મજાક, કમેન્ટ્સ અને માનસિકતા
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના સંબંધો વચ્ચે જિવાતી જિંદગીમાં ઘણી વખત જિંદગી બહુ સ્પીડમાં ચાલતી હોય એવું લાગે. કોઈને જવાબ આપવો હોય તો તુરંત મેસેજ કે સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ કે પછી વોટ્સ એપ જેવી એપ્લિકેશન આપણા હાથવગી છે. જવાબ જ શું કામ? કોઈના ફોટા ઉપર કંઈ કમેન્ટ કરવી હોય કે કોઈ લેખ ઉપર તમારે પોતાનું મંતવ્ય આપવું હોય તો જસ્ટ થોડું કી ઇન કરી દો એટલે તમે વ્યક્ત થઈ ગયા.
મિત્રો વચ્ચેની મજાક પણ આવી જાય અને કોઈને કંઈક કહેવું હોય તોપણ એ આજે આપણે સ્માર્ટ ફોનની અલગ અલગ સિસ્ટમથી આપી દઈએ છીએ. કોઈની મજાક આપણને ગમે તો કોઈની કમેન્ટ આપણને નથી પસંદ આવતી. ફોન ઉપરના તમારા રિંગટોનથી માંડીને કયા પ્રકારની કમેન્ટ્સ કરો છો એ સઘળું તમારી માનસિકતા અને સમજ કે નાસમજને રિફ્લેક્ટ કરે છે.
મજાક કે કમેન્ટ્સનું પણ એક લેવલ હોય એવી વાતને કોઈ ગંભીરતાથી લેતું જ નથી. ગાંધીજીનો એક કિસ્સો યાદ આવે છે. ગાંધીજીની ટીકા કરતો એક પત્ર એમને મળ્યો. એમાં અત્યંત ગંદી ગાળો લખી હતી. બાપુએ એ પત્ર વાંચ્યો અને એવું કહ્યું કે આ પત્રમાંથી એક ટાંચણી જ કામની છે. તેમને લખવામાં આવેલી ટીકાની જાણે તેમની ઉપર કોઈ અસર ન થઈ. એમાંથી જે કામનું હતું એ લઈ લીધું અને ભૂલી ગયા. આપણે તો આપણી ઉપર કરવામાં આવેલી મજાક કે ગાળ કે પછી ગંદી કમેન્ટ્સને પણ વળતો જવાબ ન આપીએ ત્યાં સુધી ચેનથી બેસતા નથી.
આવી જ વાત કંઈક તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુ સાથે થઈ હતી. ચીન સાથે થયેલા યુદ્ધ બાદની સંસદસભા વખતની આ વાત છે. યુદ્ધ માટે કારણભૂત એવા વિવાદી પ્રદેશ વિશે નહેરુજીએ એવું કહ્યું કે, આ એક એવા પ્રદેશની વાત છે જેમાં ઘાસનું એક તણખલું પણ ઊગતું નથી. આ સાંભળીને સાંસદ મહાવીર ત્યાગીએ પોતાનું સફાચટ માથું બતાવીને નહેરુજીને કહ્યું, મારા માથા ઉપર પણ એક વાળ ઊગતો નથી એટલે મારું માથું વાઢીને ચીનને આપી દેશો? દેશની સંસદમાં કહેવાયેલી ગંભીરતા અને કટાક્ષની હાઇટ આ કમેન્ટમાં તરી આવે છે. ફેસબુક ઉપર કે પછી ફોનમાં આવી કોઈ મજાક કે ગંદી કમેન્ટ્સ આવી હોય તો આપણી પાસે ડિલીટનું બટન છે કે પછી હાઇડ કરવાની સુવિધા છે, પરંતુ માણસ એક જ એ વાતને દિલમાં ડિલીટ નથી કરી શકતો કે મનમાં હાઇટ નથી કરી શકતો.
મને યાદ છે, વર્ષો પહેલાં રાજકોટમાં રમેશ મહેતા સાથેની મુલાકાત. ગુજરાતી ફિલ્મોમાં એ સમયે દ્વિઅર્થી સંવાદોની બોલબાલા હતી. એક અચ્છા હાસ્ય કલાકાર અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા રમેશ મહેતાએ ત્યારે કહ્યું હતું કે, જમાનાની તાસીર સાથે કલાકારનું કામ પણ બદલાઈ ગયું છે. નહીં ચાહવા છતાંય દ્વિઅર્થી સંવાદો બોલવા પડે છે એ કહીકત છે. કેડિયા-ચોરણીની માનસિકતા અને દ્વિઅર્થી સંવાદોએ ગુજરાતી ફિલ્મોનો મૃત્યુઘંટ વગાડવામાં મોટું કામ કર્યું છે.
ગંદી વાતો કે ગંદી કમેન્ટ્સ કે વાતો વાતોમાં ગાળો બોલતા લોકોને કદાચ એની સાથેના લોકો કે એની નીચે કામ કરતા લોકો સહન કરતાં હશે, પણ એ માણસ પ્રત્યે બહુ ઓછાને માન થતું હશે. જાહેરમાં બોલાતી ગંદી વાતો હોય કે પછી એડલ્ટ જોક્સ હોય એક હદ સુધી જ એને સહન કરી શકાય. એક હદથી વધારે તમને એ વાતથી ચીતરી ચડવા લાગે. પોતાની વાત કે વિચારને પોતાના વ્યક્તિત્વનો અરીસો સમજો તો કદીય જાહેરમાં કે સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર એવી કોઈ નબળી વાત તમારાથી થશે જ નહીં. આપણે એવું માનતા હોઈએ છીએ કે એક વખત બતાવી દઈએ કે હું પણ ચૂપ બેસનારાઓમાં નથી. ખરાબ રીતે બોલીને કે ગાળો આપીને તમે તમારી જાતને સમજાવી શકો ખરા, પણ સમજદાર વ્યક્તિ તમને માપી જતો હોય છે એ વાતમાં બેમત નથી.
(તા. 27 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)
email : jyotiu@gmail.com

No comments:
Post a Comment