ગમતું શહેર હોય ત્યાં સુખ હોય કે
પોતાની વ્યક્તિ હોય એ જ સુખ?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
પ્રેમ કરતા હોય એ વ્યક્તિ સાથે હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં માણસ જીવી લે. દરેક કપરી સ્થિતિ, દુઃખ કે પછી આકરા સંજોગો સામે પણ માણસ લડી લે. ફક્ત એક વ્યક્તિનો સાથ અને એ વ્યક્તિનો હાથમાં હાથ કાફી હોય છે. જેને દિલથી ચાહી હોય એ વ્યક્તિ માટે તમે કંઈ પણ કરી છૂટો એ વાતમાં બેમત નથી, પણ એ વ્યક્તિ જ ખુશ ન હોય ત્યારે કોઈ શું કરે? માણસ બધું જ કરી છૂટે છતાં એ વ્યક્તિ કોઈ પણ રીતે રાજી ન થાય ત્યારે છેવટે માણસ હારી બેસે અને એવું કહી બેસે કે, હવે તો મરી જાઉં તો થાય.
આવી જ પરિસ્થિતિની નજીક પહોંચેલો ગામડામાં રહેતો સુરેશ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. ગામડામાં રહે છે, પણ સુરેશે ઈ-મેઇલ દ્વારા તેની વ્યથા લખી મોકલી છે. સુરેશ સ્નાતક થયેલો યુવક છે. મા-બાપનો એકનો એક દીકરો છે. તેના પિતા પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે. સુરેશનાં લગ્નને હજુ દસ મહિના જ થયા છે. પોતાના ગામની નજીક આવેલા વિકસિત શહેરની યુવતી રીના સાથે બંનેનાં મા-બાપની મરજીથી લગ્ન લેવાયાં. સુરેશ કહે છે, મારી પત્ની એમએ થયેલી છે. એનો જન્મ ગામડામાં થયો છે, પણ તેનું ભણતર શહેરમાં થયું છે. સગાઈ અને લગ્ન વચ્ચે બહુ લાંબો ગાળો ન હતો એટલે અમે બંને ફોન ઉપર એકબીજાં સાથે વાતો કરતાં હતાં. સુરેશ ગામની શાળાનાં બાળકોને ભણાવે છે. જોકે, તેમાંથી ખાસ કોઈ આવક થતી નથી.
સુરેશ કહે છે, "લગ્ન થયાં ત્યારથી માંડીને રીના એના શહેરને બહુ મિસ કરે છે. એને ગામડાની લાઇફસ્ટાઇલ ફાવતી નથી. પંદર દિવસે મહિને એને શહેરમાં ફરવા ન લઈ જાઉં તો એ ખુશ નથી રહેતી. પિયર જવાની વાત આવે કે એના ચહેરા પર રોનક આવી જાય છે. જ્યારે ગામડે મતલબ કે સાસરે રહેવાની વાત આવે તો એના ચહેરાની લાલી જ ગાયબ થઈ જાય છે. સુરેશ લખે છે કે,રીના આખો દિવસ ગુમસૂમ રહે છે. મૂંઝાયેલી હોય એવું લાગે છે. હું તેને બહુ પ્રેમ કરું છું. મારાથી શક્ય હોય એટલા પ્રયત્નો કરીને એને ખુશ રાખવાની કોશિશ કરું છું, પણ એ ખુશ જ નથી રહેતી. અમારાં લગ્નના દિવસે એ એટલી સરસ તંદુરસ્ત દેખાતી હતી. હવે એની સામે જોઉં છું તો એમ લાગે છે કે, એને અંદર કંઈક ખાઈ રહ્યું છે.
સુરેશ પૂછે છે કે, "શું મારે એને મુક્તિ આપી દેવી જોઈએ?" ફક્ત શહેરમાં રહેવા નથી મળતું એ વાતે પત્નીને મુક્તિ આપી દેવી જોઈએ કે નહીં. આવો સવાલ સુરેશ કરે છે.
લગ્ન થયાં એ સમયે રીના હકીકતથી અજાણ તો નહોતી જ. ગામડે રહેવાનું છે. ત્યાં જ પતિ સાથે જિંદગી વિતાવવાની છે એ વાત પણ એને ખબર હતી. સામેના પાત્રને હા કે ના પાડતી વખતે એ વાતનો વિચાર ચોક્કસ કરવો જોઈતો હતો.
શહેરમાં રહેવા જવાના પ્રયત્નો સુરેશ કરે છે, પણ એને સારી નોકરી નથી મળતી એટલે એ પાછો પડે છે. શહેરમાં ગયા પછી સુખ અને ખુશી આવી જ જવાનાં છે એની કોઈ ખાતરી નથી. સુરેશ પત્નીને બહુ પ્રેમ કરે છે, પણ પત્ની ખુશ નથી રહેતી એટલે એ છોડી દેવા સુધીનો વિચાર કરી બેસે છે.
બધા જ દિવસો કદીય એકસરખા રહેવાના નથી. ધારો કે પત્નીને મુક્તિ આપી દીધા પછી શહેરમાં રહેવાનો ચાન્સ મળ્યો કે પછી ગામમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવી અને ગામનો વિકાસ થયો એ સમયે શહેર જેવા બની ગયેલા તમારા જ ગામમાં તમારી ગમતી અને ચાહો છો એવી પત્ની સાથે નહીં હોય તો એ સુખ તમને ખરેખર ખુશી આપનારું હશે?
લગ્ન કરવા આવનાર વ્યક્તિએ જો કોઈ જ ખોટા વાયદા ન કર્યા હોય, કોઈ હકીકતો ન છુપાવી હોય, એ વ્યક્તિ જ્યારે તમને ખરેખર પ્રેમ કરતી હોય તો પછી રીનાએ સચ્ચાઈને સમજીને પોતાની જાતને ત્યાં એડજસ્ટ થવા માટે એક ચાન્સ તો આપવો જ જોઈએ. સાચી વાત તો એ છે કે, દિલથી પ્રેમ કરતી હોય એવી વ્યક્તિ સાથે જિંદગી જીવવા મળે એ જ સૌથી મોટી વાત છે. શહેરનો મોહ સુખ નથી લાવી શકવાનો. શું સુરેશે એની પત્નીને મુક્તિ આપી દેવી જોઈએ કે પછી રીનાએ પોતાની જાતને એક ચાન્સ આપવો જોઈએ?
(તા. 21 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

No comments:
Post a Comment