Wednesday, 24 September 2014

કેટલાં ઘર ચાચરના ચોક જેવાં હોય છે? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ


ચાચરના ચોકવાળી, વાઘ અસવાર છે, મોઢું સોહામણું ને સોળે શણગાર છે. ચાચરના ચોકમાં માતાજીને ભજવાના દિવસો કાલથી શરૂ થાય છે. નવ દિવસ સુધી દરેક લોકો માતાજીનો મહિમા ગાશે. આપણે દૈવી શક્તિને પૂજતા આવ્યાં છીએ પણ ખરેખરી શક્તિને આપણે પૂજીએ છીએ ખરાં?

સવાલ એ થાય કે, આ ખરી શક્તિ એટલે કોણ?

આપણાં ઘરમાં, સમાજમાં અને સંસારમાં ખરેખર સ્ત્રીઓને શક્તિ જેટલું સન્માન મળે છે ખરું? જો હા તો પછી કેમ હજુ સ્ત્રીઓને રાત્રે અંધારું થાય પછી બહાર નીકળતા ડર લાગે છે? કેમ હજુ ઘણી સ્ત્રીઓની હાલત પગમાં બેડીઓ બાંધીને ઘરની ચાર દીવાલો વચ્ચે પૂરી દેવાયેલા પંખી જેવી છે? એવાં પંખી જેને ઊડવું છે પણ આકાશ નથી. પાંખો છે પણ પાંખ ફેલાવવાની પરવાનગી નથી. આવી સિસકતી કેટલીયે શક્તિઓ રૃંધાઈ જાય છે ત્યારે કેમ કોઈને ચાચરનો ચોક યાદ આવતો નથી? આપણે ગાઈએ છીએ કે, કુમકુમનાં પગલાં પડયાં, પણ એ કુમકુમનાં પગલાં અને લોહીનાં લાલ પગલાંમાં આપણને કેમ કંઈ ભેદ નથી વર્તાતો?

આજે યાદ આવે છે એક છોકરી, એનું નામ હતું અનુ. એને ભણવું હતું. એનાં મા-બાપ એવું કહેતા હતાં કે, બહુ ભણવું નથી. આપણી નાતમાં વધુ ભણેલાં છોકરાંઓ મળતાં નથી. ભણીશ તો વળી પાછું તને તારા લેવલનો છોકરો જોઈશે. અનુએ કહ્યું કે, લગ્નની બાબતમાં કે પાત્રની પસંદગીમાં કંઈ નહીં બોલું. તો પણ એને ફરમાન સુણાવી દેવાયું કે નહીં એટલે નહીં. એ છોકરી બધાં પરિવારજનોને અને સગાં-સંબંધીઓને રીતસર કરગરતી હતી કે, મમ્મી-પપ્પાને સમજાવોને. કોઈએ ન સમજાવ્યું. એના ઘરમાં રોજ માતાજીની પૂજા થતી હતી. કુળદેવીને ભજતાં પિતાને એક પણ વખત દીકરીની શક્તિ ઉપર ભરોસો ન આવ્યો.

કેટલા બધા કિસ્સા રોજે રોજ અખબારના સમાચાર બનીને રહી જતાં હોય છે. હજુ પણ એવા લોકોની સંખ્યા ઓછી નથી કે જેઓ પહેલા ખોળે દીકરો જ ઇચ્છે છે. હજુ થોડા સમય પહેલાં જ એક સમાચાર વાંચ્યા હતા કે, રાજસ્થાનમાં એક પરિવારના ઘરે પહેલી દીકરી આવી ત્યારે થાળી વગાડીને એનું સ્વાગત કરાયું હતું. આ સમાચારથી ખુશ થવું કે દુઃખી થવું એ નક્કી કરી શકાતું નથી. ભેદ તો હજુ છે જ. આવું કરીને આપણે સુધારાવાદીનો ઢંઢેરો નથી પીટતાં? જે સહજ અને સ્વાભાવિક હોવું જોઈએ એ આટલું બધું સ્પેશિયલ કેમ થઈ જાય છે? દીકરી મા કે બાપને અગ્નિસંસ્કાર આપે તો તેને મિશાલ સમજવામાં આવે છે. એને આપણે સહજતાથી તો લઈ જ નથી શકતાં.

શક્તિની પૂજા માત્ર નવ દિવસ ન હોય. આ નવ દિવસ અને એક વુમન્સ ડે એમ દસ દિવસ આપણે સ્ત્રીની શક્તિ અને ભક્તિને ઊજવીએ છીએ. બાકીના ૩૫૫ દિવસનું શું? ક્યારેય એવું લાગે છે કે શક્તિને સમજવામાં આપણે ક્યાંક ચૂક કરીએ છીએ? જાણેઅજાણે શક્તિની લાગણીને ઠેસ પહોંચાડતાં હોઈશું ત્યારે માતાજી કે દેવીના દિલને ઠેસ નહીં પહોંચતી હોય?

રક્ષણના નામે આપણે કેટલી બધી વાર આપણી નજીકની શક્તિઓને જ અન્યાય કરતાં હોઈએ છીએ? એક વાહિયાત વાત વરસોથી સાંભળતાં આવીએ છીએ કે, નવરાત્રિ પછી એબોર્શનના કિસ્સાઓ વધી જાય છે. એ સમયે પણ વાંક તો સ્ત્રી કે દીકરીનો જ આવે છે. જેણે આવું કર્યું હોય છે એની તરફ કેમ કોઈ આંગળી નથી ચીંધતું? બધી જ ભૂલ છોકરીઓના નામે જ ચડાવી દેવાની? દિલ્હી જેવી કોઈ મોટી ઘટના બને ત્યારે આપણે મીણબત્તીઓ સળગાવીને મન મનાવી લઈએ છીએ. હકીકતે તો દિલમાં દીવા પ્રગટાવવાની જરૂર છે. આવાં પર્વ આપણને શક્તિની થોડીક નજીક લઈ જાય તો પણ એ વાત નાનીસૂની નહીં હોય.


(તા. 24 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com

Tuesday, 23 September 2014

કોનું કેરેક્ટર ઊંચું? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્યની ઓળખ કરવી હોય તો કેવી રીતે થઈ શકે? જાણકારો એવું કહે છે કે, એ વ્યક્તિ સાથે એકાંતમાં રહો તો એને ઓળખી શકો. તો કોઈ કહે એનો કપરો કાળ એ કેવી રીતે કાઢે છે એ જુઓ તો ખબર પડે કે એ વ્યક્તિ કેવી છે? વ્યક્તિની ઓળખ એટલે શું? એ વ્યક્તિનું ચારિત્ર્ય કે પછી એ વ્યક્તિની પ્રામાણિકતા? આ બંને એકબીજા સાથે જોડાયેલી વાત છે. જોકે, દુનિયામાં જીવતા મોટાભાગના લોકો ચારિત્ર્યની ઓળખને ટોચ ઉપર મૂકે છે.

કેરેક્ટરની વાત કરવાનું મન એટલે થયું કે, થોડા દિવસો પહેલાં શ્વેતાપ્રસાદ બસુ નામની ૨૩ વર્ષની અભિનેત્રી કોઈ ઉદ્યોગપતિ સાથે હોટેલમાં એક રેડ દરમિયાન ઝડપાઈ. પોલીસે સિફતપૂર્વક એ વેપારીનું નામ જાહેર ન કર્યું, પણ અભિનેત્રીની ઓળખ છતી કરી દીધી. 'મકડી' ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતનારી, 'ઇકબાલ' ફિલ્મમાં હીરોની બહેનની ભૂમિકામાં દિલ જીતી જનારી શ્વેતાએ બાળપણમાં જ એની અભિનય ક્ષમતા બતાવી દીધી હતી. એનું બોલિવૂડમાં કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કેવું છે એ વિશે વાત નથી કરવી. વાત કરવી છે એ પકડાઈ ગઈ એ પછીની વાતની.

શ્વતાએ એવું કહ્યું કે, "હું એકલી આ સેક્સ સ્કેન્ડલમાં નથી. અનેક અભિનેત્રીઓ પોતાના દેહનો વેપાર કરે છે. એણે સૌથી વધુ આઘાતજનક વાત એ કરી કે, મારી પાસે રૂપિયાની તંગી હતી એટલે હું શોર્ટકટ અપનાવવા મજબૂર થઈ.

અરે! મારી બહેન, તારા કરતાં તો મારા ઘરની કામવાળી વધુ શીલવાન છે. જેને પળેપળ રૂપિયાની જરૂર છે છતાં એ પોતાના દેહનો વેપાર નથી કરતી. એક દિવસમાં એક-બે નહીં પંદર ઘરનાં કામ કરતી આ કામવાળી રોજના બાવીસ ઘરનાં કામ કરે તોપણ એની જરૂરિયાતો પૂરી થાય એમ નથી. એના ઉપર પણ પરિવારની બહુ જવાબદારીઓ છે, પણ એ કદીય કોઈના ઘરમાં ચોરી કરતી નથી. કોઈ ઘરે કામ કરતી હોય અને એ પુુરુષની નજરમાં જરા પણ સવાલ જાગે તો ગમે તેટલા રૂપિયા મળે પણ એ કામ છોડી દેતા અચકાતી નથી. રૂપિયા કમાવવા માટે કયા રસ્તે જવું એ દરેક વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. રોજેરોજ દેહનો વેપાર કરીને કમાવનારી સ્ત્રી પણ જવાબદારી નિભાવે છે, તો કેટલીક વખત પોતાના શોખની અને લક્ઝરી ભોગવવાની કોઈ મર્યાદા નક્કી ન કરી શકે ત્યારે એ ટૂંકા રસ્તાઓ અપનાવી લેતી હોય છે. એક મિત્રએ થોડા દિવસ પહેલાં જ બહુ સરસ વાત કરી હતી કે, તમારી કમાણીની મર્યાદા કે લિમિટ શું હોય એ તમે એક વાર નક્કી કરી લો પછી ક્યાં અટકવું એ તમને ખબર પડી જશે. કમાણી, જરૂરિયાત, લક્ઝરી, ઝાકમઝોળવાળી જિંદગી આ બધાંની કોઈ બાઉન્ડ્રી નથી હોતી. એ બાઉન્ડ્રી આપણે પોતે બાંધવી પડતી હોય છે. જ્યાં તમે તમારી મર્યાદા ન બાંધી શકો ત્યાં લપસવાના ચાન્સીસ વધુ છે.

પોતાના દેહનો વેપાર કરીને શ્વેતા કેટલો ચાર્જ લેતી હતી એ વાત પણ બહાર આવી છે. પોતાને ફિલ્મોમાં કામ નહોતું મળતું એટલે એ આ રસ્તે વળી ગઈ. એક મનોચિકિત્સકે આ કિસ્સો સાંભળીને કહ્યું કે, સાચી વાત એ છે કે, પોતાના ચારિત્ર્યનું હનન થાય ત્યારે સ્ત્રી હોય કે પુરુષ એનો આત્મા ડંખી જાય. આસ્તિત્વ હલી જાય, પરંતુ પોતાની પસંદગીથી એ રસ્તે ગયા હોઈએ ત્યારે શરૂઆતના સમયમાં કદાચ આત્મા ડંખતો હશે, પણ પછી એ બદલામાં મળતી તગડી રકમ ઘણી વખત એ દુઃખને ભુલાવી દેવામાં દવાનું કામ કરતી હશે.

જો ઇઝી મની મેળવવાનો આ જ રસ્તો હોય તો પારકાં કામ કરતી કે ઈંટોના ટોપલા ઉઠાવતી સ્ત્રીઓ પણ એ રસ્તે ચાલી જાય. સ્ત્રી હોય કે પુરુષ સુખી થવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. દરેક માણસને એવું હોય કે પોતાની સાથે જીવતી વ્યક્તિ, બાળકો અને પરિવાર સૌથી વધુ સુખ પામે, પણ એ સુખ તમને કઈ શરતે જોઈએ છે એટલી સમજ તમારે પોતે કેળવવી જોઈએ. ખોટા રસ્તે જઈને કદાચ રૂપિયા મળી જતા હશે, પણ એમાં સુખની કોઈ ગેરંટી નથી મળતી હોતી. તકલીફો વેઠીને કે ઓછી જરૂરિયાતમાં જીવીને ઘણી વખત અભાવ કે ફરિયાદો ખૂટતી નથી હોતી, પણ એ મહેનત અને ફરિયાદો વચ્ચે જિવાતી જિંદગીમાં સુખ કેટલું ધબકતું હોય છે એ બહુ ઓછા લોકો સમજી શકે કે પામી શકે છે.

(તા. 17 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com
એકથી વધુ ઓપ્શન હોય ત્યારે... 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

સામાન્ય રીતે જિવાતી જિંદગીમાં સવાલો ઘણાં બધાં હોય છે. કેટલીય વખત તો એક સવાલના અનેક જવાબ હોય છે તો કોઈ વાર અનેક સવાલનો એક પણ જવાબ નથી મળતો હોતો. જિંદગી દરેક વખતે એકથી વધુ ઓપ્શન આપતી નથી. તેમ છતાંય એક નિર્ણય લેવાનો હોય ત્યારે આપણી સામે બે ઓપ્શન હોય તો શું કરવું? આવો સવાલ કિંજલ નામની વાચકે ઈ-મેઇલથી કર્યો છે.

નિર્ણય લેવાનો હોય ત્યારે આપણું અસ્તિત્વ બે રીતે લડતું રહે છે. દિલ અને દિમાગ વચ્ચેની આ લડાઈ હોય છે. છેવટે તો આપણી જાત સાથે સહજ રીતે જે જોડાયેલું હોય એની મહોર જ નિર્ણય બની રહે છે. બેઝિકલી તો જે નિર્ણય લેવાથી પોતાને સંતોષ થતો હોય એ નિર્ણય લેવાતો હોય છે.

બચપણમાં કોઈ રમકડાં માટે જીદ કરતા હોઈએ ત્યારે મા-બાપનો નિર્ણય આપણી માથે હાવી હોય છે. લગભગ દરેક બાળકે જિંદગીમાં કેટલીય વાર પોતે સાચાં છે એ મનાવવા માટે મમ્મીનું એન્ડોર્સમેન્ટ લીધું જ હશે. બચપણમાં જે બહુ સહજ લાગતું હોય છે એ જિંદગીમાં મોટા સવાલો બનીને સામે આવે છે ત્યારે માણસ અસમંજસમાં મુકાઈ જાય છે. ભણતી વખતે ટયુશન ક્લાસ કયા રાખવા કે કઈ લાઇન લેવી આવા બે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે તો એનાથી આગળ કયા કોર્સમાં આગળ ભણવા જવું કે પછી બહારગામ ભણવા જવું કે નહીં એ નિર્ણય લેવો પણ અઘરો થઈ પડે છે. કેટલાંય કિસ્સાઓમાં તો મા-બાપ ખુદ નક્કી ન કરી શકે ત્યારે પરિવારના વડીલ કે પછી હિતેચ્છુની સલાહ લે છે. એમાંય વળી અનેક લોકોને પૂછયાં પછી એક ટકાવારી કાઢે કે કઈ તરફ બધાનો જવાબ કે સલાહ જઈ રહી છે એ રીતે આગળ વધીએ.

ઘણી વખત તો એકથી વધુ ઓપ્શન હોય ત્યારે કોઈ માણસ એમાં ભેરવાઈ પણ જતો હોય છે. તો વળી કોઈ અજાણ્યો ઓપ્શન પસંદ થઈ જાય તો કોઈ વ્યક્તિની ખૂબી ખીલીને બહાર નીકળે છે. નિર્ણય લીધા પછી પણ કંઈક અણગમતું બને ત્યારે આપણે મનને ટપારતાં હોઈએ છીએ કે, આમ કર્યું હોત તો સારું થાત, આવું તો ન જ થાત.

સાચી વાત એ છે કે, આમ કર્યું હોત તો તેમ થાત કે આમ થયું હોત તો તેમ કરત એ વાત કે વિચાર જ અસ્થાને છે. જે સમયે જેટલી સમજદારી હતી એ સમયે એવો નિર્ણય લેવાયો. એ વાતનો પછી ન તો કોઈ અફસોસ કરવો જોઈએ કે ન તેનો કોઈ વસવસો રહેવો જોઈએ. ગળે ન ઊતરે એવો નિર્ણય લીધા પછી કંઈ અફસોસજનક બને એટલે આપણે એ પરિસ્થિતિને સંભાળવાના બદલે એમાંને એમાં ગૂંચવાડા પેદા કરી દેતાં હોઈએ છીએ.

ભણી લીધા બાદ નોકરી માટે અને એ પછી જીવનસાથી માટે પણ આપણે આપણી જાતને એટલી ગૂંચવી દઈએ છીએ કે, જેની સાથે આજીવન રહેવાના કોલ આપ્યા હોય એની સાથેનું જીવન અકારું લાગવા માંડે છે. પોતાની પસંદગીનું લગ્ન કરીને પસ્તાનારા લોકોની ક્યાં કમી છે. જમીન પર રહીને જીવન જીવતાં લોકો માટે કોઈ સવાલ નથી હોતો પણ દિવસેય સપનાંમાં રાચતાં લોકોને પોતાની પસંદગીનાં લગ્નમાંથી પણ લાંબે ગાળે રસ ઊડી જતાં વાર નથી લાગતી.

હકીકત એ હોય છે કે, આપણે ભૂતકાળને વાગોળતાં રહીએ છીએ અને ભવિષ્યની સતત ચિંતા કરતાં રહીએ છીએ. દિલ-દિમાગમાં અનેક સવાલોને આ બંને કાળમાંથી બહાર કાઢતાં જ નથી. મન-મગજ બંને આ વિચારોમાં અટવાયેલું રહે તો પછી એ આજને કેવી રીતે માણવાની?

એકથી વધુ પસંદગી હોય ત્યારે તમારા વર્તમાનમાં, તમારા અસ્તિત્વ સાથે જોડાયેલી સમજ જેમ દોરે એમ જાતને દોરવી જોઈએ. કોઈના કહેવા પ્રમાણે નિર્ણય લેવાથી જિંદગી એ વ્યક્તિ નથી જીવવાની. જિંદગી તમારી છે અને તમારે જ જીવવાની છે. તો પછી તમારા ઓપ્શન ઉપર કોઈની સમજને શા માટે હાવી થવા દેવી જોઈએ? મન અટવાય ત્યારે કોઈ અંગત કે પોતાનું હોય એની પાસે હળવું ચોક્કસ થવાય પણ આખરે તો તમારી સમજશક્તિ જ તમારા અસ્તિત્વને ટકાવશે એના અવાજને જરાય અવગણવો નહીં.

(તા. 10 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com
તમારાં વર્તનની તમને ખબર છે ખરી? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

સંબંધોનો આધાર શેના ઉપર છે? આવો સવાલ કોઈ પૂછે તો આપણે સીધું કહી દેશું કે, સંબંધ તો અરસ-પરસ છે. કોઈ પણ સંબંધ તૂટે કે જોડાયેલો રહે એનો આધાર બંને પક્ષે રહેલો છે. બંને બાજુએથી થતાં વર્તન ઉપર કોઈ પણ સંબંધ તૂટેલો કે જોડાયેલો રહે છે. દોસ્તી હોય કે પરિવાર હોય એમાં સારી રિલેશનશિપ જળવાઈ રહે એ માટે શું કરવું જોઈએ? આવો સવાલ કૃષિકા નામની વાચકે કર્યો છે.

દરેક માણસ સંબંધને આધારે જ જીવતો હોય છે. દરેક માનવીના જીવનમાં કંઈક એવું તત્ત્વ સંબંધનું હોય છે જે એને ધબકતો રાખે છે. કેટલાંક સંંબંધોમાં માણસ જીવ આપી દે છે તો કેટલાંકમાં જીવ લઈ પણ લે છે. બે અંતિમો પર જિવાતાં આવા સંબંધોને તમે શું નામ આપો? લાગણીશૂન્ય સંબંધ કે પછી લાગણી પાછળ આંધળો સંબંધ. આમાં ક્યાં ગેરસમજ થતી હોય છે કે માણસ આવું કંઈક કરી બેસે છે.

આખરે તો બધી લેણા-દેણી છે એવું કહીને આપણે વાતને મૂકી દેતાં હોઈએ છીએ. પણ હકીકત એ હોય છે કે, તમારા તૂટેલા કે જોડાયેલા સંબંધમાં ક્યાંક કંઈક ખામી રહી ગઈ હોય છે જે સમજતાં હોવા છતાંય પૂરી કરતાં નથી હોતા. દરેક સંબંધની એક એક્સપાયરી ડેટ હોય છે એવું એક મિત્ર વારંવાર કહે છે ત્યારે મન ખરેખર વિચારે ચડી જાય છે કે, સાચે જ આવું હોઈ શકે ખરું? તમારા સંબંધની એક્સપાયરી ડેટ ન આવે એ માટે તમે કેટલાં પ્રયત્નશીલ છો?

એક સરસ મજાની વાત ટાંકવાનું મન થાય છે. સ્કૂલમાં ભણતી એક જ ક્લાસની એકસરખી હોશિયાર એવી વિર્દ્યાિથનીઓનું ગ્રૂપ હતું. એ ગ્રૂપની ઈર્ષા આખી સ્કૂલનાં બીજાં બાળકો કરે. દોસ્તી હોય તો આ ગ્રૂપ જેવી એવું ઉદાહરણ પણ આપવામાં આવે. આ ગ્રૂપમાં એક જુલી નામની છોકરી. જુલી થોડી મૂડી અને જીદ્દી. આખા ગ્રૂપમાં લાડકી ખરી. બધાંને એ વહાલી પણ લાગે. આથી જુલી રિસાઈ ન જાય એનું બધાં ધ્યાન રાખે. પાંચ બહેનપણીઓમાં ત્રણ સમજુ અને એક થોડી અણસમજુ અને પાંચમી જુલી.

આખું ગ્રૂપ બારમા ધોરણ સુધી સાથે ભણ્યું. બધાંનાં બહેનપણાં વર્ષો સુધી એવાં ને એવાં જ રહ્યાં. મોટા થયા પછી પણ જુલીની જીદને બધાં પોષતા રહ્યાં અને એના રિસાઈ ન જવાના ક્રમને વળગી રહ્યાં. બારમું ધોરણ પૂરું થયું પછી બધાં અલગ-અલગ જગ્યાઓએ જઈને ભણ્યાં. જુલી સિવાયની બધી બહેનપણીઓ ડોક્ટર થઈ.

જુલીએ પોતાની શરતો ઉપર કરિયર બાંધી. એ બહુ જ જાણીતી લેખિકા બની ગઈ. જેમ જેમ એ આગળ વધતી ગઈ તેમ તેમ એક સમજ એનામાં કેળવાતી ગઈ. પોતાની બહેનપણીઓ કેવું ધ્યાન રાખતી હતી કે પોતાના ઇગોને કેવી સંતોષતી હતી એ બધું એને સતત મનમાં રમ્યાં કરે. જે જુલી શાળામાં ભણતી વખતેે નાની-નાની વાતે મોઢું ફુલાવીને બેસી જતી હતી એ યુવાન થઈને સાવ બદલાઈ ગઈ. એકદમ મેચ્યોર્ડ અને સંબંધોનો આદર કરતી વ્યક્તિ બની ગઈ. આજે એ જ બહેનપણીઓ એના નવા સ્વરૂપને જોઈને દિલથી એપ્રિશિયેટ કરે છે. 

ઘણી વખત પોતાની દોસ્તી કે પરિવારના સંબંધોમાં આપણે સામેવાળાના ઈગોને પોષીએ છીએ કે, સામેવાળાની દાદાગીરી ચલાવી લઈએ છીએ ત્યારે એ સંબંધમાં આપણે એ વ્યક્તિને કેટલો સ્નેહ કરીએ છીએ એ જ ટોચ ઉપર હોય છે. ડરના માર્યા સંબંધને જાળવવો અને પ્રેમથી સંબંધને સાચવવો એ બહુ જ અલગ અલગ હકીકત છે. કેટલાંય કિસ્સાઓમાં તો સામેવાળી વ્યક્તિને ખબર જ નથી હોતી કે એની સાથે દિલથી, દિમાગથી અને અસ્તિત્વથી જોડાયેલી કોઈ વ્યક્તિ છે જે એના માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય છે. કોઈ વખત ખબર હોય તો પણ એ વ્યક્તિ સામેવાળાની લાગણીને કે પ્રેમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. તમારે તમારી લાગણી સહજ રાખવી છે કે ટેકન ફોર ગ્રાન્ટેડ, એ તમારે નક્કી કરવાનું છે. સંબંધોની બાબતમાં જો તમે દિલથી જ વિચારશો તો ઘણું મેળવી શકશો. પણ ગણતરી માંડશો તો દાખલો ખોટો જ પડવાનો છે.

(તા. 03 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com
મજાક, કમેન્ટ્સ અને માનસિકતા 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના સંબંધો વચ્ચે જિવાતી જિંદગીમાં ઘણી વખત જિંદગી બહુ સ્પીડમાં ચાલતી હોય એવું લાગે. કોઈને જવાબ આપવો હોય તો તુરંત મેસેજ કે સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ કે પછી વોટ્સ એપ જેવી એપ્લિકેશન આપણા હાથવગી છે. જવાબ જ શું કામ? કોઈના ફોટા ઉપર કંઈ કમેન્ટ કરવી હોય કે કોઈ લેખ ઉપર તમારે પોતાનું મંતવ્ય આપવું હોય તો જસ્ટ થોડું કી ઇન કરી દો એટલે તમે વ્યક્ત થઈ ગયા.
મિત્રો વચ્ચેની મજાક પણ આવી જાય અને કોઈને કંઈક કહેવું હોય તોપણ એ આજે આપણે સ્માર્ટ ફોનની અલગ અલગ સિસ્ટમથી આપી દઈએ છીએ. કોઈની મજાક આપણને ગમે તો કોઈની કમેન્ટ આપણને નથી પસંદ આવતી. ફોન ઉપરના તમારા રિંગટોનથી માંડીને કયા પ્રકારની કમેન્ટ્સ કરો છો એ સઘળું તમારી માનસિકતા અને સમજ કે નાસમજને રિફ્લેક્ટ કરે છે.
મજાક કે કમેન્ટ્સનું પણ એક લેવલ હોય એવી વાતને કોઈ ગંભીરતાથી લેતું જ નથી. ગાંધીજીનો એક કિસ્સો યાદ આવે છે. ગાંધીજીની ટીકા કરતો એક પત્ર એમને મળ્યો. એમાં અત્યંત ગંદી ગાળો લખી હતી. બાપુએ એ પત્ર વાંચ્યો અને એવું કહ્યું કે આ પત્રમાંથી એક ટાંચણી જ કામની છે. તેમને લખવામાં આવેલી ટીકાની જાણે તેમની ઉપર કોઈ અસર ન થઈ. એમાંથી જે કામનું હતું એ લઈ લીધું અને ભૂલી ગયા. આપણે તો આપણી ઉપર કરવામાં આવેલી મજાક કે ગાળ કે પછી ગંદી કમેન્ટ્સને પણ વળતો જવાબ ન આપીએ ત્યાં સુધી ચેનથી બેસતા નથી.
આવી જ વાત કંઈક તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુ સાથે થઈ હતી. ચીન સાથે થયેલા યુદ્ધ બાદની સંસદસભા વખતની આ વાત છે. યુદ્ધ માટે કારણભૂત એવા વિવાદી પ્રદેશ વિશે નહેરુજીએ એવું કહ્યું કે, આ એક એવા પ્રદેશની વાત છે જેમાં ઘાસનું એક તણખલું પણ ઊગતું નથી. આ સાંભળીને સાંસદ મહાવીર ત્યાગીએ પોતાનું સફાચટ માથું બતાવીને નહેરુજીને કહ્યું, મારા માથા ઉપર પણ એક વાળ ઊગતો નથી એટલે મારું માથું વાઢીને ચીનને આપી દેશો? દેશની સંસદમાં કહેવાયેલી ગંભીરતા અને કટાક્ષની હાઇટ આ કમેન્ટમાં તરી આવે છે. ફેસબુક ઉપર કે પછી ફોનમાં આવી કોઈ મજાક કે ગંદી કમેન્ટ્સ આવી હોય તો આપણી પાસે ડિલીટનું બટન છે કે પછી હાઇડ કરવાની સુવિધા છે, પરંતુ માણસ એક જ એ વાતને દિલમાં ડિલીટ નથી કરી શકતો કે મનમાં હાઇટ નથી કરી શકતો.
મને યાદ છે, વર્ષો પહેલાં રાજકોટમાં રમેશ મહેતા સાથેની મુલાકાત. ગુજરાતી ફિલ્મોમાં એ સમયે દ્વિઅર્થી સંવાદોની બોલબાલા હતી. એક અચ્છા હાસ્ય કલાકાર અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા રમેશ મહેતાએ ત્યારે કહ્યું હતું કે, જમાનાની તાસીર સાથે કલાકારનું કામ પણ બદલાઈ ગયું છે. નહીં ચાહવા છતાંય દ્વિઅર્થી સંવાદો બોલવા પડે છે એ કહીકત છે. કેડિયા-ચોરણીની માનસિકતા અને દ્વિઅર્થી સંવાદોએ ગુજરાતી ફિલ્મોનો મૃત્યુઘંટ વગાડવામાં મોટું કામ કર્યું છે.
ગંદી વાતો કે ગંદી કમેન્ટ્સ કે વાતો વાતોમાં ગાળો બોલતા લોકોને કદાચ એની સાથેના લોકો કે એની નીચે કામ કરતા લોકો સહન કરતાં હશે, પણ એ માણસ પ્રત્યે બહુ ઓછાને માન થતું હશે. જાહેરમાં બોલાતી ગંદી વાતો હોય કે પછી એડલ્ટ જોક્સ હોય એક હદ સુધી જ એને સહન કરી શકાય. એક હદથી વધારે તમને એ વાતથી ચીતરી ચડવા લાગે. પોતાની વાત કે વિચારને પોતાના વ્યક્તિત્વનો અરીસો સમજો તો કદીય જાહેરમાં કે સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર એવી કોઈ નબળી વાત તમારાથી થશે જ નહીં. આપણે એવું માનતા હોઈએ છીએ કે એક વખત બતાવી દઈએ કે હું પણ ચૂપ બેસનારાઓમાં નથી. ખરાબ રીતે બોલીને કે ગાળો આપીને તમે તમારી જાતને સમજાવી શકો ખરા, પણ સમજદાર વ્યક્તિ તમને માપી જતો હોય છે એ વાતમાં બેમત નથી.
(તા. 27 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)
email : jyotiu@gmail.com
સાચા-ખોટા, સારા-નરસા, હલકા અને ભારે સંબંધો 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ


આ દુનિયામાં દરેક જીવ કોઈ એક અથવા અનેકની સાથે સંબંધે બંધાયેલો છે. કોઈ એવું કહે છે કે, હું એકલો જ જીવી લઈશ તો એ એની જિંદગીનું સૌથી મોટું જૂઠાણું હશે. અનેક સંબંધો વચ્ચે આપણી જિંદગી ચાલતી હોય છે.

જરા કોઈ વખત વિચાર આવી જાય ત્યારે એવું લાગે કે, કેટકેટલા સંબંધો આપણે જીવતા હોઈએ છીએ. પોતાનાં, પારકાં, સાવકાં, સ્વાર્થી, સગવડિયા, અણગમતા, ગમતાથી માંડીને નિભાવવા પડતા હોય એવા સંબંધો. કેટલાંક સંબંધો જીવતા હોઈએ છીએ તો કેટલાંક જીરવતા હોઈએ છીએ. જીરવવા પડે એવા સંબંધમાં જીવતર જેવું કંઈ હોતું નથી.
થોડા દિવસો પહેલાં કલા અને સંસ્કૃતિની નગરી એવા ભાવનગરમાં એક પ્રવચન આપવાનું થયું. વિષય હતો, સંબંધો. આ વિશે એકઠા થયેલા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો. એ વાતચીતની થોડી વણકહેલી વાતો એટલે આપણા સંબંધોની દુનિયા અને દુનિયાના સંબંધો. કોઈ સંબંધ લોહીનો હોય છે તો કોઈ લાગણીનો. ભલે એવું કહેવાતું હોય કે, બ્લડ ઇઝ થિકર ધેન વોટર, પરંતુ ઘણી વાર બ્લડના સંબંધોમાં પાણીની જેમ લોહી વહી જતું હોય છે કે પછી લોહીના સંબંધો જ લોહીપાણી એક કરી દે એવા તંગ હોય છે. આમ પણ દોસ્તી હોય કે સ્નેહની વાત હોય લોહીના સંબંધ કરતાં લાગણીનો સંબંધ હંમેશાં બે મુઠ્ઠી ઊંચો જ હોય છે. લોહીના સંબંધમાં ઘણી વખત અણગમતી વાત થઈ જાય કે વર્તન થઈ જાય ત્યારે એ જ લોહીના સંબંધની લાગણી ક્યારે નફરતમાં પલટાઈ જાય છે એની કોઈને ખબર નથી પડતી. માતા-પિતાની વિરુદ્ધ જઈને લગ્ન કરનારાં યુગલોને તો આ લાગણીનો સૌથી વધુ અનુભવ થયો હશે. કદાચ થોડા કિસ્સાઓમાં મા-બાપ સાચાં પણ હોઈ શકે. જ્યારે કેટલાય કિસ્સાઓમાં મા-બાપ ખોટાં પડે તોપણ એમનો અહમ્ પરિસ્થિતિઓ સ્વીકારવા તૈયાર નથી હોતો.

નિભાવવા પડતા સંબંધો તો આપણી આસપાસ નજર નાખીએ તોપણ મળી આવે. સો કોલ્ડ સોસાયટી માટે કેટકેટલાંય સંબંધો નિભાવાતા હોય છે. જેમાં જીવન કે જીવનની મજા તો સ્વપ્નવત્ હોય છે. કેટલા બધા કિસ્સાઓમાં પતિ-પત્ની વચ્ચેના મતભેદો અને એમનું દાંપત્યજીવન બાળકોને કારણે ટકી રહેતું હોય છે. બંને પક્ષે એવો દાવો થતો હોય છે કે, હું તો બાળકોને ખાતર જતું કરું છું, બાકી એમની સાથે તો એક પળ પણ રહેવું શક્ય નથી. આવા કિસ્સાઓમાં તો ઘણી વખત બાળકો એમનાં મા-બાપ કરતાં વધુ સમજદાર નીકળે છે. આપણે એવું માનતા હોઈએ કે, બાળક છે એને શું ખબર પડે? પણ સાચી વાત એ છે કે આપણા કરતાં બાળકોને ઘરના માહોલ વિશે બહુ વહેલા અંદેશો આવી જતો હોય છે. ઘરમાં સાથે રહેતાં બે પાત્રો સાથે જીવતાં નથી હોતાં અને એમની વચ્ચે મેન્ટલ ડિવોર્સ બહુ જલદીથી આકાર લઈ લે છે. એક ઘરમાં એક ફૂટનું પણ અંતર ન હોય પણ બંને પાત્રો વચ્ચે જોજનોનું અંતર આવી જાય છે. આવા મેન્ટલ ડિવોર્સ નભી પણ જાય છે, કેમ કે બંને પાત્રોને એકબીજા સાથે પેઇનફુલી કનેક્ટેડ રહેવાની આદત પડી ગઈ હોય છે.

આવું જ કંઈક ગરજના સંબંધમાં પણ નથી જોવા મળતું? કેટલાંક સંબંધો ટાઇમ બીઇંગ બંધાતા હોય છે અને સમય, સંજોગો બદલાય એટલે ક્યારે આપણી જિંદગીમાંથી એ સંબંધ રુખસત લઈ લે એની આપણને ખબર સુધ્ધાં ન રહે. ઘણી વખત લોહીના સંબંધોમાં પણ ગરજ આવી જતી હોય છે. આપણી જરૂરિયાતો પૂરી કરતી વ્યક્તિ આપણને ન ગમતી હોય છતાં તેની સામે ચૂં કે ચાં કરવાની આપણી હિંમત નથી હોતી. આપણી પરાવલંબી પ્રકૃતિ એ માણસની મોહતાજ થઈ જાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો મા-બાપને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને લોહીનો સંબંધ ગરજના સંબંધમાં ક્યારે પલટાઈ જાય છે એ આપણે સમજી ન શકીએ. દીકરા કે દીકરાનાં સંતાનને સાચવવાનાં હોય કે પછી તમારા પેન્શનની કે તમારી ફિક્સ ડિપોઝિટ કે તમારા નામે રહેલી પ્રોપર્ટીનો મોહ એ જ સામેની વ્યક્તિની ગરજ રહેતી હોય છે. આ બધું વાંચીને સહેજે સવાલ તો થશે જ કે, તમારા પોતાના લોકો સાથે તમારો સંબંધ કેવો છે? સહજ, ગરજ કે બીજું કોઈ નામ છે એ સંબંધનું?

(તા. 20 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com
પોતાના વર્તન વિશેની સભાનતા 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ


જે માણસ મુક્ત મને હસતો ન હોય એનો કદી ભરોસો ન કરવો, આવું આપણે ઘણાં લોકોનાં મોઢે સાંભળ્યું છે. કોઈ વ્યક્તિનું વર્તન તમારી સાથે કેવું છે એના ઉપરથી આપણે એના વિશે કોઈ સારી કે ખરાબ ધારણા બાંધી લેતા હોઈએ છીએ.
વ્યક્તિના વર્તન વિશે વાત કરવાનું મન એટલા માટે થયું કે એક યુવાન વયના કેતુલનો ઈ-મેલ આવ્યો છે. નવીસવી નોકરીએ ચડેલો કેતુલ એમબીએ થઈને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયો. પહેલી નોકરી અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદગી થવી એ કેતુલ માટે કોઈ નાનીસૂની વાત ન હતી. બહુ જ સારી કોલેજમાંથી એણે ભણવાનું પૂરું કર્યું. એમબીએ પૂરું કર્યા પછી જો એક દિવસ પણ ઘરે બેઠા રહ્યાને તો તમારી ડિગ્રીને ભૂલી જજો, આવી ટકોર કરનાર પ્રોફેસરની વાત કેતુલને બરાબર યાદ હતી. એટલે જ એને લાગતું હતું કે એ બરાબર રસ્તા ઉપર કદમ માંડી રહ્યો છે.
પોતાની કોલેજની વાત પૂરી કરીને કેતુલ એની નોકરીની વાત ઉપર આવ્યો. એ લખે છે, હું જ્યાં કામ કરું છું ત્યાં ઓછામાં ઓછો બસ્સો લોકો બેસે છે. એક બહુ જ મોટી ઓફિસમાં બધાં પોતપોતાના કમ્પ્યૂટર અને ફોન સાથે બેઠા હોય છે. સિનિયર-જુનિયર બધા સાથે જ બેસે. મોટા સાહેબો પોતપોતાની ચેમ્બરમાં બેસે છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોનું ગ્રૂપ એકસાથે હોય પણ બધાએ બેસવાનું એક બહુ મોટા ઓપન એરિયામાં.
પહેલે જ દિવસે એક વિભાગના સિનિયર હોદ્દાના બે માણસો વચ્ચે ઝઘડો થયો. થોડી વારમાં જ ઉગ્ર બનેલું વાતાવરણ શાંત થઈ ગયું. હજુ કેતુલને ઓફિસ જોઇન કરી એને માંડ મહિનો થયો છે. એમાં લગભગ પંદર વખત કોઈ બે વ્યક્તિઓ બાખડી પડે અને ઓફિસમાં ઊંચા અવાજે વાતો થવા માંડે. શરૂઆતમાં તો એ બધા સામે જોયે રાખતો, પણ જેમ-જેમ આદત પડતી ગઈ તેમ-તેમ એણે રસ લેવાનું ઓછું કરી દીધું. પોતાને કંઈ લાગતું વળગતું ન હોય એવા ઝઘડામાં શા માટે રસ જતાવવો એમ માનીને એ કામે વળગી જાય.
એણે એક જ સવાલ કર્યો છે. જાહેરમાં બે વ્યક્તિઓ કામની બાબતે ઝઘડી કેવી રીતે શકે?
આજે ઘરની બહાર નીકળીને કામ કરવા જનારાઓની સંખ્યા વધી ગઈ છે. ઘરમાં પરિવારજનોનું પ્રેશર હોય. મહિનો પૂરો કરવામાં બે છેડા માંડમાંડ ભેગા થતાં હોય, ઓફિસમાં બોસને સારું લગાડવાના ટાર્ગેટ પૂરા કરવાના હોય. આ અને આવાં કેટલાંય ટેન્શન્સ વચ્ચેથી માણસ પસાર થતો હોય છે. સરવાળે એને અનેક પ્રેશર્સ વચ્ચે જીવવાની ફરજ પડતી હોય છે. સતત દબાણ વચ્ચે જીવતો આ માણસ રિલેક્સ થાય તોપણ કેવી રીતે? આથી કોઈ નબળી પળે એની ધીરજનો બંધ તૂટી જતો હશે અને એ ગુસ્સે થઈને બરાડવા માંડતો હશે.
આ તો થઈ સામાન્ય રીતે આપણી સમજમાં આવતી વાત, પણ બસ્સો-અઢીસો માણસોની હાજરીમાં થતા તમાશાનો પણ કોઈને વિચાર નહીં આવતો હોય? સાચી વાત તો એ છે કે, જાહેરમાં તમે ટેન્શનની પળે કેવું વર્તો છો એના ઉપરથી તમારું વ્યક્તિત્વ મપાતું હોય છે. બ્લાસ્ટ થવાનું હોય એવી પરિસ્થિતિમાં પણ કુનેહપૂર્વક કોઈ રસ્તો કાઢે ત્યારે આપણને એ વ્યક્તિને સન્માન આપવાનું મન થાય. એની સામે બરાડા પાડતા બોસ પ્રત્યે કદીય પ્રેમ નથી થવાનો.
પોતાનો અવાજ ઊંચો કરીને પોતાની ખોટી વાત સાચી કરવાની ઘણા બધા લોકોને આદત હોય છે. રાડો પાડીને કે પોતે સિનિયર એટલે પોતાની વાત જ સાચી એવું જતાવતી વ્યક્તિ પ્રત્યે એની ટીમને કદીય આદર ન થાય.
જાહેરમાં તમારું સારું કે ખરાબ વર્તન તમારી કેળવણી અને સંસ્કારોને રિફ્લેક્ટ કરે છે. કોઈનું અણછાજતું વર્તન જોઈને આપણને એક વખત તો એવો વિચાર આવી જ જાય કે, આનાં મા-બાપે આને જ શીખવ્યું છે. અભ્યાસ દરમિયાન આ વ્યક્તિ આટલું જ શીખ્યો? સાચી વાત એ છે કે, વ્યક્તિની પરખ એના ગુસ્સા કે નબળી પરિસ્થિતિમાં જ નહીં એની આસપાસ જીવતા લોકો સાથે એ કેવું વર્તે છે એના ઉપરથી પણ થતી હોય છે.
તમને નથી લાગતું આપણે સૌએ પોતપોતાના વર્તન ઉપર નજર રાખવી જોઈએ?
(તા. 13 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)
jyotiu@gmail.com

વેલ્યુ અને કલ્ચર રોજિંદી ઘટના છે 


એકમેકનાં મન સુધી - જ્યોતિ ઉનડક
સંસ્કાર, સંસ્કૃતિ, સમાજ અને સમજ દરેક વ્યક્તિ સાથે જન્મથી જ જોડાયેલાં હોય છે. બાળકના જન્મ સાથે સંસ્કારની શરૂઆત થાય છે. સંસ્કાર માત્ર શબ્દોથી નથી અપાતા. માણસનું દરેક વર્તન સંસ્કારનો સ્ત્રોત છે. ક્યારેક સવાલ થાય કે સંસ્કાર એટલે શું? અને સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એ બીજું કંઈ નથી, પણ સંસ્કારનો મોટો સમૂહ છે. સંસ્કાર માત્ર વારસાગત નથી હોતા, વ્યક્તિગત હોય છે.
સંસ્કાર વિશે લખવાનું મન ધ ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા મિશેલ બરાક ઓબામાની એક ટ્વિટ વાંચીને થયું. મિશેલે ટ્વિટ કર્યું છે કે, એવરી ડે વી એઝ પેરેન્ટ્સ શેપ ધ વેલ્યુઝ ઓફ ધ નેક્સ્ટ જનરેશન. આડકતરી રીતે એવું કે, સંસ્કાર અને સંસ્કૃતિ કોઈ એક દિવસની ઘટના નથી. સંસ્કાર કોઈ એવું પેકેટ નથી જેને તમે સુંદર મજાના ગિફ્ટ પેપરમાં પેક કરીને આપી શકો. સંસ્કાર તો જન્મની પહેલી ક્ષણથી માંડીને જીવનની અંતિમ ક્ષણ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે.
કોઈ પણ વ્યક્તિનું વર્તન એના સંસ્કારો રિફલેક્ટ કરે છે. કેમ આપણને કોઈ માણસનું વર્તન ગમી જાય છે. એવું કયું તત્ત્વ હોય છે જે આપણને કંઈક ખરાબ કે ખોટું કરતાં રોકે છે. આ એવું કંઈક એ જ સંસ્કાર છે. હમણાંનો જ એક પ્રસંગ યાદ આવે છે. એક નાના ગામડામાંથી એક છોકરી હાયર સ્ટડીઝ માટે મોટા શહેર જતી હતી. એણે હોસ્ટેલમાં રહેવાનું હતું. મમ્મી અને પપ્પાના ચહેરા ઉપર અંકાયેલી ચિંતાની રેખાઓ એ છોકરી જાણી ગઈ. મમ્મી-પપ્પા કંઈ કહે એ પહેલાં જ એણે કહ્યું કે, મને ખબર છે તમારાં મનમાં શું ચાલતું હશે. હું બીજું કંઈ જ કહેતી નથી માત્ર એટલું જ કહું છું કે, તમે ભરોસો રાખજો. ભરોસો માત્ર મારા ઉપર નહીં પણ તમે મને આપેલા સંસ્કારો ઉપર પણ રાખજો.
બીજો એક કિસ્સો જરા જુદો છે. એક છોકરીથી એક ભૂલ થઈ જેનાથી એનાં મા-બાપ દુઃખી હતાં. દીકરીની એક ભૂલથી વ્યથિત મા-બાપ એવું વિચારતાં હતાં કે, આપણા ઉછેરમાં કંઈક કમી રહી ગઈ હશે. નહીં તો આપણી દીકરી આવું ન કરે. ત્યારે એ દીકરીની માતા બોલી ઊઠી કે, આપણે તો એને સારા સંસ્કાર આપ્યા હતા, પણ સંસ્કાર કે કુસંસ્કાર માત્ર એક જ જગ્યાએથી નથી મળતા. એણે કદાચ પોતાના સંસ્કારોની અલગ જ વ્યાખ્યા બનાવી હશે. તમે તમારા સંસ્કાર કે કુસંસ્કાર માટે કોઈને દોષી ન ઠેરવી શકો. કમળ ક્યારેય નથી કહેતું કે, મને ઊગવા માટે કીચડ જ કેમ મળ્યો? જેને ખીલવું હોય છે એ ખીલી જ જતા હોય છે. આપણી ફરજ એટલી છે કે, આપણે રોજેરોજ કંઈક સારું શીખતા રહીએ અને આપતા રહીએ.
સંસ્કાર શું માત્ર મા-બાપ તરફથી કે ઘરમાંથી જ મળે છે? એનો જવાબ છે, ના. ત્યાં તો માત્ર નખાય છે એ પાયો કેવો છે એના ઉપર ઘણો બધો આધાર રહે છે. છેલ્લે ઇમારત તો વ્યક્તિએ પોતે જ ચણવાની હોય છે. ઘરમાંથી બહાર પગ મૂક્યા બાદ મિત્રો હોય છે, સમાજ હોય છે, શાળા-કોલેજ અને પછી કરિયર હોય છે. આ સફર કાપતી વખતે ઘણું બધું સામે આવતું હોય છે. આપણે એમાંથી જે ગ્રહણ કરીએ એના ઉપર જીવનની ઇમારત રચાતી હોય છે. કેટલીક ઇમારત તો બનતા પહેલાં જ ખંડેર બની જતી હોય છે, જ્યારે કેટલીક ઇમારતો અનેક બદીઓની વચ્ચે પણ બુલંદ રહેતી હોય છે. કોઈ પેરેન્ટ્સ કોઈ દિવસ ખરાબ સંસ્કાર આપી ન શકે. આપણે એ સાચવી ન શકીએ તો એના માટે આપણાથી વધુ જવાબદાર કોણ હોય?   
(તા. 06 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)