Tuesday, 23 September 2014

સાચા-ખોટા, સારા-નરસા, હલકા અને ભારે સંબંધો 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ


આ દુનિયામાં દરેક જીવ કોઈ એક અથવા અનેકની સાથે સંબંધે બંધાયેલો છે. કોઈ એવું કહે છે કે, હું એકલો જ જીવી લઈશ તો એ એની જિંદગીનું સૌથી મોટું જૂઠાણું હશે. અનેક સંબંધો વચ્ચે આપણી જિંદગી ચાલતી હોય છે.

જરા કોઈ વખત વિચાર આવી જાય ત્યારે એવું લાગે કે, કેટકેટલા સંબંધો આપણે જીવતા હોઈએ છીએ. પોતાનાં, પારકાં, સાવકાં, સ્વાર્થી, સગવડિયા, અણગમતા, ગમતાથી માંડીને નિભાવવા પડતા હોય એવા સંબંધો. કેટલાંક સંબંધો જીવતા હોઈએ છીએ તો કેટલાંક જીરવતા હોઈએ છીએ. જીરવવા પડે એવા સંબંધમાં જીવતર જેવું કંઈ હોતું નથી.
થોડા દિવસો પહેલાં કલા અને સંસ્કૃતિની નગરી એવા ભાવનગરમાં એક પ્રવચન આપવાનું થયું. વિષય હતો, સંબંધો. આ વિશે એકઠા થયેલા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો. એ વાતચીતની થોડી વણકહેલી વાતો એટલે આપણા સંબંધોની દુનિયા અને દુનિયાના સંબંધો. કોઈ સંબંધ લોહીનો હોય છે તો કોઈ લાગણીનો. ભલે એવું કહેવાતું હોય કે, બ્લડ ઇઝ થિકર ધેન વોટર, પરંતુ ઘણી વાર બ્લડના સંબંધોમાં પાણીની જેમ લોહી વહી જતું હોય છે કે પછી લોહીના સંબંધો જ લોહીપાણી એક કરી દે એવા તંગ હોય છે. આમ પણ દોસ્તી હોય કે સ્નેહની વાત હોય લોહીના સંબંધ કરતાં લાગણીનો સંબંધ હંમેશાં બે મુઠ્ઠી ઊંચો જ હોય છે. લોહીના સંબંધમાં ઘણી વખત અણગમતી વાત થઈ જાય કે વર્તન થઈ જાય ત્યારે એ જ લોહીના સંબંધની લાગણી ક્યારે નફરતમાં પલટાઈ જાય છે એની કોઈને ખબર નથી પડતી. માતા-પિતાની વિરુદ્ધ જઈને લગ્ન કરનારાં યુગલોને તો આ લાગણીનો સૌથી વધુ અનુભવ થયો હશે. કદાચ થોડા કિસ્સાઓમાં મા-બાપ સાચાં પણ હોઈ શકે. જ્યારે કેટલાય કિસ્સાઓમાં મા-બાપ ખોટાં પડે તોપણ એમનો અહમ્ પરિસ્થિતિઓ સ્વીકારવા તૈયાર નથી હોતો.

નિભાવવા પડતા સંબંધો તો આપણી આસપાસ નજર નાખીએ તોપણ મળી આવે. સો કોલ્ડ સોસાયટી માટે કેટકેટલાંય સંબંધો નિભાવાતા હોય છે. જેમાં જીવન કે જીવનની મજા તો સ્વપ્નવત્ હોય છે. કેટલા બધા કિસ્સાઓમાં પતિ-પત્ની વચ્ચેના મતભેદો અને એમનું દાંપત્યજીવન બાળકોને કારણે ટકી રહેતું હોય છે. બંને પક્ષે એવો દાવો થતો હોય છે કે, હું તો બાળકોને ખાતર જતું કરું છું, બાકી એમની સાથે તો એક પળ પણ રહેવું શક્ય નથી. આવા કિસ્સાઓમાં તો ઘણી વખત બાળકો એમનાં મા-બાપ કરતાં વધુ સમજદાર નીકળે છે. આપણે એવું માનતા હોઈએ કે, બાળક છે એને શું ખબર પડે? પણ સાચી વાત એ છે કે આપણા કરતાં બાળકોને ઘરના માહોલ વિશે બહુ વહેલા અંદેશો આવી જતો હોય છે. ઘરમાં સાથે રહેતાં બે પાત્રો સાથે જીવતાં નથી હોતાં અને એમની વચ્ચે મેન્ટલ ડિવોર્સ બહુ જલદીથી આકાર લઈ લે છે. એક ઘરમાં એક ફૂટનું પણ અંતર ન હોય પણ બંને પાત્રો વચ્ચે જોજનોનું અંતર આવી જાય છે. આવા મેન્ટલ ડિવોર્સ નભી પણ જાય છે, કેમ કે બંને પાત્રોને એકબીજા સાથે પેઇનફુલી કનેક્ટેડ રહેવાની આદત પડી ગઈ હોય છે.

આવું જ કંઈક ગરજના સંબંધમાં પણ નથી જોવા મળતું? કેટલાંક સંબંધો ટાઇમ બીઇંગ બંધાતા હોય છે અને સમય, સંજોગો બદલાય એટલે ક્યારે આપણી જિંદગીમાંથી એ સંબંધ રુખસત લઈ લે એની આપણને ખબર સુધ્ધાં ન રહે. ઘણી વખત લોહીના સંબંધોમાં પણ ગરજ આવી જતી હોય છે. આપણી જરૂરિયાતો પૂરી કરતી વ્યક્તિ આપણને ન ગમતી હોય છતાં તેની સામે ચૂં કે ચાં કરવાની આપણી હિંમત નથી હોતી. આપણી પરાવલંબી પ્રકૃતિ એ માણસની મોહતાજ થઈ જાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો મા-બાપને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને લોહીનો સંબંધ ગરજના સંબંધમાં ક્યારે પલટાઈ જાય છે એ આપણે સમજી ન શકીએ. દીકરા કે દીકરાનાં સંતાનને સાચવવાનાં હોય કે પછી તમારા પેન્શનની કે તમારી ફિક્સ ડિપોઝિટ કે તમારા નામે રહેલી પ્રોપર્ટીનો મોહ એ જ સામેની વ્યક્તિની ગરજ રહેતી હોય છે. આ બધું વાંચીને સહેજે સવાલ તો થશે જ કે, તમારા પોતાના લોકો સાથે તમારો સંબંધ કેવો છે? સહજ, ગરજ કે બીજું કોઈ નામ છે એ સંબંધનું?

(તા. 20 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

No comments:

Post a Comment