Wednesday, 22 October 2014

આવો થોડો કકળાટ કાઢી લઈએ

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

આજે કાળી ચૌદશ છે. કેવું છે, આપણે એનું નામ બદલીને રૂપ ચૌદશ કરી નાખ્યું છે. આપણને 'કાળું' ગમતું નથી. આવતી કાલે દિવાળી એટલે વરસનો છેલ્લો દિવસ. જો તમને એમ કહેવામાં આવે કે, આ આખા વર્ષમાં થયેલી એક ઘટનાને તમે ભૂંસી અને ભૂલી શકો છો તો તમે કઈ ઘટનાને ભૂલી જાવ? હવે બીજી વાત, આખા વર્ષમાં એવી કઈ ઘટના છે જે તમે જિંદગીમાં ક્યારેય ભૂલવા ન ઇચ્છો. વેલ, તમને આમ કરતાં કોણ રોકે છે? બીત ગઈ સો બાત ગઈ એવું આપણે કહીએ છીએ, પણ ખરેખર એવું કરીએ છીએ ખરા? એક શાયરે સરસ લખ્યું છે, બેનામ સા યે દર્દ ઠહર ક્યૂં નહીં જાતા. જો બીત ગયા હૈ વો ગુજર ક્યૂં નહીં જાતા. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે નદીનું પાણી નથી કે પાછી આવે. તમને શું લાગે છે, એ પાછું આવતું હોય છે કે, આપણે એને પકડી રાખતાં હોઈએ છીએ? આપણે છોડીએ જ નહીં તો એ છટકવાનું કેવી રીતે?
આજે રાતે બધી જ બહેનો કકળાટ કાઢવા જશે. અડદની દાળનાં વડાં બનાવી શેરીના ચોકમાં જઈને કકળાટ કાઢશે. માત્ર અમુક સિબ્મોલિક વિધિ કરી દેવાથી કકળાટ નીકળી જાય છે? આટલી આસાનીથી 'કકળાટ' નીકળી જતો હોય તો તો આજે બધાં જ ઘર 'કકળાટ ફ્રી' હોત અને હા, કકળાટ કાઢવા જતી વખતે ઘરના વડીલો કહે છે કે, કકળાટ કાઢતી વખતે પાછું વળીને ન જોતા. આ વાતમાં કંઈક દમ લાગે છે. પાછું વળીને કેમ નહીં જોવાનું? કદાચ એટલા માટે હશે કે, આપણે પાછળ જ જોયે રાખતા હોઈએ છીએ. પાછળ જોનારાઓ આગળ નથી જોઈ શકતા. કાં પાછળ જોવાનું હોય છે કાં આગળ જોવાનું હોય છે. પાછળ જ જોતા રહેશો તો કકળાટ ક્યારેય નીકળવાનો નથી.
આજે એક પરિચિતની વાત કરવી છે. એમનું નામ મનોરમા. એને જ્યારે પણ મળવાનું થાય ત્યારે એના મોઢે બધાંની ફરિયાદો જ મળે. મારી નણંદે આવું કર્યું, મારી જેઠાણી મને આવાં મેણાં મારે છે, મારી સાસુને તો વતાવવા જેવી જ નથી. મારા વરને પણ એના ઘરના બધાં વહાલા છે. આવી વાતો કરીને પછી ઉદાહરણો જ આપે. આખી મુલાકાતમાં એકેય વાત એવી ન હોય જેનાથી એને કે સાંભળનારને હળવાશ લાગે. ઘણી વખત એવું થાય કે, આટલી બધી નેગેટિવિટી માણસમાં કેવી રીતે આવી જતી હશે? મનોરમા સાથે દલીલ કે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નહોતો, કારણ કે એણે બધા જ વિષયની એક દૃઢ છાપ બનાવી લીધી હતી. આમ છતાં એક દિવસ મનોરમાને પૂછી બેસાયું કે, "તું આ ચાર-પાંચ વ્યક્તિઓની વારંવાર વાતો અને ફરિયાદો કરે છે, પણ આજે મારે તારી પાસેથી જરાક જુદું જાણવું છે. તું આ ચારેય વિશે માત્ર એક એવી વાત કર જે સારી હોય." મનોરમાએ ખૂબ વિચાર કર્યો પણ એ જવાબ આપી શકી નહીં. એણે કહ્યું કે, "એ પરિવારજનોમાં મને તો કોઈ સારી વાત દેખાતી જ નથી."
મનોરમાને કહ્યું, "ઓકે, ફાઇન." હવે તું તારા વિશે એેક એવી વાત કર જેને એ ચારેય લોકો ખરાબ સમજતાં હોય. મનોરમાએ ફટ દઈને કહ્યું કે, "એ લોકોને તો મારી બધી જ વાત ખરાબ લાગે છે." મનોરમાનેે છેલ્લે એટલું જ કહ્યું કે, "તેં જે જવાબો આપ્યા છે એના ઉપર થોડોક વિચાર કરી જોજે એટલે તને તારાં દુઃખનું કારણ મળી જશે."
આપણે પોતે નેગેટિવ હોઈએ ત્યારે બધું નેગેટિવ જ લાગતું હોય છે. બધાં સોએ સો ટકા નેગેટિવ હોતા નથી, પણ થોડો ઘણો 'કકળાટ' બધાંમાં હોય જ છે. બસ, આ કકળાટ નીકળી જાયને તો આપણને અઘરી લાગતી જિંદગી હળવી થઈ જાય. સપરમાં દહાડે ઘરના ખૂણેખૂણામાંથી આપણે કચરો અને ધૂળજાળાં કાઢીએ છીએ, પણ જો મન મેલું હશે તો ચોખ્ખાઈમાં પણ ઉજાસ લાગવાનો નથી. જ્યાં ઉજાસ ન હોય ત્યાં ઉલ્લાસ ક્યાંથી આવવાનો?
(તા. 22 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

No comments:

Post a Comment