Tuesday, 23 September 2014

કોનું કેરેક્ટર ઊંચું? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્યની ઓળખ કરવી હોય તો કેવી રીતે થઈ શકે? જાણકારો એવું કહે છે કે, એ વ્યક્તિ સાથે એકાંતમાં રહો તો એને ઓળખી શકો. તો કોઈ કહે એનો કપરો કાળ એ કેવી રીતે કાઢે છે એ જુઓ તો ખબર પડે કે એ વ્યક્તિ કેવી છે? વ્યક્તિની ઓળખ એટલે શું? એ વ્યક્તિનું ચારિત્ર્ય કે પછી એ વ્યક્તિની પ્રામાણિકતા? આ બંને એકબીજા સાથે જોડાયેલી વાત છે. જોકે, દુનિયામાં જીવતા મોટાભાગના લોકો ચારિત્ર્યની ઓળખને ટોચ ઉપર મૂકે છે.

કેરેક્ટરની વાત કરવાનું મન એટલે થયું કે, થોડા દિવસો પહેલાં શ્વેતાપ્રસાદ બસુ નામની ૨૩ વર્ષની અભિનેત્રી કોઈ ઉદ્યોગપતિ સાથે હોટેલમાં એક રેડ દરમિયાન ઝડપાઈ. પોલીસે સિફતપૂર્વક એ વેપારીનું નામ જાહેર ન કર્યું, પણ અભિનેત્રીની ઓળખ છતી કરી દીધી. 'મકડી' ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતનારી, 'ઇકબાલ' ફિલ્મમાં હીરોની બહેનની ભૂમિકામાં દિલ જીતી જનારી શ્વેતાએ બાળપણમાં જ એની અભિનય ક્ષમતા બતાવી દીધી હતી. એનું બોલિવૂડમાં કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કેવું છે એ વિશે વાત નથી કરવી. વાત કરવી છે એ પકડાઈ ગઈ એ પછીની વાતની.

શ્વતાએ એવું કહ્યું કે, "હું એકલી આ સેક્સ સ્કેન્ડલમાં નથી. અનેક અભિનેત્રીઓ પોતાના દેહનો વેપાર કરે છે. એણે સૌથી વધુ આઘાતજનક વાત એ કરી કે, મારી પાસે રૂપિયાની તંગી હતી એટલે હું શોર્ટકટ અપનાવવા મજબૂર થઈ.

અરે! મારી બહેન, તારા કરતાં તો મારા ઘરની કામવાળી વધુ શીલવાન છે. જેને પળેપળ રૂપિયાની જરૂર છે છતાં એ પોતાના દેહનો વેપાર નથી કરતી. એક દિવસમાં એક-બે નહીં પંદર ઘરનાં કામ કરતી આ કામવાળી રોજના બાવીસ ઘરનાં કામ કરે તોપણ એની જરૂરિયાતો પૂરી થાય એમ નથી. એના ઉપર પણ પરિવારની બહુ જવાબદારીઓ છે, પણ એ કદીય કોઈના ઘરમાં ચોરી કરતી નથી. કોઈ ઘરે કામ કરતી હોય અને એ પુુરુષની નજરમાં જરા પણ સવાલ જાગે તો ગમે તેટલા રૂપિયા મળે પણ એ કામ છોડી દેતા અચકાતી નથી. રૂપિયા કમાવવા માટે કયા રસ્તે જવું એ દરેક વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. રોજેરોજ દેહનો વેપાર કરીને કમાવનારી સ્ત્રી પણ જવાબદારી નિભાવે છે, તો કેટલીક વખત પોતાના શોખની અને લક્ઝરી ભોગવવાની કોઈ મર્યાદા નક્કી ન કરી શકે ત્યારે એ ટૂંકા રસ્તાઓ અપનાવી લેતી હોય છે. એક મિત્રએ થોડા દિવસ પહેલાં જ બહુ સરસ વાત કરી હતી કે, તમારી કમાણીની મર્યાદા કે લિમિટ શું હોય એ તમે એક વાર નક્કી કરી લો પછી ક્યાં અટકવું એ તમને ખબર પડી જશે. કમાણી, જરૂરિયાત, લક્ઝરી, ઝાકમઝોળવાળી જિંદગી આ બધાંની કોઈ બાઉન્ડ્રી નથી હોતી. એ બાઉન્ડ્રી આપણે પોતે બાંધવી પડતી હોય છે. જ્યાં તમે તમારી મર્યાદા ન બાંધી શકો ત્યાં લપસવાના ચાન્સીસ વધુ છે.

પોતાના દેહનો વેપાર કરીને શ્વેતા કેટલો ચાર્જ લેતી હતી એ વાત પણ બહાર આવી છે. પોતાને ફિલ્મોમાં કામ નહોતું મળતું એટલે એ આ રસ્તે વળી ગઈ. એક મનોચિકિત્સકે આ કિસ્સો સાંભળીને કહ્યું કે, સાચી વાત એ છે કે, પોતાના ચારિત્ર્યનું હનન થાય ત્યારે સ્ત્રી હોય કે પુરુષ એનો આત્મા ડંખી જાય. આસ્તિત્વ હલી જાય, પરંતુ પોતાની પસંદગીથી એ રસ્તે ગયા હોઈએ ત્યારે શરૂઆતના સમયમાં કદાચ આત્મા ડંખતો હશે, પણ પછી એ બદલામાં મળતી તગડી રકમ ઘણી વખત એ દુઃખને ભુલાવી દેવામાં દવાનું કામ કરતી હશે.

જો ઇઝી મની મેળવવાનો આ જ રસ્તો હોય તો પારકાં કામ કરતી કે ઈંટોના ટોપલા ઉઠાવતી સ્ત્રીઓ પણ એ રસ્તે ચાલી જાય. સ્ત્રી હોય કે પુરુષ સુખી થવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. દરેક માણસને એવું હોય કે પોતાની સાથે જીવતી વ્યક્તિ, બાળકો અને પરિવાર સૌથી વધુ સુખ પામે, પણ એ સુખ તમને કઈ શરતે જોઈએ છે એટલી સમજ તમારે પોતે કેળવવી જોઈએ. ખોટા રસ્તે જઈને કદાચ રૂપિયા મળી જતા હશે, પણ એમાં સુખની કોઈ ગેરંટી નથી મળતી હોતી. તકલીફો વેઠીને કે ઓછી જરૂરિયાતમાં જીવીને ઘણી વખત અભાવ કે ફરિયાદો ખૂટતી નથી હોતી, પણ એ મહેનત અને ફરિયાદો વચ્ચે જિવાતી જિંદગીમાં સુખ કેટલું ધબકતું હોય છે એ બહુ ઓછા લોકો સમજી શકે કે પામી શકે છે.

(તા. 17 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com

No comments:

Post a Comment