે વરસનો છેલ્લો દિવસ. જો તમને એમ કહેવામાં આવે કે, આ આખા વર્ષમાં થયેલી એક ઘટનાને તમે ભૂંસી અને ભૂલી શકો છો તો તમે કઈ ઘટનાને ભૂલી જાવ? હવે બીજી વાત, આખા વર્ષમાં એવી કઈ ઘટના છે જે તમે જિંદગીમાં ક્યારેય ભૂલવા ન ઇચ્છો. વેલ, તમને આમ કરતાં કોણ રોકે છે? બીત ગઈ સો બાત ગઈ એવું આપણે કહીએ છીએ, પણ ખરેખર એવું કરીએ છીએ ખરા? એક શાયરે સરસ લખ્યું છે, બેનામ સા યે દર્દ ઠહર ક્યૂં નહીં જાતા. જો બીત ગયા હૈ વો ગુજર ક્યૂં નહીં જાતા. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે નદીનું પાણી નથી કે પાછી આવે. તમને શું લાગે છે, એ પાછું આવતું હોય છે કે, આપણે એને પકડી રાખતાં હોઈએ છીએ? આપણે છોડીએ જ નહીં તો એ છટકવાનું કેવી રીતે?
આજે રાતે બધી જ બહેનો કકળાટ કાઢવા જશે. અડદની દાળનાં વડાં બનાવી શેરીના ચોકમાં જઈને કકળાટ કાઢશે. માત્ર અમુક સિબ્મોલિક વિધિ કરી દેવાથી કકળાટ નીકળી જાય છે? આટલી આસાનીથી 'કકળાટ' નીકળી જતો હોય તો તો આજે બધાં જ ઘર 'કકળાટ ફ્રી' હોત અને હા, કકળાટ કાઢવા જતી વખતે ઘરના વડીલો કહે છે કે, કકળાટ કાઢતી વખતે પાછું વળીને ન જોતા. આ વાતમાં કંઈક દમ લાગે છે. પાછું વળીને કેમ નહીં જોવાનું? કદાચ એટલા માટે હશે કે, આપણે પાછળ જ જોયે રાખતા હોઈએ છીએ. પાછળ જોનારાઓ આગળ નથી જોઈ શકતા. કાં પાછળ જોવાનું હોય છે કાં આગળ જોવાનું હોય છે. પાછળ જ જોતા રહેશો તો કકળાટ ક્યારેય નીકળવાનો નથી.
આજે એક પરિચિતની વાત કરવી છે. એમનું નામ મનોરમા. એને જ્યારે પણ મળવાનું થાય ત્યારે એના મોઢે બધાંની ફરિયાદો જ મળે. મારી નણંદે આવું કર્યું, મારી જેઠાણી મને આવાં મેણાં મારે છે, મારી સાસુને તો વતાવવા જેવી જ નથી. મારા વરને પણ એના ઘરના બધાં વહાલા છે. આવી વાતો કરીને પછી ઉદાહરણો જ આપે. આખી મુલાકાતમાં એકેય વાત એવી ન હોય જેનાથી એને કે સાંભળનારને હળવાશ લાગે. ઘણી વખત એવું થાય કે, આટલી બધી નેગેટિવિટી માણસમાં કેવી રીતે આવી જતી હશે? મનોરમા સાથે દલીલ કે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નહોતો, કારણ કે એણે બધા જ વિષયની એક દૃઢ છાપ બનાવી લીધી હતી. આમ છતાં એક દિવસ મનોરમાને પૂછી બેસાયું કે, "તું આ ચાર-પાંચ વ્યક્તિઓની વારંવાર વાતો અને ફરિયાદો કરે છે, પણ આજે મારે તારી પાસેથી જરાક જુદું જાણવું છે. તું આ ચારેય વિશે માત્ર એક એવી વાત કર જે સારી હોય." મનોરમાએ ખૂબ વિચાર કર્યો પણ એ જવાબ આપી શકી નહીં. એણે કહ્યું કે, "એ પરિવારજનોમાં મને તો કોઈ સારી વાત દેખાતી જ નથી."
મનોરમાને કહ્યું, "ઓકે, ફાઇન." હવે તું તારા વિશે એેક એવી વાત કર જેને એ ચારેય લોકો ખરાબ સમજતાં હોય. મનોરમાએ ફટ દઈને કહ્યું કે, "એ લોકોને તો મારી બધી જ વાત ખરાબ લાગે છે." મનોરમાનેે છેલ્લે એટલું જ કહ્યું કે, "તેં જે જવાબો આપ્યા છે એના ઉપર થોડોક વિચાર કરી જોજે એટલે તને તારાં દુઃખનું કારણ મળી જશે."
આપણે પોતે નેગેટિવ હોઈએ ત્યારે બધું નેગેટિવ જ લાગતું હોય છે. બધાં સોએ સો ટકા નેગેટિવ હોતા નથી, પણ થોડો ઘણો 'કકળાટ' બધાંમાં હોય જ છે. બસ, આ કકળાટ નીકળી જાયને તો આપણને અઘરી લાગતી જિંદગી હળવી થઈ જાય. સપરમાં દહાડે ઘરના ખૂણેખૂણામાંથી આપણે કચરો અને ધૂળજાળાં કાઢીએ છીએ, પણ જો મન મેલું હશે તો ચોખ્ખાઈમાં પણ ઉજાસ લાગવાનો નથી. જ્યાં ઉજાસ ન હોય ત્યાં ઉલ્લાસ ક્યાંથી આવવાનો?
(તા. 22 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 15 October 2014

ઘર હોય તો સુખ હોય કે 

સુખ હોય ત્યાં ઘર હોય? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

પ્રેમ એવી લાગણી છે કે ત્યાં બીજું બધું જ સહજ લાગે છે. પોતાની કોઈ એક વ્યક્તિ એવી હોય જેનો સાથ અને જેનો પ્રેમ તમને સલામત હોવાની અનુભૂતિ આપે છે. એ છે તો જાણે માથે છત છે એવી ફીલિંગ સ્નેહ, લાગણી અને પ્રેમ હોય ત્યાં આવી જ જવાની છે. બે વ્યક્તિઓને આવી ફીલિંગ થતી હોય પણ એ બે વ્યક્તિ સાથે જોડાયેલા લોકો આવી કાલ્પનિક વાતો કે અનુભૂતિને મહત્ત્વની ન ગણે ત્યારે શું કરવાનું?
સુરભિ નામની એક વાચકના આવેલા ઈ-મેઇલ પરથી વાત કરવાનું મન થયું. એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી સુરભિને સાથે કામ કરતા યુવક નીરવ સાથે પ્રેમ થયો. બંને એક જ જ્ઞાાતિનાં હતાં. એમ જ સમજતાં રહ્યાં કે ઘરના લોકો ક્યાં ના પાડવાના છે. નીરવના ઘરેથી તો પહેલા જ ધડાકે હા આવી ગઈ, પણ સુરભિના ઘરે જેવી ખબર પડી કે એના ઘરે ધરતીકંપ થયો. સૌથી પહેલાં તો એની મમ્મીએ એની નોકરી જ મુકાવી દીધી. સુરભિનું પ્રમોશન ડયુ હતું અને એની મમ્મીની જિદના કારણે એણે નોકરી મૂકવી પડી. એક પછી એક બંધનો લદાતાં ગયાં. એનો ફોન છીનવી લેવામાં આવ્યો. છ મહિના સુધી એને રેઢી મૂકવા ન દેવાઈ. નીરવને ભૂલી જાય એવા તમામ પ્રયત્નો એના સંયુક્ત પરિવારના વડીલોએ કર્યા. લગભગ આઠેક મહિના સુધી આ સિલસિલો ચાલ્યો. આ બાજુ નીરવથી પણ સુરભિની જુદાઈ સહન નહોતી થતી. દીકરાને આમ હિજરાતો જોઈને નીરવનાં મમ્મી-પપ્પા સુરભિના ઘરે ગયાં. વિનંતી કરી,સમજાવટથી બંનેની સગાઈ માટે કન્વીન્સ કર્યાં. બંનેની સગાઈ થઈ ગઈ. થોડા દિવસો સુધી આવવા-જવાનું રહ્યું. ચારેક મહિના થયા એટલે નીરવનાં મા-બાપ લગ્નની વાત લઈને ગયાં. સુરભિની મમ્મીએ ચોખ્ખું સુણાવી દીધું કે, તમારા દીકરાનો પગાર પચીસ હજાર રૂપિયા છે. પોતાનું ઘરનું ઘર નથી. એ શું મારી દીકરીને સુખી કરવાનો? પહેલાં એનું ઘરનું ઘર બંધાય પછી જ હું મારી દીકરીનાં લગ્ન એની સાથે કરાવીશ. બાકી વાત પડતી મૂકો.
લગ્નની વાતમાં ઘરનું ઘર અને સુખની વાતો કરતી સુરભિની મમ્મી એટલી જિદે ચડી ગઈ કે, ફરી સુરભિ સાથે બંધનો લાદી દેવાયાં. સુરભિ લખે છે, એક દિવસ મમ્મી માની જશે એ રાહમાં મેં બીજા બે મહિના કાઢી નાખ્યા. હાલત એ હતી કે હવે મારે પણ નીરવ સાથે જિંદગી જીવવી હતી. આથી એક દિવસ અનેક પાબંદીઓને તોડીને હું પહેરેલાં કપડે ચાલી નીકળી. નીરવના ઘરે ગઈ. એ હકીકત જાણીને મને ફરીથી મૂકવા આવ્યો, તો મારી મમ્મીએ અમને બંનેને કાઢી મૂક્યાં. બસ, એક જ વાત કે ઓછો પગાર અને ઘરનું ઘર નથી એટલે મારી દીકરીના સુખની કોઈ ગેરંટી નથી. પછી આ યુગલે સાદાઈથી નીરવના પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધાં, પણ સુરભિનું મન મમ્મીની જિદના સવાલો કરતું રહે છે. પોતાને જસ્ટિફાય કરવા કોશિશ કરે છે કે, એણે કંઈ ખોટું તો નથી કર્યું ને?
સુરભિનાં મમ્મીને એટલું જ કહેવાનું મન થાય છે કે, બંગલા અને ગાડી હશે તોપણ સુખની કોઈ ગેરંટી છે ખરી? પોતે જેને પ્રેમ કરતા હોય એ વ્યક્તિનો સાથ ન હોય ત્યારે એ ઘર પણ ઈંટ રેતીની નિર્જીવ દીવાલોથી વધુ કંઈ નથી હોતું. એ ઘર ત્યારે જ ધબકતું લાગે છે જ્યારે દિલમાં વસેલો ધબકાર આપણી સાથે હોય.
આજના યુગમાં નવી પેઢી એકદમ સડસડાટ આગળ વધી રહી છે. આજે પચીસ હજાર પગાર હોય એનો બે વર્ષમાં ડબલ પગાર પણ થઈ જાય. સંજોગો અને કરિયર ક્યારે કરવટ બદલે એની કોઈને ખબર નથી હોતી. વર્તમાન પરિસ્થિતિ જ કાયમ રહેશે એવું માનીને સગી દીકરીની ખુશી ન દેખાય એ પણ યોગ્ય નથી.
સુરભિને પણ એટલું જ લખવાનું થાય છે કે, જે સમયે દિલ અને દિમાગ બંનેએ એક જ તરફ જવાની દિશા બતાવી હોય પછી એ દિશામાં વાવાઝોડું હોય, વંટોળ હોય કે પછી સ્વર્ગની અનુભૂતિ થાય એવું સુખ હોય. જે હોય તેને જીવી લેવાનું અને જે મળે એને વધાવી લેવાનું. ઈંટોની દીવાલો ઓટોમેટિક ઘર બની જ જશે.
(તા. 15 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 8 October 2014

સ્વતંત્રતામાં વધુ મજા છે કે 

બંધનો તોડવામાં વધારે રોમાંચ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

કોને કેટલી સ્વતંત્રતા મળવી જોઈએ? એ કોણ નક્કી કરે? સર્વમાન્ય એવો એક જવાબ છે કે, પરિવારનો મોભી જે તે સ્વતંત્રતાની મર્યાદા નક્કી કરે. વળી, છૂટ આપવાની વાત આવે ત્યારે આપણે સ્વતંત્રતા પણ કેવી આપીએ છીએ?
દીકરીને એની બહેનપણીની બર્થ ડે પાર્ટીમાં જવા દઈએ પણ સમયની મર્યાદા બાંધીને! સામી બાજુ દીકરાને અપાતી છૂટછાટના નિયમો જુદા. અલબત્ત, દીકરા-દીકરીના કુદરતે મૂકેલા ફરકને ધ્યાને લઈને આ બંધનો નક્કી થતાં હોય છે. દીકરા-દીકરીને છૂટછાટ કે બંધનોમાં રાખતા ભેદભાવની વાત નથી કરવી. વાત કરવી છે,સ્વતંત્રતામાં વધુ મજા આવે કે બંધનો તોડવાનો રોમાંચ વધુ હોય?બંનેની અનુભૂતિ અલગ અલગ છે. સ્વત્રંતામાં મળેલું ખુલ્લું આકાશ છે જ્યારે બંધન તોડવામાં ખુલ્લું આકાશ પણ આપણે આપણી રીતે કેળવવાનું છે અને એમાં પાંખો ફેલાવીને પોતાની રીતે અંતર કાપવાનું હોય છે. ઉડાન ભરવાથી માંડીને પવન કાપવાનો આનંદ-રોમાંચ તમે પોતે અચીવ કરેલો હોય છે. સ્વાભાવિક છે એનો રોમાંચ કે આનંદ વધુ હોવાનો, પરંતુ બંધનો તોડવાનું રિસ્કી પણ એટલું જ છે. બંધનો તોડવાની કિંમત પણ ઘણી વખત ચૂકવવી પડે છે. એ કિંમત આકરી અને અઘરી પડે ત્યારે બંધનોનાં કોચલામાં પુરાઈ રહેવાનું લોકો પસંદ કરે છે. સરવાળે કોઈની સ્વતંત્રતાને જોઈને જીવ બાળવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
સામાન્ય રીતે બંધનોમાં કંઈક ખૂટે છે એ નથી મળતું એવો ભાવ સતત મનમાં ઘૂમ્યે રાખતો હોય છે. દુનિયાની નજરે એ સંપૂર્ણ હોવાં છતાં અનેક બંધનો વચ્ચેની એ સંપૂર્ણ પણ અપૂર્ણ અને અધૂરી હોય એવું લાગે છે.
પરિવારમાં મોડે સુધી ફરવા ન મળતું હોય, મેકઅપ કરવા ન મળે, મોડે સુધી ફરવા દેવામાં ન આવે, વેસ્ટર્ન કપડાં ન પહેરવા દેવામાં આવે, સ્લીવલેસ ન પહેરવા દેવામાં આવે કે પછી ગમતી નોકરી ન કરવા દેવામાં આવે તો જે નથી મળ્યું એ જ હંમેશાં મોટું રહેવાનું. એની સામે ગમે તેટલું મળ્યું હોય તોપણ નથી મળ્યું એ વધુ મહત્ત્વનું બની રહે છે.
મોડે સુધી પાર્ટી ન કરવા દેવામાં આવે, ગમતી એવી મોંઘી બાઇક ન મળે, પોકેટમની ફિક્સ હોય, અમુક લાઇફસ્ટાઇલ કેળવવાની ફરજ પાડવામાં આવે, મનનું ધાર્યું કહેવાની કે કરવાની છૂટ ન મળે, પરિવારનાં કે બીજાં મિત્રોનાં બાળકો સાથે સતત થતી સરખામણી હોય કે પછી કોઈ પણ બાબતનું બંધન હોય એ બંધન હંમેશાં ખટકતું જ રહેવાનું છે. જ્યાં બંધન છે ત્યાં એનો તૂટવાનો ભય રહેવાનો જ છે. બધાં જ લોકો બધાં બંધનો સ્વીકારીને નથી જીવી શકતાં હોતાં.
એક પરિવારની વાત છે. એ સંયુક્ત પરિવારની વહુઓને સસરા-જેઠ હોય ત્યારે માથે ઓઢવાનું. તેમની સાથે બહુ વાતચીત ન થઈ શકે એવો નિયમ. સૌથી મોટી વહુને માત્ર સસરાનું ઓઢવું પડે, પણ એનાથી નાના ભાઈની બંને વહુઓને વધુ મર્યાદામાં રહેવું પડે. સૌથી નાની વહુને આ બહુ ખટકે. પોતે ભણેલી છે અને પૈસાદાર પરિવારની વધુ છૂટછાટમાં ઉછરેલી દીકરી છે એ વાત એના મગજમાંથી નીકળે નહીં. પરિવારના વડીલો ઘરમાં હોય પણ આસપાસમાં ન હોય તો એ ફટ કરતું માથે ઓઢેલું ઉતારી દે. આ વાત એના સસરાને ખબર હતી. એ હંમેશાં સૌથી મોટા પૌત્રને એવું કહેવા મોકલે કે, નાની વહુને કહો માથે ખીલો ખોડી દે. કહેવાની વાત એ છે કે, મન વગરનું બંધન પણ કંઈ અસર કરતું નથી. મનથી મર્યાદા જળવાય તો જ એની ગરિમા છે. જે બંધનમાંથી મુક્ત થવા માટે મન સતત છટપટતું હોય એ બંધન અસ્તિત્વને રૃંધી નાખે છે. સ્વતંત્રતાનો દુરુપયોગ થાય તો એની ગરિમા હણાઈ જાય છે. સંબંધોમાં મળતી આઝાદીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવે તો કદાચ એ કોઈ અણગમતી હકીકતમાં પલટાઈ જતાં તેને વાર નથી લાગતી. સાચી વાત તો એ છે કે, સ્વતંત્રતા અને બંધન હૈયેથી સમજાવા જોઈએ. કોઈના કહેવાથી આ બંને શબ્દોના મર્મને પચાવી શકીએ એ વાતમાં દમ નથી. અંતે તો વ્યક્તિગત સમજદારી જ મહત્ત્વની રહે છે.
(તા. 08 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 1 October 2014

એમ ફૂંક મારીને ભૂતકાળને ભૂલી શકાય? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

થોડાં અઠવાડિયાં પહેલાં ફિલ્મ આવી હતી 'મર્દાની'. આ ફિલ્મમાં બહુ જ સંવેદનશીલ અને આઘાતજનક ઘટનામાંથી પસાર થઈ રહેલી ટીનેજ ગર્લની સામે એક નાનકડી કેક ઉપર સળગતી કેન્ડલ રાખીને એવું કહેવામાં આવે છે કે, ફૂંક માર અને આગળ વધ. આ જ જિંદગી છે.

એ સીન યાદ કરીને અનેક વખત એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે એવી કેટલી બધી વાતોની ગાંઠ અને ભારનું પોટલંંુ માથે લઈને ફરતાં હોઈએ છીએ. શું આપણે એટલી સહજતાથી એ ભારને હળવો કરી શકીએ છીએ? શું આપણી રોજિંદી જિંદગી સાથે એટલી સહજતા જોડાયેલી છે? આપણે મનમાં ને મનમાં એ વાતને એટલી ઘૂંટયે રાખીએ છીએ કે એ કાળાશ ક્યારે આપણાં દિલની કડવાશ બની જાય છે એની આપણને ખબર સુધ્ધાં નથી રહેતી.

એક જ્ઞાાતિના મોભીની વાત કરવાનું મન થાય છે. એમનું નામ રમણિકભાઈ. એમની નાતમાં રમણિકભાઈની સલાહ એટલે શિરોમાન્ય. એ જેમ કહે એમ મોટાભાગના લોકો માને. કેટલાંય લોકોના પ્રોબ્લેમ્સને એ સાંભળે, સોલ્વ કરે, નિષ્પક્ષ રહીને સલાહ આપે. ફરિયાદ લઈને આવનારી વ્યક્તિ પોતાની સગી દીકરી હોય કે પછી સગો ભાઈ હોય એમનો નિર્ણય કદીય બાયસ ન હોય. એક દિવસ મેં એમને પૂછયું કે, આ બધા પ્રોબ્લેમ્સ તમારી સમક્ષ આવે ત્યારે તમે કોઈની વિરુદ્ધમાં કંઈ બોલો તો કોઈ તમને કંઈ બોલતું નથી?

એમણે કહ્યું, કોઈ પણ વ્યક્તિ એનો પ્રોબ્લેમ લઈને આવે એટલે મારું દિલ કહે અને પ્રેક્ટિકલી બુદ્ધિ જેમાં સહમતિ આપે એવી વાત હું સામેવાળાને કહું છું. આ કારણથી જ અનેક લોકોની વિરુદ્ધમાં બોલું છું ત્યારે આંખે થઈ જાઉં છું. એ લોકો મને જેમતેમ બોલી દે છે. કેટલાંય લોકો મને જિંદગી આખી નહીં બોલાવવાના સોગંદ પણ લઈ લે છે.

આવી વાત બને ત્યારે એ વાતને એટલી જલદીથી ખંખેરી નાખું છું કે, જાણે કંઈ બન્યું જ નથી. ઊલટું મારી સામે મારું જ ખરાબ બોલીને ગયેલી વ્યક્તિ ફરી વાર સામે મળે ત્યારે એકદમ પ્રેમથી એની સાથે વાત કરું છું. નહીં ગમતી વાતને માથા પરની ધૂળ હોય એમ મનમાંથી ખંખેરી નાખું એટલે નથી મનમાં કંઈ ભાર રહેતો કે નથી જાતને ખોટું બોલીને છેતરવી પડતી.

આપણી જિંદગીમાં આપણે કેટલી વખત આવું કરી શકીએ છીએ? કે પછી એક પણ વખત આવો પ્રયાસ કરી જોઈએ છીએ? સાચી વાત એ છે કે અણગમતી વાતોનો ભંડાર બનાવવાની કોઈ જરૂર નથી હોતી. જિંદગી હંમેશાં આગળ વધતી રહેવાની છે. આપણે જ ઘણી વખત માનસિક રીતે એ નહીં ગમતી ઘટનામાંથી બહાર નથી આવી શકતા. એટલે જ આજમાં જીવી નથી શકતા. કોઈએ કહેલી વાતની અસર આપણા માથે એટલી બધી હાવી રહે છે કે, જે ખરેખર જિંદગીમાં કરવા જેવું હોય છે એ જ આપણે કરવાનું ભૂલી જઈએ છીએ.

સાચી વાત એ છે કે, ખરેખર અમુક ઘટનાઓ કે પ્રસંગો તો ફૂંક મારીને ભૂલી જવા જેવાં જ હોય છે, પણ એ આપણાંથી થતું હોતું નથી. આપણને આપણો જ સ્વભાવ નડી જાય છે. આપણો જ ઇગો આપણી સમજદારીની આડે આવી જાય છે. એટલે જ સમજદારી વાપરવાની હોય છે ત્યાં આપણે સ્વભાવગત વર્તનને રિપીટ કરીએ છીએ. કેટલીક પળો એવી બની જતી હોય છે જેની જ્યોતને ફૂંક મારીને ઓલવી દેવામાં જ ખરી જિંદગી સમાયેલી હોય છે. તમારી જિંદગીમાં આવી કેટલી પળ છે? જો એવી કોઈ પળ હોય તો તમે એને ફૂંક મારીને ભૂલી જવાનો પ્રયત્ન કરો છો ખરા?

(તા. 01 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

link of article : http://sandesh.com/article.aspx?newsid=2993236 

jyotiu@gmail.com