Thursday, 31 December 2015
Monday, 28 December 2015
Thursday, 24 December 2015
Wednesday, 16 December 2015
Thursday, 3 December 2015
Tuesday, 17 November 2015
વાચા બાદ મારું બીજું પુસ્તક 'તારે મન મારે મન' પ્રકાશિત થઈ ચૂક્યું છે.
બાળપણના સહાધ્યાયીઓના હસ્તે પુસ્તક વિમોચન. આજથી ત્રણ દાયકા અગાઉ મારી સાથે રાજકોટની શ્રી કે.જે.કોટેચા સ્કૂલમાં અભ્યાસ કરનાર 26 મિત્રોનું ગેટ ટુ ગેધર શનિવાર, 14 નવેમ્બર, 2015 અને બાળદિન નિમિત્તે રાજકોટના રિજન્સી લગૂન રિસોર્ટમાં યોજાયું હતું. આ મિત્રોના હાથે મારાં બીજા પુસ્તક 'તારે મન મારે મન'નું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં દોસ્તીના દાવે જાણીતા લેખક Jay Vasavada હાજર રહ્યા હતા. જયે દોસ્તી વિશે દિલથી વાતો કરી જે તમામને સ્પર્શી ગઈ. થેંક્યુ જય. 'વાચા' પછીનું મારું બીજું પુસ્તક 'તારે મન મારે મન' નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયું છે.
Book is available online, here are links,
http://www.amazon.in/dp/9351981142
http://www.dhoomkharidi.com/tare-man-mare-man-gujarati-book
Tuesday, 3 February 2015
સ્ત્રીઓ સાથેનો વહેવાર
અને સંસ્કૃતિનો સંબંધ
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
ઘર, પરિવાર, ઓફિસ કે પછી જાહેરજીવનમાં
તમે સ્ત્રીઓ સાથે કેવો વહેવાર કરો છો
તેના પર કદીય વિચાર કર્યો છે ખરો
એક વખત બગીચામાં ફરતાં ફરતાં બાદશાહ અકબરને બીરબલે કહ્યું કે, "બાદશાહ તમને ખબર છે એકવીસમી સદીમાં સ્ત્રીઓનું રાજ હશે."
પલકવાર અટકીને બાદશાહે બીરબલને કહ્યું, "એમ, એકવીસમી સદીમાં પણ!"
જે ઘરમાં સ્ત્રીઓનું જોર હોય કે સ્ત્રીઓને પૂછયા વગર કંઈ થતું ન હોય ત્યાં આ વાત અને આ જોકનો ઉપયોગ બહુ છૂટથી થાય છે. બહુ બહુ તો વિમેન્સ ડેના આ વાતને યાદ કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ બનેલા અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ સ્ત્રીઓ સાથેના વ્યવહારની વાત કરી હતી.
ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપવાથી માંડીને રાજપથ પર યોજાયેલી પરેડમાં સ્ત્રી સૈનિકોની ટુકડીએ આગેવાની કરી હતી. આ ઘટનાઓ જોયા બાદ અમેરિકી પ્રેસિડેન્ટે એક વાત કહી કે, મારી ભારતની ટ્રિપમાં સૌથી વધુ યાદગાર વાત રહી હોય તો એ ગાર્ડ ઓફ ઓનરની કમાન્ડિંગ ઓફિસર કોઈ સ્ત્રી હતી. ભારતમાં સરકારી ક્ષેત્રોથી માંડીને અનેક જાહેર ક્ષેત્રોમાં સ્ત્રીઓ દેખાય છે. જે દેશની સ્ત્રીઓ પ્રગતિ કરે છે, જે દેશમાં છોકરીઓ શાળાએ ભણવા જાય છે એ દેશની પ્રગતિ પરફેક્ટ થાય છે. છોકરીઓને ભણવાની તક મળે એ જોવાની જવાબદારી એના પરિવારજનોની છે. કોઈ પણ દેશમાં સ્ત્રીઓ સાથે કેવો વર્તાવ કરવામાં આવે છે તેના પર દેશની પ્રગતિનો આધાર છે.
જે વાત દેશ માટે લાગુ પડે છે એ નાનકડાં ઘરને પણ એટલી જ લાગુ થાય છે. નાની-નાની વાતોથી જ કોઈ ચિનગારી કે ક્રાંતિ થતી હોય છે. કોઈ પણ ઘરની વ્યવસ્થાની માંડીને તમામ ચીજો, પરિવારજનોના ટાઇમિંગ્સ, બધાંની ખાણી-પીણીનો સમય સાચવવા જેવી અનેક નાની ગણાતી વાતોનો આધાર પરિવારની મેઇન સ્ત્રી પર રહેલો છે. જરા તમારી આસપાસનાં ઘરોનો કે પછી તમારા ઘરમાં તમારી સાથે જીવતી સ્ત્રીઓનું તમારી જિંદગીમાં શું મહત્ત્વ છે એનો જરા એક વખત વિચાર કરજો. ઘણું બધું સમજાઈ જશે. મોટાભાગના લોકો કંઈકેટલીય વખત પરિવારની દરેક ઉંમરની અને અલગ અલગ સંબંધોમાં જોડાયેલી સ્ત્રીઓને ટેકન ફોર ગ્રાન્ડેટ લઈ લેતાં હોય છે. વાસ્તવિકતા ત્યારે સમજાય છે જ્યારે એ સ્ત્રીપાત્રો તમારાથી દૂર થઈ ગયાં હોય છે. કોઈ વખત તો એટલી દૂરી થઈ ગઈ હોય છે કે એ સ્ત્રીને તમે થેંક યુ કે સોરીના બે શબ્દો પણ વ્યક્ત કરી શકવાની પરિસ્થિતિમાં નથી હોતા.
ઘર-પરિવારની બહાર ઓફિસમાં પણ સાથે કામ કરતી સ્ત્રીઓ સાથે પણ તમે કેવી રીતે વર્તો છો એનો પણ કોઈ વખત વિચાર કરવો જોઈએ. કેટલાંય કિસ્સાઓમાં તો એવું બને છે કે, ઘરમાં સાથે જીવતી સ્ત્રીઓ સાથે ખરાબ રીતે વર્તો પણ ઓફિસમાં બહુ સજ્જનતાથી પેશ આવો છો. સ્ત્રીઓ સાથેના વર્તનમાં જ સંસ્કાર-સંસ્કૃતિની છબી પ્રતિબિંબિત થતી હોય છે.
કહેવાનો મતલબ એ જ છે કે, તમારી કે તમારા દેશની પ્રગતિ તમારા વ્યક્તિત્વ અને તમારા બીજા લોકો સાથેના વહેવાર સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન તો છે જ. આપણને એવું થાય કે દેશ માટે મારો કોઈની સાથેનો વહેવાર કેવી રીતે જવાબદાર હોય, પણ નાની નાની વાતોથી જ કોઈ મોટી ક્રાંતિને આકાર મળતો હોય છે. ઓબામાએ કહ્યું કે, "મારી પ્રગતિમાં મારી પત્ની મિશેલનો હાથ છે. મારી જીવનસંગિની બહુ સ્ટ્રોંગ મહિલા છે. મારા પરિવારની સ્ત્રી સશક્ત છે એ જ મારી તાકાત છે."
જે વાત મહાસત્તાના મોભી માટે સાચી છે એ જ વાત દરેક વ્યક્તિને પણ એટલી જ અસર કરે છે. ફરક માત્ર એટલો છે કે, એ સચ્ચાઈ આપણને બહુ જલદીથી સમજાતી નથી અને સમજાય છે તો પચતી નથી. મારા એકના વહેવાર કે વર્તનથી શું ફેર પડવાનો છે એ વાતનો વિચાર કરવા કરતાં એવો વિચાર ન કરી શકીએ કે મારા એકના વહેવાર કે વર્તનથી કોઈ એક વ્યક્તિને તો ખરેખર ફરક પડે છે!
(તા. 04 ફેબ્રુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
Tuesday, 27 January 2015
કંઈ જ કાયમી નથી છતાં પણ...
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
જિંદગીમાં ખરાબ દિવસો આવે ત્યારે
વડીલો એવું કહે છે કે,
આ દિવસો પણ ચાલ્યા જવાના છે.
કંઈ જ કાયમી નથી રહેવાનું
છતાં આપણે કંઈ ભૂલી કે છોડી શકતાં નથી
એક મિત્રનું વોટ્સ એપ સ્ટેટસ વાંચ્યું, નથિંગ ઇઝ લાઇફટાઇમ...
એકદમ સરળ અને સહજ રીતે કહેવાયેલી સાચી વાત. કંઈ જ જિંદગીભર માટે નથી. સમય બદલાય તેમ તેમ ઘણું બધું બદલાઈ જતું હોય છે. સમય અને સંજોગો બદલાય એ પ્રમાણે તમારી સાથે જોડાયેલા તમામ સંબંધોના સ્વરૂપથી માંડીને ઘણું બધું બદલાઈ જતું હોય છે. કોઈ પણ સંબંધમાં જરા સરખી કડવાશ આવે એટલે સમજુ અને સંવેદનશીલ માણસને તરત જ એવું થાય કે, આ બદલાવ કેવી રીતે આવ્યો? જે સંબંધમાં કદીય કંઈ નહીં થાય એ સંબંધ જરા સરખો ડિસ્ટર્બ થાય એટલે આપણે હલી જઈએ છીએ.
આ સ્ટેટસ જેણે મૂક્યું છે એ મિત્રની જ વાત કરું. બહુ નાની ઉંમરે એની સગી મા અવસાન પામી. નવી મમ્મીએ એને ઉછેરી. ખાસ કોઈ હેરાનગતિ વિના એ નવી મમ્મી પાસે મોટી થઈ. એ નવી માને પણ પોતાનાં સંતાનો થયાં. જેને આ મિત્ર પોતાનાં સગાં ભાઈ-બહેનની માફક પ્રેમ કરે છે. હજુ ટીન એજમાં કંઈ સમજ આવે એ પહેલાં એના પપ્પા અવસાન પામ્યા. ભણતાં ભણતાં જ એને પરિવારની જવાબદારી નિભાવતાં આવડી ગઈ. પોતાની પસંદગીથી લગ્ન કર્યાં તો જીવનસાથી સાથે ન જામ્યું. સાસરેથી પાછી આવી તો નવી મમ્મીનો એટિટયૂડ બદલી ગયો. એક દિવસ બહુ હદ થઈ ત્યારે મધરાતે એણે પહેરેલાં કપડે મમ્મીનું ઘર છોડી દીધું. એક મુસીબતમાંથી બહાર આવે કે, બીજી મુસીબતની એન્ટ્રી થઈ જ ગઈ હોય. દર વખતે એની વાત સાંભળીને અને જાણીને એમ લાગે કે આ બહેનપણીની હવે હિંમત નહીં ટકે. હવે એ તૂટી જશે, પણ વાતો કરીને હળવી થઈ જાય ફરી પાછી મુસીબતો સામે ટક્કર લેવા માટે તૈયાર થઈ જાય. આ અને એના જેવા કેટલાંય લોકો ઓલમોસ્ટ તૂટી જવાના આરે પહોંચેલા હોય છતાં ટકી રહે છે. શા માટે?
કદાચ આ બધાંને ટકાવી રાખે એવું એક તત્ત્વ છે પોતાના ઉપરની શ્રદ્ધા. ધર્મ સાથે જોડાયેલી આસ્થામાં ન પડીએ, પણ બધા લોકોને એક વાતની તો ખબર જ હોય છે કે, કંઈ જ કાયમી નથી રહેવાનું. સમજવાની વાત એ જ છે કે, આપણને સુખ હોય ત્યારે એ વાતનો સહેજે વિચાર નથી આવતો કે, આ સુખ પણ કાયમી નથી રહેવાનું, પણ દુઃખ પડે કે કપરા સંજોગો આવે ત્યારે આપણને એમ થાય છે કે આ હું જ શા માટે? મારી માથે જ દુઃખનો પહાડ કેમ તૂટી પડયો? આ સંજોગોમાં આપણે ફરિયાદ કરવા માંડીશું, પણ એવું નથી સમજી શકતાં કે આ પણ કાયમી નથી રહેવાનું. કોઈ બહુ દુઃખી હોય અને તમે આવી વાત કરો કે, આ દુઃખ અને ઘડી પણ જિંદગીભર નથી રહેવાની, તો કદાચ એ સામેવાળી વ્યક્તિ તમારી માથે તાડૂકી ઊઠશે કે, હું દુઃખી છું અને તને ફિલસૂફી સૂઝે છે.
જે વ્યક્તિ દુઃખી હોય, ડિસ્ટર્બ હોય એના નજરિયાથી વાતને જુઓ તો કંઈ જ ખોટું ન લાગે. છતાંય હકીકત એ છે કે સંજોગો સુખના હોય કે દુઃખના ક્યારેય લાઇફટાઇમ નથી રહેવાના. જે વસ્તુ જિંદગીભર માટે રહેવાથી ન હોય એ વાત પાછળ દુઃખી થવાથી તમે તમારી ખુશીની પળો કે વર્તમાન સમયને પણ કેટલો ગુમાવો છો એની તમને ખબર નથી રહેતી.
આર્િથક નુકસાની વેઠવી પડે ત્યારે કે અચાનક નોકરી જતી રહે ત્યારે કે પછી ધારેલું પરિણામ ન મળે ત્યારે નિષ્ફળતા આપણી માથે હાવી થઈ જાય છે. અપેક્ષા હોય એ લોકોને શું જવાબ આપશું? જે લોકોની જવાબદારી તમારી માથે છે એ લોકો શું વિચારશે?આ અને આવા અનેક સવાલોની ચિંતા મનને કોરી ખાય છે.
ઘણી વખત તો તમારી સાથે જોડાયેલાં લોકોનાં એક-બે વાક્યો કે વાત તમને તાકાત આપી દે, તો કોઈ વખત જરા સરખો સહારો એવું પ્રતીત કરાવે છે કે, કંઈ જ જિંદગીભર નથી રહેવાનું. સતત બદલતાં રહેવું એ જિંદગી અને સમયનો સ્વભાવ છે. પ્રોબ્લેમ ત્યારે જ આવે છે કે, સતત બદલતા રહેતા આ સંજોગો અને સમય સાથે આપણે બદલી નથી શકતા. જે દુઃખ કે ખરાબ સમય છે એ જિંદગીભર નથી રહેવાનો એની સમજ કેળવી લઈએ તો ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ જાય, તો હવે તમે જિંદગીની કપરી ઘડીને કઈ રીતે લેશો?
(તા. 28 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
Wednesday, 21 January 2015
ગમતું શહેર હોય ત્યાં સુખ હોય કે
પોતાની વ્યક્તિ હોય એ જ સુખ?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
પ્રેમ કરતા હોય એ વ્યક્તિ સાથે હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં માણસ જીવી લે. દરેક કપરી સ્થિતિ, દુઃખ કે પછી આકરા સંજોગો સામે પણ માણસ લડી લે. ફક્ત એક વ્યક્તિનો સાથ અને એ વ્યક્તિનો હાથમાં હાથ કાફી હોય છે. જેને દિલથી ચાહી હોય એ વ્યક્તિ માટે તમે કંઈ પણ કરી છૂટો એ વાતમાં બેમત નથી, પણ એ વ્યક્તિ જ ખુશ ન હોય ત્યારે કોઈ શું કરે? માણસ બધું જ કરી છૂટે છતાં એ વ્યક્તિ કોઈ પણ રીતે રાજી ન થાય ત્યારે છેવટે માણસ હારી બેસે અને એવું કહી બેસે કે, હવે તો મરી જાઉં તો થાય.
આવી જ પરિસ્થિતિની નજીક પહોંચેલો ગામડામાં રહેતો સુરેશ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. ગામડામાં રહે છે, પણ સુરેશે ઈ-મેઇલ દ્વારા તેની વ્યથા લખી મોકલી છે. સુરેશ સ્નાતક થયેલો યુવક છે. મા-બાપનો એકનો એક દીકરો છે. તેના પિતા પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે. સુરેશનાં લગ્નને હજુ દસ મહિના જ થયા છે. પોતાના ગામની નજીક આવેલા વિકસિત શહેરની યુવતી રીના સાથે બંનેનાં મા-બાપની મરજીથી લગ્ન લેવાયાં. સુરેશ કહે છે, મારી પત્ની એમએ થયેલી છે. એનો જન્મ ગામડામાં થયો છે, પણ તેનું ભણતર શહેરમાં થયું છે. સગાઈ અને લગ્ન વચ્ચે બહુ લાંબો ગાળો ન હતો એટલે અમે બંને ફોન ઉપર એકબીજાં સાથે વાતો કરતાં હતાં. સુરેશ ગામની શાળાનાં બાળકોને ભણાવે છે. જોકે, તેમાંથી ખાસ કોઈ આવક થતી નથી.
સુરેશ કહે છે, "લગ્ન થયાં ત્યારથી માંડીને રીના એના શહેરને બહુ મિસ કરે છે. એને ગામડાની લાઇફસ્ટાઇલ ફાવતી નથી. પંદર દિવસે મહિને એને શહેરમાં ફરવા ન લઈ જાઉં તો એ ખુશ નથી રહેતી. પિયર જવાની વાત આવે કે એના ચહેરા પર રોનક આવી જાય છે. જ્યારે ગામડે મતલબ કે સાસરે રહેવાની વાત આવે તો એના ચહેરાની લાલી જ ગાયબ થઈ જાય છે. સુરેશ લખે છે કે,રીના આખો દિવસ ગુમસૂમ રહે છે. મૂંઝાયેલી હોય એવું લાગે છે. હું તેને બહુ પ્રેમ કરું છું. મારાથી શક્ય હોય એટલા પ્રયત્નો કરીને એને ખુશ રાખવાની કોશિશ કરું છું, પણ એ ખુશ જ નથી રહેતી. અમારાં લગ્નના દિવસે એ એટલી સરસ તંદુરસ્ત દેખાતી હતી. હવે એની સામે જોઉં છું તો એમ લાગે છે કે, એને અંદર કંઈક ખાઈ રહ્યું છે.
સુરેશ પૂછે છે કે, "શું મારે એને મુક્તિ આપી દેવી જોઈએ?" ફક્ત શહેરમાં રહેવા નથી મળતું એ વાતે પત્નીને મુક્તિ આપી દેવી જોઈએ કે નહીં. આવો સવાલ સુરેશ કરે છે.
લગ્ન થયાં એ સમયે રીના હકીકતથી અજાણ તો નહોતી જ. ગામડે રહેવાનું છે. ત્યાં જ પતિ સાથે જિંદગી વિતાવવાની છે એ વાત પણ એને ખબર હતી. સામેના પાત્રને હા કે ના પાડતી વખતે એ વાતનો વિચાર ચોક્કસ કરવો જોઈતો હતો.
શહેરમાં રહેવા જવાના પ્રયત્નો સુરેશ કરે છે, પણ એને સારી નોકરી નથી મળતી એટલે એ પાછો પડે છે. શહેરમાં ગયા પછી સુખ અને ખુશી આવી જ જવાનાં છે એની કોઈ ખાતરી નથી. સુરેશ પત્નીને બહુ પ્રેમ કરે છે, પણ પત્ની ખુશ નથી રહેતી એટલે એ છોડી દેવા સુધીનો વિચાર કરી બેસે છે.
બધા જ દિવસો કદીય એકસરખા રહેવાના નથી. ધારો કે પત્નીને મુક્તિ આપી દીધા પછી શહેરમાં રહેવાનો ચાન્સ મળ્યો કે પછી ગામમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવી અને ગામનો વિકાસ થયો એ સમયે શહેર જેવા બની ગયેલા તમારા જ ગામમાં તમારી ગમતી અને ચાહો છો એવી પત્ની સાથે નહીં હોય તો એ સુખ તમને ખરેખર ખુશી આપનારું હશે?
લગ્ન કરવા આવનાર વ્યક્તિએ જો કોઈ જ ખોટા વાયદા ન કર્યા હોય, કોઈ હકીકતો ન છુપાવી હોય, એ વ્યક્તિ જ્યારે તમને ખરેખર પ્રેમ કરતી હોય તો પછી રીનાએ સચ્ચાઈને સમજીને પોતાની જાતને ત્યાં એડજસ્ટ થવા માટે એક ચાન્સ તો આપવો જ જોઈએ. સાચી વાત તો એ છે કે, દિલથી પ્રેમ કરતી હોય એવી વ્યક્તિ સાથે જિંદગી જીવવા મળે એ જ સૌથી મોટી વાત છે. શહેરનો મોહ સુખ નથી લાવી શકવાનો. શું સુરેશે એની પત્નીને મુક્તિ આપી દેવી જોઈએ કે પછી રીનાએ પોતાની જાતને એક ચાન્સ આપવો જોઈએ?
(તા. 21 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
Wednesday, 14 January 2015
કૂથલી કે ગોસિપ કરવી જોઈએ?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે,
કંઈક નવું જાણવાનો કે કોઈ વાત કરવાનો.
એ વાતચીત અને કૂથલી કે ગોસિપમાં ખરેખર
સારાં-નરસાંનો ફરક તમે પારખી શકો છો ખરા?
કોઈની વાત કરવી કે કોઈના વિશે વાત કરવી, કોઈના વિશે વાતને ફેલાવવી કે કોઈની નિંદા કરવી આ તમામ વાક્યો અને તેના અર્થ ઘણા જુદા-જુદા છે. બહુ જ સહજપણે આપણે કોઈની વાત કરતાં હોઈએ છીએ, એટલી જ સહજતાથી આપણે કોઈના વિશે કંઈ પણ વાત કરી શકીએ છીએ. એ સહજતા આપણા સ્વભાવ સાથે એટલી વણાઈ ગઈ હોય છે કે, આપણને ખુદને અંદાજ નથી રહેતો કે આપણે કોઈના વિશે ગોસિપ કરીએ છીએ કે કોઈની નિંદા કરીએ છીએ. સામાન્યપણે તો એવું કહેવામાં આવે છે કે, ગોસિપ કરવી એ તંદુરસ્ત સ્વભાવ માટે સારી વાત છે, પણ તંદુરસ્ત ગોસિપ કરવાનું કોણ નક્કી કરે?
કોઈ વ્યક્તિ એવું કહે કે, મને ગોસિપ, કૂથલી કે ખટપટ કરવી ગમે જ નહીં. આપણો સ્વભાવ તો સીધો ને સટ્ટ છે, તો આ વાતમાં સહેજપણ તથ્ય નથી. કોઈ માણસ વાત કર્યા વગર કે પોતાની સાથે જોડાયેલા-સંકળાયેલા લોકો વિશે વાત જાણવા કે કરવા ન માગતો હોય એ શક્ય જ નથી. જો એ વ્યક્તિને ખરેખર એવું કંઈ ન ગમતું હોય તો એ વિદ્વાન અને સાધુની કક્ષામાં આવે. આપણી આસપાસ જિવાતી અને ધબકતી જિંદગીમાંથી બહુ ઓછા લોકો આવા નીકળે છે.
ભૂલેચૂકેય જો તમે કોઈને એવું કહી દીધું કે આ વાત કોઈને કહેતાં નહીં, બસ આવી બન્યું. એ વાત સૌથી વધુ ફેલાવાની છે. તમે કોઈ અંગત વ્યક્તિને પોતાની વાત કે સિક્રેટ એક લાગણીની પળે કે શેર કરવાના ભાવથી કહી દીધું, પછી તમારું એ સત્ય કે સિક્રેટ કેટલું ટકે છે એ સામેવાળી વ્યક્તિની સમજદારી અને વિવેકીપણાં ઉપર આધારિત રહે છે. વળી, દરેક વ્યક્તિની તમારા સિવાયની એક નહીં અનેક અંગત વ્યક્તિ હોવાની. એ વાત વહેલી મોડી ક્યાંક તો બહાર આવીને ઓપન સિક્રેટ બની જ જવાની છે. સિવાય કે તમે ભરોસો મૂકેલી વ્યક્તિ ખરેખર જો તમારા સ્વભાવની ગરિમાને જાણતી અને સમજતી હોય તો વાત સાવ જુદી જ છે.
બેઝિકલી, વાત શેર કરવી અને કોઈ વાતની કે કોઈ વ્યક્તિ વિશે ગોસિપ કરવી કે પછી કોઈ વ્યક્તિની કૂથલી કરવી આ તમામમાં કંઈ ખોટું નથી. ઘણાં લોકોનો સ્વભાવ જ એવો હોય કે પોતાની વાત બધાં જ લોકોને કહી દે, તો વળી કોઈના પેટમાંથી કોઈ વાત કઢાવવી એ પણ અઘરું કામ બની જાય છે. બધી વાત કહેનારને આપણે ભડભડિયાનું ઉપનામ આપી દઈએ છીએ અને કોઈ પોતાના મનની વાત કળાવા ન દે એને સહજતાથી આપણે મીંઢાનું મહોરું લગાવી દઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાના પૂરતી ગોસિપ કરી જ લેતી હોય છે. ગોસિપ કરવામાં કંઈ ખોટું નથી, પણ એ ગોસિપની વાત મજાક કે મશ્કરી સુધી જળવાઈ રહે તો ઠીક છે. નિર્મલ આનંદ માટેની ગોસિપ હોય તો કોઈ પણ વ્યક્તિ માટે એ સારી વાત હોઈ શકે. એ ગોસિપ ક્યારે નિંદાનું સ્વરૂપ લઈ લે છે એની આપણને ખુદને ખબર નથી રહેતી. સાંભળેલી વાતમાં બે વાત વધુ ઉમેરીને વાતને સાવ જુદા જ સ્વરૂપે મૂકી દેવાથી કદીય કોઈનું ભલું થયું નથી. પછી આપણે એટલી સહજતાથી કહી દઈએ છીએ કે, ભઈ મેં તો આવું સાંભળ્યું છે, બાકી સાચું-ખોટું તો ઉપરવાળો જાણે.
ઘણી વાર તો આવી કહેલી અને સાંભળેલી વાત પરથી જ આપણે સામેવાળી વ્યક્તિનો સ્વભાવ આંકી લઈએ છીએ. સાંભળેલા શબ્દો પરથી એ વ્યક્તિનું શબ્દચિત્ર મળ્યા વગર મનમાં ઘર કરી જાય છે. પછી એ વ્યક્તિ જ્યારે આપણને મળે, આપણે એને જાણીએ ત્યારે એ બધા જ ભ્રમ ભાગી જતાં હોય છે કે પછી એ સાંભળેલી વાતો વધુ દૃઢ બની જાય છે. હકીકત એ છે કે, કોઈને જોયા, મળ્યા કે જાણ્યા વગર એના વિશે કોઈ મત બાંધી લેવો એ તમારી બહેરી સમજ વ્યક્ત કરે છે.
વાત જાણવા માટે કોઈ વાત સાંભળવી એ વાત કૂથલીનું સ્વરૂપ લઈ લે ત્યારે એને અટકાવવી એ કદાચ દરેક વ્યક્તિની સમજદારીનો અરીસો છે. તમે રોજ એ અરીસા પરથી ધૂળ લૂછો છો કે તમારી સમજદારી પરથી ધૂળ ખંખેરો છો?
(તા. 14 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
Tuesday, 6 January 2015
લગ્ન થાય એટલે સપનાં જોવાનું છોડી દેવાનું?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
દરેક વ્યક્તિના જીવનમાં
લગ્ન બાદ એક નવી લાઇફ શરૂ થતી હોય છે.
આ નવી જિંદગીમાં એક વ્યક્તિ
સતત રિબાતી હોય ત્યારે શું કરવાનું?
લગ્ન થવાની ઉંમરની દરેક યુવતીએ કે યુવકે નવી જિંદગીમાં અનેક સપનાં જોયાં હોય. એરેન્જ્ડ મેરેજ હોય કે લવ મેરેજ એક નવી વ્યક્તિ સાથે એક ઘરમાં રહેવાથી માંડીને અનેક એડજસ્ટમેન્ટ કરવાનાં આવે છે. આ વાત બંને પક્ષે એટલી લાગુ પડે છે. મોટાભાગે સ્ત્રીઓના પક્ષે એવું કહેવાય છે કે એ પોતાનાં મૂળિયાંસોતી નવી જગ્યાએ પોતાના નવા અસ્તિત્વને જીવવા માંડે છે.
દોઢેક વર્ષ પહેલાં પરણેલી શીતલ અત્યારે ડિપ્રેશનમાં છે. પોતે સેવેલાં સપનાં એક પછી એક તૂટી રહ્યાં છે. એ પીડા એને એટલી સતાવે છે કે એને કંઈ રસ્તો સૂઝતો નથી. બહુ લાંબો લાંબો ઈ-મેઇલ કરીને એણે પોતાની વાત વ્યક્ત કરી છે.
શીતલ લખે છે કે, મારાં લગ્ન મા-બાપની મરજીથી થયાં છે. પતિ પોતાનો બિઝનેસ કરે છે. પતિ ઓફિસે જાય એ પછી હું અને મારાં વિધવા સાસુ બંને એકલાં ઘરમાં હોઈએ. લગ્ન થયાં કે લગભગ બીજા જ દિવસથી મારાં સાસુએ મારા માથે ઘરની જવાબદારી નાખી દીધી. એ જવાબદારીનો મને કોઈ અફસોસ નથી, પણ એ બધી જવાબદારીઓ મારે એમની શરતો-નિયમો પ્રમાણે નિભાવવાની. મારું મગજ નહીં દોડાવવાનું.કિચનથી માંડીને કોઈ પણ જગ્યાએ મને સ્વતંત્રતા નથી લાગતી.
લગ્ન પહેલાં મેં કહેલું કે, મને નોકરી કરવી છે. એ સમયે તો મને હા કહેલી, પણ હવે એવું કહીને ટાળે છે કે, આપણાં ઘરની વહુ નોકરી કરે તો સમાજમાં સારું ન લાગે. ઘરમાં કયાં કપડાં પહેરવાં, ટીવી ઉપર કયાં કાર્યક્રમો જોવા, કોની સાથે કેવી રીતે વાત કરવી, પતિનાં તમામ સગાંઓને શું કહેવું અને કેટલું કહેવું એનું પણ જાણે મને ટયુશન આપવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં તો મેં સહન કર્યું, પરંતુ થોડા જ મહિનાઓમાં મારો દમ ઘૂંટાવા લાગ્યો છે. મને કંઈ સારું નથી લાગતું. શીતલ કહે છે, મારી તમામ બહેનપણીઓ કે પિયરનાં સગાંઓ સાથે એક મર્યાદામાં રહીને વાત કરવાની. આ અને આવી અનેક બાબતોએ મને એક ચાવી દીધેલી જીવતીજાગતી વ્યક્તિ હોય એ રીતે ટ્રીટ કરવામાં આવે છે. મને થતી ગૂંગળામણ વિશે મેં મારા પતિને વાત કરી. તો એણે એટલું જ કહ્યું કે, મારી મમ્મીએ બહુ સ્ટ્રગલ કરીને મને ઉછેર્યો છે. હું એમની સામે કંઈ નહીં બોલી શકું. તું તારી રીતે એમને સમજાવ અને રસ્તો કરી લે.
એક સાંજે ચા પીતી વખતે મેં મારા મનની વાત સાસુને ખુલ્લા દિલે કહી. મારી વાત સમજવાને બદલે એ તો મારી માથે ઉકળી ઊઠયાં. એમનો ગુસ્સો જોઈને હું તો હેબતાઈ ગઈ. પતિ સાસુથી અલગ થવાનું તો સપનામાં પણ વિચારી શકે એમ નથી. હું એમની સાથે ગોઠવાઈ નથી શકતી. એમની રીતે જીવવાની રીતભાત મારામાં ઉતારી નથી શકતી. હવે અણગમાનો ગુણાકાર એટલો બધો વધી ગયો છે કે, સાસુ-પતિની કોઈ સારી વાત પણ મને ગમતી નથી.
માતા-પિતા સાથે વાત કરી તો એમણે કહ્યું કે, તને ન ફાવતું હોય તો પાછી આવી જા. શીતલ સ્પષ્ટપણે કહે છે કે, પતિ કે સાસુ બંને સાથે હું દિલથી કે લાગણીથી નથી જોડાઈ શકતી. સતત જીવ બળ્યે રાખે છે. મેં જે રીતે પતિ સાથે જિંદગી જીવવાના વિચાર કરેલા કે સપનાં સેવેલાં એમાંથી એક પણ સપનું પૂરું નથી થતું. પતિ સાથેની જિંદગીમાં કોઈ મોહ કે આકર્ષણ નથી લાગતું. મેં જે રીતે ધાર્યું હતું એ રીતે જિંદગી નથી વહી રહી.
શીતલને એવું લાગે છે કે એની પીડાનો કોઈ ઈલાજ નથી. ડિપ્રેશનમાં એ પોતાની જાત સાથે કંઈ કરી બેસશે એવી એને ચિંતા રહે છે. એ કહે છે, હું પતિથી છૂટી થઈને પિયર પાછી જતી રહું એવો વિચાર રોજ મનમાં આવી જાય છે. જો હું આવું કંઈ વિચારું તો કંઈ ખોટું વિચારું છું? આ એક સવાલ સાથે એ પોતાનો ઈ-મેઇલ પૂરો કરે છે. શું તમે એની આ વાત સાથે સહમત છો?
(તા. 07 જાન્યુઆરી, 2015. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)
Subscribe to:
Comments (Atom)
















































