Tuesday, 6 January 2015

લગ્ન થાય એટલે સપનાં જોવાનું છોડી દેવાનું?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

દરેક વ્યક્તિના જીવનમાં 
લગ્ન બાદ એક નવી લાઇફ શરૂ થતી હોય છે. 
આ નવી જિંદગીમાં એક વ્યક્તિ 
સતત રિબાતી હોય ત્યારે શું કરવાનું?

લગ્ન થવાની ઉંમરની દરેક યુવતીએ કે યુવકે નવી જિંદગીમાં અનેક સપનાં જોયાં હોય. એરેન્જ્ડ મેરેજ હોય કે લવ મેરેજ એક નવી વ્યક્તિ સાથે એક ઘરમાં રહેવાથી માંડીને અનેક એડજસ્ટમેન્ટ કરવાનાં આવે છે. આ વાત બંને પક્ષે એટલી લાગુ પડે છે. મોટાભાગે સ્ત્રીઓના પક્ષે એવું કહેવાય છે કે એ પોતાનાં મૂળિયાંસોતી નવી જગ્યાએ પોતાના નવા અસ્તિત્વને જીવવા માંડે છે.
દોઢેક વર્ષ પહેલાં પરણેલી શીતલ અત્યારે ડિપ્રેશનમાં છે. પોતે સેવેલાં સપનાં એક પછી એક તૂટી રહ્યાં છે. એ પીડા એને એટલી સતાવે છે કે એને કંઈ રસ્તો સૂઝતો નથી. બહુ લાંબો લાંબો ઈ-મેઇલ કરીને એણે પોતાની વાત વ્યક્ત કરી છે.
શીતલ લખે છે કે, મારાં લગ્ન મા-બાપની મરજીથી થયાં છે. પતિ પોતાનો બિઝનેસ કરે છે. પતિ ઓફિસે જાય એ પછી હું અને મારાં વિધવા સાસુ બંને એકલાં ઘરમાં હોઈએ. લગ્ન થયાં કે લગભગ બીજા જ દિવસથી મારાં સાસુએ મારા માથે ઘરની જવાબદારી નાખી દીધી. એ જવાબદારીનો મને કોઈ અફસોસ નથી, પણ એ બધી જવાબદારીઓ મારે એમની શરતો-નિયમો પ્રમાણે નિભાવવાની. મારું મગજ નહીં દોડાવવાનું.કિચનથી માંડીને કોઈ પણ જગ્યાએ મને સ્વતંત્રતા નથી લાગતી.
લગ્ન પહેલાં મેં કહેલું કે, મને નોકરી કરવી છે. એ સમયે તો મને હા કહેલી, પણ હવે એવું કહીને ટાળે છે કે, આપણાં ઘરની વહુ નોકરી કરે તો સમાજમાં સારું ન લાગે. ઘરમાં કયાં કપડાં પહેરવાં, ટીવી ઉપર કયાં કાર્યક્રમો જોવા, કોની સાથે કેવી રીતે વાત કરવી, પતિનાં તમામ સગાંઓને શું કહેવું અને કેટલું કહેવું એનું પણ જાણે મને ટયુશન આપવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં તો મેં સહન કર્યું, પરંતુ થોડા જ મહિનાઓમાં મારો દમ ઘૂંટાવા લાગ્યો છે. મને કંઈ સારું નથી લાગતું. શીતલ કહે છે, મારી તમામ બહેનપણીઓ કે પિયરનાં સગાંઓ સાથે એક મર્યાદામાં રહીને વાત કરવાની. આ અને આવી અનેક બાબતોએ મને એક ચાવી દીધેલી જીવતીજાગતી વ્યક્તિ હોય એ રીતે ટ્રીટ કરવામાં આવે છે. મને થતી ગૂંગળામણ વિશે મેં મારા પતિને વાત કરી. તો એણે એટલું જ કહ્યું કે, મારી મમ્મીએ બહુ સ્ટ્રગલ કરીને મને ઉછેર્યો છે. હું એમની સામે કંઈ નહીં બોલી શકું. તું તારી રીતે એમને સમજાવ અને રસ્તો કરી લે.
એક સાંજે ચા પીતી વખતે મેં મારા મનની વાત સાસુને ખુલ્લા દિલે કહી. મારી વાત સમજવાને બદલે એ તો મારી માથે ઉકળી ઊઠયાં. એમનો ગુસ્સો જોઈને હું તો હેબતાઈ ગઈ. પતિ સાસુથી અલગ થવાનું તો સપનામાં પણ વિચારી શકે એમ નથી. હું એમની સાથે ગોઠવાઈ નથી શકતી. એમની રીતે જીવવાની રીતભાત મારામાં ઉતારી નથી શકતી. હવે અણગમાનો ગુણાકાર એટલો બધો વધી ગયો છે કે, સાસુ-પતિની કોઈ સારી વાત પણ મને ગમતી નથી.
માતા-પિતા સાથે વાત કરી તો એમણે કહ્યું કે, તને ન ફાવતું હોય તો પાછી આવી જા. શીતલ સ્પષ્ટપણે કહે છે કે, પતિ કે સાસુ બંને સાથે હું દિલથી કે લાગણીથી નથી જોડાઈ શકતી. સતત જીવ બળ્યે રાખે છે. મેં જે રીતે પતિ સાથે જિંદગી જીવવાના વિચાર કરેલા કે સપનાં સેવેલાં એમાંથી એક પણ સપનું પૂરું નથી થતું. પતિ સાથેની જિંદગીમાં કોઈ મોહ કે આકર્ષણ નથી લાગતું. મેં જે રીતે ધાર્યું હતું એ રીતે જિંદગી નથી વહી રહી.
શીતલને એવું લાગે છે કે એની પીડાનો કોઈ ઈલાજ નથી. ડિપ્રેશનમાં એ પોતાની જાત સાથે કંઈ કરી બેસશે એવી એને ચિંતા રહે છે. એ કહે છે, હું પતિથી છૂટી થઈને પિયર પાછી જતી રહું એવો વિચાર રોજ મનમાં આવી જાય છે. જો હું આવું કંઈ વિચારું તો કંઈ ખોટું વિચારું છું? આ એક સવાલ સાથે એ પોતાનો ઈ-મેઇલ પૂરો કરે છે. શું તમે એની આ વાત સાથે સહમત છો? 
(તા. 07 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 

No comments:

Post a Comment