કેટલાં ઘર ચાચરના ચોક જેવાં હોય છે?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
ચાચરના ચોકવાળી, વાઘ અસવાર છે, મોઢું સોહામણું ને સોળે શણગાર છે. ચાચરના ચોકમાં માતાજીને ભજવાના દિવસો કાલથી શરૂ થાય છે. નવ દિવસ સુધી દરેક લોકો માતાજીનો મહિમા ગાશે. આપણે દૈવી શક્તિને પૂજતા આવ્યાં છીએ પણ ખરેખરી શક્તિને આપણે પૂજીએ છીએ ખરાં?
સવાલ એ થાય કે, આ ખરી શક્તિ એટલે કોણ?
આપણાં ઘરમાં, સમાજમાં અને સંસારમાં ખરેખર સ્ત્રીઓને શક્તિ જેટલું સન્માન મળે છે ખરું? જો હા તો પછી કેમ હજુ સ્ત્રીઓને રાત્રે અંધારું થાય પછી બહાર નીકળતા ડર લાગે છે? કેમ હજુ ઘણી સ્ત્રીઓની હાલત પગમાં બેડીઓ બાંધીને ઘરની ચાર દીવાલો વચ્ચે પૂરી દેવાયેલા પંખી જેવી છે? એવાં પંખી જેને ઊડવું છે પણ આકાશ નથી. પાંખો છે પણ પાંખ ફેલાવવાની પરવાનગી નથી. આવી સિસકતી કેટલીયે શક્તિઓ રૃંધાઈ જાય છે ત્યારે કેમ કોઈને ચાચરનો ચોક યાદ આવતો નથી? આપણે ગાઈએ છીએ કે, કુમકુમનાં પગલાં પડયાં, પણ એ કુમકુમનાં પગલાં અને લોહીનાં લાલ પગલાંમાં આપણને કેમ કંઈ ભેદ નથી વર્તાતો?
આજે યાદ આવે છે એક છોકરી, એનું નામ હતું અનુ. એને ભણવું હતું. એનાં મા-બાપ એવું કહેતા હતાં કે, બહુ ભણવું નથી. આપણી નાતમાં વધુ ભણેલાં છોકરાંઓ મળતાં નથી. ભણીશ તો વળી પાછું તને તારા લેવલનો છોકરો જોઈશે. અનુએ કહ્યું કે, લગ્નની બાબતમાં કે પાત્રની પસંદગીમાં કંઈ નહીં બોલું. તો પણ એને ફરમાન સુણાવી દેવાયું કે નહીં એટલે નહીં. એ છોકરી બધાં પરિવારજનોને અને સગાં-સંબંધીઓને રીતસર કરગરતી હતી કે, મમ્મી-પપ્પાને સમજાવોને. કોઈએ ન સમજાવ્યું. એના ઘરમાં રોજ માતાજીની પૂજા થતી હતી. કુળદેવીને ભજતાં પિતાને એક પણ વખત દીકરીની શક્તિ ઉપર ભરોસો ન આવ્યો.
કેટલા બધા કિસ્સા રોજે રોજ અખબારના સમાચાર બનીને રહી જતાં હોય છે. હજુ પણ એવા લોકોની સંખ્યા ઓછી નથી કે જેઓ પહેલા ખોળે દીકરો જ ઇચ્છે છે. હજુ થોડા સમય પહેલાં જ એક સમાચાર વાંચ્યા હતા કે, રાજસ્થાનમાં એક પરિવારના ઘરે પહેલી દીકરી આવી ત્યારે થાળી વગાડીને એનું સ્વાગત કરાયું હતું. આ સમાચારથી ખુશ થવું કે દુઃખી થવું એ નક્કી કરી શકાતું નથી. ભેદ તો હજુ છે જ. આવું કરીને આપણે સુધારાવાદીનો ઢંઢેરો નથી પીટતાં? જે સહજ અને સ્વાભાવિક હોવું જોઈએ એ આટલું બધું સ્પેશિયલ કેમ થઈ જાય છે? દીકરી મા કે બાપને અગ્નિસંસ્કાર આપે તો તેને મિશાલ સમજવામાં આવે છે. એને આપણે સહજતાથી તો લઈ જ નથી શકતાં.
શક્તિની પૂજા માત્ર નવ દિવસ ન હોય. આ નવ દિવસ અને એક વુમન્સ ડે એમ દસ દિવસ આપણે સ્ત્રીની શક્તિ અને ભક્તિને ઊજવીએ છીએ. બાકીના ૩૫૫ દિવસનું શું? ક્યારેય એવું લાગે છે કે શક્તિને સમજવામાં આપણે ક્યાંક ચૂક કરીએ છીએ? જાણેઅજાણે શક્તિની લાગણીને ઠેસ પહોંચાડતાં હોઈશું ત્યારે માતાજી કે દેવીના દિલને ઠેસ નહીં પહોંચતી હોય?
રક્ષણના નામે આપણે કેટલી બધી વાર આપણી નજીકની શક્તિઓને જ અન્યાય કરતાં હોઈએ છીએ? એક વાહિયાત વાત વરસોથી સાંભળતાં આવીએ છીએ કે, નવરાત્રિ પછી એબોર્શનના કિસ્સાઓ વધી જાય છે. એ સમયે પણ વાંક તો સ્ત્રી કે દીકરીનો જ આવે છે. જેણે આવું કર્યું હોય છે એની તરફ કેમ કોઈ આંગળી નથી ચીંધતું? બધી જ ભૂલ છોકરીઓના નામે જ ચડાવી દેવાની? દિલ્હી જેવી કોઈ મોટી ઘટના બને ત્યારે આપણે મીણબત્તીઓ સળગાવીને મન મનાવી લઈએ છીએ. હકીકતે તો દિલમાં દીવા પ્રગટાવવાની જરૂર છે. આવાં પર્વ આપણને શક્તિની થોડીક નજીક લઈ જાય તો પણ એ વાત નાનીસૂની નહીં હોય.
(તા. 24 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)
jyotiu@gmail.com

No comments:
Post a Comment