Wednesday, 14 January 2015

કૂથલી કે ગોસિપ કરવી જોઈએ?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે, 
કંઈક નવું જાણવાનો કે કોઈ વાત કરવાનો. 
એ વાતચીત અને કૂથલી કે ગોસિપમાં ખરેખર 
સારાં-નરસાંનો ફરક તમે પારખી શકો છો ખરા?

કોઈની વાત કરવી કે કોઈના વિશે વાત કરવી, કોઈના વિશે વાતને ફેલાવવી કે કોઈની નિંદા કરવી આ તમામ વાક્યો અને તેના અર્થ ઘણા જુદા-જુદા છે. બહુ જ સહજપણે આપણે કોઈની વાત કરતાં હોઈએ છીએ, એટલી જ સહજતાથી આપણે કોઈના વિશે કંઈ પણ વાત કરી શકીએ છીએ. એ સહજતા આપણા સ્વભાવ સાથે એટલી વણાઈ ગઈ હોય છે કે, આપણને ખુદને અંદાજ નથી રહેતો કે આપણે કોઈના વિશે ગોસિપ કરીએ છીએ કે કોઈની નિંદા કરીએ છીએ. સામાન્યપણે તો એવું કહેવામાં આવે છે કે, ગોસિપ કરવી એ તંદુરસ્ત સ્વભાવ માટે સારી વાત છે, પણ તંદુરસ્ત ગોસિપ કરવાનું કોણ નક્કી કરે?
કોઈ વ્યક્તિ એવું કહે કે, મને ગોસિપ, કૂથલી કે ખટપટ કરવી ગમે જ નહીં. આપણો સ્વભાવ તો સીધો ને સટ્ટ છે, તો આ વાતમાં સહેજપણ તથ્ય નથી. કોઈ માણસ વાત કર્યા વગર કે પોતાની સાથે જોડાયેલા-સંકળાયેલા લોકો વિશે વાત જાણવા કે કરવા ન માગતો હોય એ શક્ય જ નથી. જો એ વ્યક્તિને ખરેખર એવું કંઈ ન ગમતું હોય તો એ વિદ્વાન અને સાધુની કક્ષામાં આવે. આપણી આસપાસ જિવાતી અને ધબકતી જિંદગીમાંથી બહુ ઓછા લોકો આવા નીકળે છે.
ભૂલેચૂકેય જો તમે કોઈને એવું કહી દીધું કે આ વાત કોઈને કહેતાં નહીં, બસ આવી બન્યું. એ વાત સૌથી વધુ ફેલાવાની છે. તમે કોઈ અંગત વ્યક્તિને પોતાની વાત કે સિક્રેટ એક લાગણીની પળે કે શેર કરવાના ભાવથી કહી દીધું, પછી તમારું એ સત્ય કે સિક્રેટ કેટલું ટકે છે એ સામેવાળી વ્યક્તિની સમજદારી અને વિવેકીપણાં ઉપર આધારિત રહે છે. વળી, દરેક વ્યક્તિની તમારા સિવાયની એક નહીં અનેક અંગત વ્યક્તિ હોવાની. એ વાત વહેલી મોડી ક્યાંક તો બહાર આવીને ઓપન સિક્રેટ બની જ જવાની છે. સિવાય કે તમે ભરોસો મૂકેલી વ્યક્તિ ખરેખર જો તમારા સ્વભાવની ગરિમાને જાણતી અને સમજતી હોય તો વાત સાવ જુદી જ છે.
બેઝિકલી, વાત શેર કરવી અને કોઈ વાતની કે કોઈ વ્યક્તિ વિશે ગોસિપ કરવી કે પછી કોઈ વ્યક્તિની કૂથલી કરવી આ તમામમાં કંઈ ખોટું નથી. ઘણાં લોકોનો સ્વભાવ જ એવો હોય કે પોતાની વાત બધાં જ લોકોને કહી દે, તો વળી કોઈના પેટમાંથી કોઈ વાત કઢાવવી એ પણ અઘરું કામ બની જાય છે. બધી વાત કહેનારને આપણે ભડભડિયાનું ઉપનામ આપી દઈએ છીએ અને કોઈ પોતાના મનની વાત કળાવા ન દે એને સહજતાથી આપણે મીંઢાનું મહોરું લગાવી દઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાના પૂરતી ગોસિપ કરી જ લેતી હોય છે. ગોસિપ કરવામાં કંઈ ખોટું નથી, પણ એ ગોસિપની વાત મજાક કે મશ્કરી સુધી જળવાઈ રહે તો ઠીક છે. નિર્મલ આનંદ માટેની ગોસિપ હોય તો કોઈ પણ વ્યક્તિ માટે એ સારી વાત હોઈ શકે. એ ગોસિપ ક્યારે નિંદાનું સ્વરૂપ લઈ લે છે એની આપણને ખુદને ખબર નથી રહેતી. સાંભળેલી વાતમાં બે વાત વધુ ઉમેરીને વાતને સાવ જુદા જ સ્વરૂપે મૂકી દેવાથી કદીય કોઈનું ભલું થયું નથી. પછી આપણે એટલી સહજતાથી કહી દઈએ છીએ કે, ભઈ મેં તો આવું સાંભળ્યું છે, બાકી સાચું-ખોટું તો ઉપરવાળો જાણે.
ઘણી વાર તો આવી કહેલી અને સાંભળેલી વાત પરથી જ આપણે સામેવાળી વ્યક્તિનો સ્વભાવ આંકી લઈએ છીએ. સાંભળેલા શબ્દો પરથી એ વ્યક્તિનું શબ્દચિત્ર મળ્યા વગર મનમાં ઘર કરી જાય છે. પછી એ વ્યક્તિ જ્યારે આપણને મળે, આપણે એને જાણીએ ત્યારે એ બધા જ ભ્રમ ભાગી જતાં હોય છે કે પછી એ સાંભળેલી વાતો વધુ દૃઢ બની જાય છે. હકીકત એ છે કે, કોઈને જોયા, મળ્યા કે જાણ્યા વગર એના વિશે કોઈ મત બાંધી લેવો એ તમારી બહેરી સમજ વ્યક્ત કરે છે.
વાત જાણવા માટે કોઈ વાત સાંભળવી એ વાત કૂથલીનું સ્વરૂપ લઈ લે ત્યારે એને અટકાવવી એ કદાચ દરેક વ્યક્તિની સમજદારીનો અરીસો છે. તમે રોજ એ અરીસા પરથી ધૂળ લૂછો છો કે તમારી સમજદારી પરથી ધૂળ ખંખેરો છો?  
(તા. 14 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 

No comments:

Post a Comment