એમ ફૂંક મારીને ભૂતકાળને ભૂલી શકાય?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
થોડાં અઠવાડિયાં પહેલાં ફિલ્મ આવી હતી 'મર્દાની'. આ ફિલ્મમાં બહુ જ સંવેદનશીલ અને આઘાતજનક ઘટનામાંથી પસાર થઈ રહેલી ટીનેજ ગર્લની સામે એક નાનકડી કેક ઉપર સળગતી કેન્ડલ રાખીને એવું કહેવામાં આવે છે કે, ફૂંક માર અને આગળ વધ. આ જ જિંદગી છે.
એ સીન યાદ કરીને અનેક વખત એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે એવી કેટલી બધી વાતોની ગાંઠ અને ભારનું પોટલંંુ માથે લઈને ફરતાં હોઈએ છીએ. શું આપણે એટલી સહજતાથી એ ભારને હળવો કરી શકીએ છીએ? શું આપણી રોજિંદી જિંદગી સાથે એટલી સહજતા જોડાયેલી છે? આપણે મનમાં ને મનમાં એ વાતને એટલી ઘૂંટયે રાખીએ છીએ કે એ કાળાશ ક્યારે આપણાં દિલની કડવાશ બની જાય છે એની આપણને ખબર સુધ્ધાં નથી રહેતી.
એક જ્ઞાાતિના મોભીની વાત કરવાનું મન થાય છે. એમનું નામ રમણિકભાઈ. એમની નાતમાં રમણિકભાઈની સલાહ એટલે શિરોમાન્ય. એ જેમ કહે એમ મોટાભાગના લોકો માને. કેટલાંય લોકોના પ્રોબ્લેમ્સને એ સાંભળે, સોલ્વ કરે, નિષ્પક્ષ રહીને સલાહ આપે. ફરિયાદ લઈને આવનારી વ્યક્તિ પોતાની સગી દીકરી હોય કે પછી સગો ભાઈ હોય એમનો નિર્ણય કદીય બાયસ ન હોય. એક દિવસ મેં એમને પૂછયું કે, આ બધા પ્રોબ્લેમ્સ તમારી સમક્ષ આવે ત્યારે તમે કોઈની વિરુદ્ધમાં કંઈ બોલો તો કોઈ તમને કંઈ બોલતું નથી?
એમણે કહ્યું, કોઈ પણ વ્યક્તિ એનો પ્રોબ્લેમ લઈને આવે એટલે મારું દિલ કહે અને પ્રેક્ટિકલી બુદ્ધિ જેમાં સહમતિ આપે એવી વાત હું સામેવાળાને કહું છું. આ કારણથી જ અનેક લોકોની વિરુદ્ધમાં બોલું છું ત્યારે આંખે થઈ જાઉં છું. એ લોકો મને જેમતેમ બોલી દે છે. કેટલાંય લોકો મને જિંદગી આખી નહીં બોલાવવાના સોગંદ પણ લઈ લે છે.
આવી વાત બને ત્યારે એ વાતને એટલી જલદીથી ખંખેરી નાખું છું કે, જાણે કંઈ બન્યું જ નથી. ઊલટું મારી સામે મારું જ ખરાબ બોલીને ગયેલી વ્યક્તિ ફરી વાર સામે મળે ત્યારે એકદમ પ્રેમથી એની સાથે વાત કરું છું. નહીં ગમતી વાતને માથા પરની ધૂળ હોય એમ મનમાંથી ખંખેરી નાખું એટલે નથી મનમાં કંઈ ભાર રહેતો કે નથી જાતને ખોટું બોલીને છેતરવી પડતી.
આપણી જિંદગીમાં આપણે કેટલી વખત આવું કરી શકીએ છીએ? કે પછી એક પણ વખત આવો પ્રયાસ કરી જોઈએ છીએ? સાચી વાત એ છે કે અણગમતી વાતોનો ભંડાર બનાવવાની કોઈ જરૂર નથી હોતી. જિંદગી હંમેશાં આગળ વધતી રહેવાની છે. આપણે જ ઘણી વખત માનસિક રીતે એ નહીં ગમતી ઘટનામાંથી બહાર નથી આવી શકતા. એટલે જ આજમાં જીવી નથી શકતા. કોઈએ કહેલી વાતની અસર આપણા માથે એટલી બધી હાવી રહે છે કે, જે ખરેખર જિંદગીમાં કરવા જેવું હોય છે એ જ આપણે કરવાનું ભૂલી જઈએ છીએ.
સાચી વાત એ છે કે, ખરેખર અમુક ઘટનાઓ કે પ્રસંગો તો ફૂંક મારીને ભૂલી જવા જેવાં જ હોય છે, પણ એ આપણાંથી થતું હોતું નથી. આપણને આપણો જ સ્વભાવ નડી જાય છે. આપણો જ ઇગો આપણી સમજદારીની આડે આવી જાય છે. એટલે જ સમજદારી વાપરવાની હોય છે ત્યાં આપણે સ્વભાવગત વર્તનને રિપીટ કરીએ છીએ. કેટલીક પળો એવી બની જતી હોય છે જેની જ્યોતને ફૂંક મારીને ઓલવી દેવામાં જ ખરી જિંદગી સમાયેલી હોય છે. તમારી જિંદગીમાં આવી કેટલી પળ છે? જો એવી કોઈ પળ હોય તો તમે એને ફૂંક મારીને ભૂલી જવાનો પ્રયત્ન કરો છો ખરા?
(તા. 01 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
link of article : http://sandesh.com/article.aspx?newsid=2993236
jyotiu@gmail.com

No comments:
Post a Comment