મનના કચરાની ડસ્ટબિન હોય?
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
ઘરમાં કોઈ પણ નકામી વસ્તુને
આપણે સીધી કચરાટોપલીમાં પધરાવીએ છીએ.
શું મનમાં રહેલો કચરો ક્યાંય ઠાલવી શકાય ખરો?
ઓફિસમાં કે ઘરમાં એક પણ નકામી ચીજ હોય કે ફેંકી દેવાની વસ્તુ હોય તો આપણે તરત જ એને કચરાટોપલીમાં નાખી દઈએ છીએ. અરે! આપણે તો વર્ષેદહાડે દિવાળીનું કામ કરીએ ત્યારે પણ નકામી વસ્તુઓનો ખડકલો કરીએ છીએ. ભંગારવાળાને આપીને એ કચરામાંથી પણ કમાણી કરીએ છીએ. સવાલ એ છે કે, મનના નકામા વિચારો, નેગેટિવ લાગણીને બહાર ફેંકીને એમાંથી કંઈ શીખવાની કમાણી કરીએ છીએ ખરા?
આખા વર્ષ દરમિયાન કેટલી બધી ચીજો આપણે ઘરભેગી કરીએ છીએ. નવું ઘર લીધું હોય ત્યારે એ ઘરમાં ફક્ત ચાર દીવાલો અને છત હોય છે. એમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ચીજો ખરીદીએ છીએ. આ ખરીદીમાં ક્યારે નકામી ચીજો ઘરમાં આવી જાય છે એનો આપણને અંદાજ જ નથી રહેતો. એક વખત ઘરમાં ઘૂસી ગયેલી ચીજ પછી આપણા હાથમાં અકસ્માતે આવી જાય ત્યારે આપણને ખબર પડે છે કે, આ ચીજ તો સાવ નકામી લેવાઈ ગઈ. આવું જ કંઈક મનનું છે. દિલમાં અને દિમાગમાં આપણે જાણે-અજાણે એટલી નકામી વાતો, વિચારોને ભંડારી રાખીએ છીએ કે પછી એમાં કોઈ સારી વાતને અવકાશ નથી રહેતો. કોઈ પોઝિટિવ વાત મનને સ્પર્શતી જ નથી હોતી.
એક બિઝનેસ વુમન રાધિકાની વાત કરીએ. એક સાવ સીધી સાદી હોમમેકરમાંથી રાધિકાએ ઘરઘરાઉ કામ શરૂ કર્યું. આજે એની કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. હેન્ડી ક્રાફ્ટની વસ્તુઓ બનાવીને પહેલાં એણે નજીકના લોકોને ભેટ આપી અને ધીમે ધીમે એમાંથી આગળ વધીને દેશ-વિદેશ સુધી એની કળા વિસ્તરી ગઈ.
ઘરની સજાવટની વસ્તુઓથી માંડીને અનેક કળાત્મક વસ્તુઓ એની કંપની બનાવે છે. રાધિકા કહે છે, રોજ મારી ફેક્ટરીમાં જે વસ્તુઓ બને છે એનો સ્ક્રેપ પણ નીકળે છે. એ નકામી વણવપરાયેલી વસ્તુઓ ઘણી વખત મારે ત્યાં કામ કરતી બહેનો પોતાના ઘરે લઈ જાય છે. એમાંથી એ કંઈક જુદું બનાવે છે અથવા તો નકામા લાકડાના ટુકડા અને ચીજોને કોઈક વાર બળતણ તરીકે પણ વાપરે છે. રોજેરોજ બનતી વસ્તુઓનો કચરો પણ રોજેરોજ ફેક્ટરીમાંથી નીકળી જાય છે. એક પણ નકામી ચીજ અમારી કામ કરવાની જગ્યાએ જોવા નથી મળતી.
રાધિકા કહે છે, એક દિવસ મારે ત્યાં સાવ જુનિયર કક્ષાની યુવતી એ કચરો બહુ ચીવટથી વીણતી હતી. એ વણવપરાયેલા ટુકડાઓમાંથી પણ એ નકામા ટુકડાનો એક અલગ ઢગલો કરતી હતી. પોતાને કામ લાગે એવા ટુકડાઓને એ થેલીમાં ભરતી હતી. એ યુવતીની બાજુમાંથી હું પસાર થઈ. મારે ત્યાં કામ કરતા દરેક લોકોને હું નામથી બોલાવું અને નામથી ઓળખું. એ યુવતીને જોઈને હું થોડી વાર ઊભી રહી. કચરો અલગ તારવતી વખતે એ એવું બોલી કે, મેડમ આ ટુકડાઓની જેમ જ આપણે આપણાં મનના કચરાને પણ આમ બહાર ઠાલવી શકતા હોય તો કેવું સારું.
આ વાત બહુ સહજતાથી બોલાઈ હતી, પણ રાધિકાને એ સ્પર્શી ગઈ. એ કહે છે કે, વાતવાતમાં કેટલી સાચી વાત કહી દીધી એ યુવતીએ. આપણે રોજ નવી સવાર પડે છે ત્યારે ફ્રેશ થઈએ છીએ. નાહીને ચોખ્ખા થઈએ છીએ, પણ મનની ચોખ્ખાઈ માટે આપણે કંઈ નથી કરતા. ઘરમાં રોજ ઝાડુ કાઢીને કચરાને વાળી લઈએ છીએ, પણ મનની સાવરણી કે મનના કચરાની કચરાટોપલી સામે ભાગ્યે જ જોઈએ છીએ. એવાં કેટલાંય લોકોનાં ઘરોને આપણે જોયાં હશે જેમાં ચોખ્ખાઈ તો બહુ જોવા મળે, પણ એ માણસ ઘણી વખત આપણને વ્યક્તિગત રીતે સ્પર્શતો નથી હોતો. એનું એક જ કારણ હોય છે એ વ્યક્તિના મનની ચોખ્ખાઈ. ઘણા બધા માણસો પણ એવા હોય છે જે દેખાવમાં રૂડાં-રૂપાળાં હોય. એમને જોઈએ ત્યારે તો આપણને એમ થાય કે એ બહુ ઉમદા વ્યક્તિત્વ હશે, પણ જેમ જેમ એને જાણીએ તેમ તેમ એના મનને આપણે ઓળખતા થઈએ છીએ. સાચી ઓળખ તો જે તે વ્યક્તિના મનની જ હોય છે. જેનું મન સ્પર્શે એની સાથેનો સંબંધ જ સાચો સંબંધ હોય છે. ઘરની કે તનની ચોખ્ખાઈની સાથોસાથ મનના કચરાની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. બાય ધ વે, આ વાંચીને મનની સફાઈ વિશે કંઈ પોઝિટિવ વિચાર આવે તો તરત જ વધાવી લેવો, કેમ કે સાચા માણસની ઓળખ તો એના દિલ કે મનથી જ થઈ આવે છે.
(તા. 24 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)














