Tuesday, 27 January 2015

કંઈ જ કાયમી નથી છતાં પણ...

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

જિંદગીમાં ખરાબ દિવસો આવે ત્યારે 
વડીલો એવું કહે છે કે,
આ દિવસો પણ ચાલ્યા જવાના છે. 
કંઈ જ કાયમી નથી રહેવાનું 
છતાં આપણે કંઈ ભૂલી કે છોડી શકતાં નથી

એક મિત્રનું વોટ્સ એપ સ્ટેટસ વાંચ્યું, નથિંગ ઇઝ લાઇફટાઇમ...
એકદમ સરળ અને સહજ રીતે કહેવાયેલી સાચી વાત. કંઈ જ જિંદગીભર માટે નથી. સમય બદલાય તેમ તેમ ઘણું બધું બદલાઈ જતું હોય છે. સમય અને સંજોગો બદલાય એ પ્રમાણે તમારી સાથે જોડાયેલા તમામ સંબંધોના સ્વરૂપથી માંડીને ઘણું બધું બદલાઈ જતું હોય છે. કોઈ પણ સંબંધમાં જરા સરખી કડવાશ આવે એટલે સમજુ અને સંવેદનશીલ માણસને તરત જ એવું થાય કે, આ બદલાવ કેવી રીતે આવ્યો? જે સંબંધમાં કદીય કંઈ નહીં થાય એ સંબંધ જરા સરખો ડિસ્ટર્બ થાય એટલે આપણે હલી જઈએ છીએ.
આ સ્ટેટસ જેણે મૂક્યું છે એ મિત્રની જ વાત કરું. બહુ નાની ઉંમરે એની સગી મા અવસાન પામી. નવી મમ્મીએ એને ઉછેરી. ખાસ કોઈ હેરાનગતિ વિના એ નવી મમ્મી પાસે મોટી થઈ. એ નવી માને પણ પોતાનાં સંતાનો થયાં. જેને આ મિત્ર પોતાનાં સગાં ભાઈ-બહેનની માફક પ્રેમ કરે છે. હજુ ટીન એજમાં કંઈ સમજ આવે એ પહેલાં એના પપ્પા અવસાન પામ્યા. ભણતાં ભણતાં જ એને પરિવારની જવાબદારી નિભાવતાં આવડી ગઈ. પોતાની પસંદગીથી લગ્ન કર્યાં તો જીવનસાથી સાથે ન જામ્યું. સાસરેથી પાછી આવી તો નવી મમ્મીનો એટિટયૂડ બદલી ગયો. એક દિવસ બહુ હદ થઈ ત્યારે મધરાતે એણે પહેરેલાં કપડે મમ્મીનું ઘર છોડી દીધું. એક મુસીબતમાંથી બહાર આવે કે, બીજી મુસીબતની એન્ટ્રી થઈ જ ગઈ હોય. દર વખતે એની વાત સાંભળીને અને જાણીને એમ લાગે કે આ બહેનપણીની હવે હિંમત નહીં ટકે. હવે એ તૂટી જશે, પણ વાતો કરીને હળવી થઈ જાય ફરી પાછી મુસીબતો સામે ટક્કર લેવા માટે તૈયાર થઈ જાય. આ અને એના જેવા કેટલાંય લોકો ઓલમોસ્ટ તૂટી જવાના આરે પહોંચેલા હોય છતાં ટકી રહે છે. શા માટે?
કદાચ આ બધાંને ટકાવી રાખે એવું એક તત્ત્વ છે પોતાના ઉપરની શ્રદ્ધા. ધર્મ સાથે જોડાયેલી આસ્થામાં ન પડીએ, પણ બધા લોકોને એક વાતની તો ખબર જ હોય છે કે, કંઈ જ કાયમી નથી રહેવાનું. સમજવાની વાત એ જ છે કે, આપણને સુખ હોય ત્યારે એ વાતનો સહેજે વિચાર નથી આવતો કે, આ સુખ પણ કાયમી નથી રહેવાનું, પણ દુઃખ પડે કે કપરા સંજોગો આવે ત્યારે આપણને એમ થાય છે કે આ હું જ શા માટે? મારી માથે જ દુઃખનો પહાડ કેમ તૂટી પડયો? આ સંજોગોમાં આપણે ફરિયાદ કરવા માંડીશું, પણ એવું નથી સમજી શકતાં કે આ પણ કાયમી નથી રહેવાનું. કોઈ બહુ દુઃખી હોય અને તમે આવી વાત કરો કે, આ દુઃખ અને ઘડી પણ જિંદગીભર નથી રહેવાની, તો કદાચ એ સામેવાળી વ્યક્તિ તમારી માથે તાડૂકી ઊઠશે કે, હું દુઃખી છું અને તને ફિલસૂફી સૂઝે છે.
જે વ્યક્તિ દુઃખી હોય, ડિસ્ટર્બ હોય એના નજરિયાથી વાતને જુઓ તો કંઈ જ ખોટું ન લાગે. છતાંય હકીકત એ છે કે સંજોગો સુખના હોય કે દુઃખના ક્યારેય લાઇફટાઇમ નથી રહેવાના. જે વસ્તુ જિંદગીભર માટે રહેવાથી ન હોય એ વાત પાછળ દુઃખી થવાથી તમે તમારી ખુશીની પળો કે વર્તમાન સમયને પણ કેટલો ગુમાવો છો એની તમને ખબર નથી રહેતી.
આર્િથક નુકસાની વેઠવી પડે ત્યારે કે અચાનક નોકરી જતી રહે ત્યારે કે પછી ધારેલું પરિણામ ન મળે ત્યારે નિષ્ફળતા આપણી માથે હાવી થઈ જાય છે. અપેક્ષા હોય એ લોકોને શું જવાબ આપશું? જે લોકોની જવાબદારી તમારી માથે છે એ લોકો શું વિચારશે?આ અને આવા અનેક સવાલોની ચિંતા મનને કોરી ખાય છે.
ઘણી વખત તો તમારી સાથે જોડાયેલાં લોકોનાં એક-બે વાક્યો કે વાત તમને તાકાત આપી દે, તો કોઈ વખત જરા સરખો સહારો એવું પ્રતીત કરાવે છે કે, કંઈ જ જિંદગીભર નથી રહેવાનું. સતત બદલતાં રહેવું એ જિંદગી અને સમયનો સ્વભાવ છે. પ્રોબ્લેમ ત્યારે જ આવે છે કે, સતત બદલતા રહેતા આ સંજોગો અને સમય સાથે આપણે બદલી નથી શકતા. જે દુઃખ કે ખરાબ સમય છે એ જિંદગીભર નથી રહેવાનો એની સમજ કેળવી લઈએ તો ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ જાય, તો હવે તમે જિંદગીની કપરી ઘડીને કઈ રીતે લેશો?
(તા. 28 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 

No comments:

Post a Comment